એકનાથ ખડસેએ BJPના નેતાના એક મહિલા IAS ઑફિસર સાથે સંબંધ હોવાનો દાવો કર્યો
ગિરીશ મહાજન
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંકટમોચન ગણાતા નેતા અને કૅબિનેટ પ્રધાન ગિરીશ મહાજન પર નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના વિધાન પરિષદના સભ્ય અને એક સમયના રાજ્ય BJPના ટોચના નેતા રહી ચૂકેલા એકનાથ ખડસેએ ગંભીર આરોપ કર્યો છે.
એકનાથ ખડસેએ ગઈ કાલે આ સંબંધી એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે ‘ગગનભેદીના પત્રકાર અનિલ થત્તેએ એક ક્લિપ પ્રકાશિત કરી છે જેમાં કહ્યું છે કે ગિરીશ મહાજનના એક મહિલા ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) અધિકારી સાથે સંબંધ છે. આ મહિલાનું નામ પોતાને ખબર છે. જોકે મહિલાનું નામ જાહેર કરવું યોગ્ય નથી. રાજ્યના પ્રધાનમંડળના વિસ્તરણ માટે જે સમયે કેન્દ્રીય પ્રધાન અમિત શાહ સાથે બેઠક થઈ હતી ત્યારે અમિત શાહે ગિરીશ મહાજનને બોલાવીને પૂછ્યું હતું કે તમારા એક મહિલા IAS અધિકારી સાથે સંબંધ છે? ગિરીશ મહાજને અમિત શાહને કહ્યું હતું કે મારે કોઈ મહિલા અધિકારી સાથે સંબંધ નથી, પણ કામ બાબતે અનેક અધિકારીઓ સાથે વાતચીત થાય છે. અમિત શાહે ગિરીશ મહાજનને કહ્યું હતું કે તમારા તમામ કૉલ રેકૉર્ડ્સ અમારી પાસે છે. રાત્રે દોઢ વાગ્યા બાદ તમે મહિલા IAS અધિકારીને ૧૦૦-૧૦૦ કૉલ કર્યા છે. મોડી રાત્રે મહિલા અધિકારી સાથે વાત કરવાનો શું મતલબ છે? કૉલ ડીટેલ રૅકોર્ડ ખોટો ન હોય. મને લાગે છે કે ગિરીશ મહાજનના દસ વર્ષના કૉલ રેકૉર્ડ્સ તપાસવામાં આવે તો હકીકત સામે આવશે. હું અમિત શાહને મળીશ ત્યારે તેમને પક્ષમાં નીચલા લેવલ પર શું ચાલી રહ્યું છે એ વિશે પૂછીશ.’
ADVERTISEMENT
આ પહેલાં રાજ્યના મિનિસ્ટર ધનંજય મુંડેએ બીડમાં થયેલા સરપંચના મૃત્યુના કેસમાં તેમનો ખાસ સાથી સામેલ હોવાથી રાજીનામું આપવું પડ્યું હતું. આ સિવાય તેમની પહેલી પત્ની કરુણા મુંડેએ પણ તેમની તકલીફમાં વધારો કર્યો હતો.
ગિરીશ મહાજને શું કહ્યું?
પોતાના પર થયેલા આરોપ વિશે ગિરીશ મહાજને કહ્યું હતું કે ‘એકનાથ ખડસેને અંગત હુમલો કરવા સિવાય બીજું કંઈ ફાવતું નથી. તેમની સ્થિતિ અત્યારે કેટલીક ખરાબ છે એ બધા જાણે છે. હું તેમની જેમ અંગત હુમલો કરવામાં નથી માનતો. હું મોઢું ખોલીશ તો તેમના માટે ઘરની બહાર નીકળવાનું મુશ્કેલી બની જશે. તેમનું બધું ખતમ થઈ ગયું છે, ‘દુકાન’ બંધ થઈ ગઈ છે. આથી તેઓ એલફેલ બોલે છે અને અયોગ્ય વર્તન કરે છે. તેઓ કાયમ કહે છે કે તેમની પાસે પુરાવા છે. મેં તેમને ખુલ્લું આહવાન કર્યું છે કે પુરાવા આપો, પણ તેઓ માત્ર આરોપ કરે છે.’

