શિર્ડીમાં સાંઈબાબાના મંદિરમાં વિનામૂલ્ય મહાપ્રસાદ બંધ કરવાની માગણી કરીને BJPના નેતાએ કહ્યું...
શિર્ડીના સાંઈબાબાના મંદિરના પ્રસાદાલયમાં ભોજન કરી રહેલા ભક્તો અને બીજી તસવીરમાં સુજય વિખે પાટીલ
શિર્ડીના સાંઈબાબા મંદિરના પ્રસાદાલયમાં મફત મહાપ્રસાદ આપવામાં આવે છે. આ મહાપ્રસાદ બંધ કરવાની માગણી ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય સુજય વિખે પાટીલે કરી છે. સુજય પાટીલે શનિવારે શિર્ડીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘અન્નદાનમાં જે રૂપિયા વાપરવામાં આવે છે એનો ઉપયોગ રાજ્યનાં છોકરા-છોકરીઓના ભવિષ્ય માટે શિક્ષણમાં સાંઈ સંસ્થાને વાપરવા જોઈએ. આખા ભારતના લોકો શિર્ડીમાં આવીને મફતમાં ભોજન કરે છે, મહારાષ્ટ્રના બધા ભિખારી અહીં આવી ગયા છે. તેમને લીધે રાજ્યમાં ગુનેગારીમાં વધારો થઈ રહ્યો છે. આ યોગ્ય નથી. આ અન્નદાન બંધ કરવા માટે જરૂર પડશે તો આંદોલન પણ કરીશું.’
`એકનાથ શિંદેની શિવસેનાના પદાધિકારી કમલાકર કોતેએ પણ ગઈ કાલે કહ્યું હતું કે ‘સુજય વિખે પાટીલે જે ભૂમિકા માંડી છે એને અમારું પહેલેથી સમર્થન છે. સાંઈબાબાના ચરણે દાન પ્રાપ્ત થાય છે એનો ઉપયોગ સારી રીતે થવો જોઈએ. મહાપ્રસાદ મફતમાં આપવામાં આવે છે એમાં વેડફાટ પણ થઈ રહ્યો છે. અમારું પણ માનવું છે કે ભિખારીઓની સંખ્યામાં વધારો થવાની સાથે શિર્ડીમાં ગુનેગારીમાં પણ વધારો થયો છે. આથી સાંઈ સંસ્થાને કોઈ પણ વસ્તુ મફતમાં આપવાનું બંધ કરી દેવું જોઈએ.’
ADVERTISEMENT
જોકે શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના પદાધિકારી એકનાથ ગોંદકરે આ સંદર્ભમાં પોતાની બાજુ માંડતાં કહ્યું હતું કે ‘અન્નદાન કરવા માટે ૩૬૫ દિવસ દાતાઓ બુકિંગ કરાવે છે. આથી પ્રસાદાલયને લીધે સંસ્થાન પર આર્થિક બોજો નથી આવતો. સાંઈ સંસ્થા પાસે ૪૫૦ કરોડ રૂપિયાથી વધુ ફન્ડ અન્નદાન માટે જમા છે. આ ફન્ડ બીજી કોઈ જગ્યાએ વાપરી ન શકાય. બિનજરૂરી લોકો અહીં આવીને ભોજન કરતા હોવાથી ગુનેગારીમાં વધારો થાય છે એવું કહેવાને બદલે જે સાંઈભક્તો કરોડો રૂપિયાનું દાન કરે છે તેમની દૃષ્ટિએ જોવું જોઈએ. દર વર્ષે લાખો લોકો શિર્ડીમાં સાંઈબાબાનાં દર્શન કરવા માટે આવે છે તેમને હોટેલમાં જમવાનું પરવડતું નથી એટલે મહાપ્રસાદ તરીકે સાંઈબાબાનું ભોજન તેમને પીરસવામાં આવે છે.’