નાણાપ્રધાન તથા કૉમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટરને મુંબઈ BJPના નેતાનો પત્ર
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય અતુલ શાહે કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ તથા કૉમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલને પત્ર લખીને મુંબઈ-મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં અસાધારણ અને અવિરત વરસાદને કારણે ઇન્કમ-ટૅક્સનું રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા લંબાવવાની વિનંતી કરી છે. આ સિવાય આવકવેરા વિભાગના ઈ-ફાઇલિંગ પોર્ટલ પરની ગંભીર ટેક્નિકલ ખામીઓને લક્ષમાં રાખીને રિટર્ન ભરવાની નિયત તારીખ ૩૧ જુલાઈને વધુ ૧૫ દિવસ લંબાવવાની વિનંતી પણ તેમણે કરી છે.
અતુલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવકવેરા વિભાગના ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ગંભીર ટેક્નિકલ ખામીઓ છે જેને કારણે કરદાતાઓ અનેક પ્રયાસો છતાં તેમનું રિટર્ન ફાઇલ કરવામાં અસમર્થ રહ્યા છે. આ ઉપરાંત વરસાદને કારણે લોકોનાં તમામ શેડ્યુલ ઠપ થઈ ગયાં છે. અનેક રાજ્યોમાં વેપારીઓ અને લોકોએ પૂરનો પણ સામનો કરવો પડ્યો છે જેને કારણે કરદાતાઓ અને તેમના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટો અનેક પ્રયાસો છતાં તેમનું રિટર્ન ફાઇલ કરવામાં અસમર્થ રહ્યા છે. આ પરિસ્થિતિમાં દેશના કરોડો કરદાતાઓને સરકાર પાસે આશા છે કે આવકવેરા વિભાગ આ વખતે આકારણી વર્ષ ૨૦૨૪-’૨૫ માટેની રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદાને લંબાવશે. મને પણ આશા છે કે ઉદ્યોગપ્રધાન અને નાણાપ્રધાન આ બાબતને ધ્યાનમાં રાખીને ઇન્કમ-ટૅક્સ ફાઇલ કરવાની નિયત તારીખ લંબાવીને લોકોને સાથસહકાર આપશે.’