BJP in Thane: થાણેમાં ભાજપના વનમંત્રી ગણેશ નાયકે ‘જનતા દરબાર’ યોજતાં મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ થઈ. શિંદેના ગઢમાં હૉર્ડિંગ્સ હટાવી નાયકના હોર્ડિંગ્સ લગાવાયા, મહાયુતિમાં તણાવની અટકળો.
એકનાથ શિંદે અને ગણેશ નાયક (ફાઇલ તસવીર)
કી હાઇલાઇટ્સ
- શિંદેના ગઢમાં ગણેશ નાયકે જનતા દરબાર યોજતાં રાજકીય તણાવ
- થાણેમાં શિંદેના હોર્ડિંગ્સ હટાવી, નાયકના બેનર લાગ્યા, મહાયુતિમાં તણાવ?
- એકનાથ શિંદેના ખાસ અને થાણેના સાંસદ નરેશ મસ્કેએ આપી પ્રતિક્રિયા
મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ કંઈક એવું બની રહ્યું છે કે જે મહાયુતિ અને મહા વિકાસ આઘાડીમાં ફૂટ પડી રહી છે એવા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં એકનાથ શિંદે અને ભાજપ વચ્ચે તણાવ વધ્યો હોવાની અફવાઓ ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યના વનમંત્રી અને ભાજપના નેતા ગણેશ નાયકે સોમવારે થાણેમાં ‘જનતા દરબાર’નું આયોજન કર્યું હતું. ખાસ વાત એ છે કે થાણેને નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેનો ગઢ માનવામાં આવે છે. જેથી ભાજપના નેતા દ્વારા શિંદેના ગઢમાં જાહેર કાર્યક્રમ યોજાતા રાજકીય વાતાવરણ ગરમાયું છે.
મહાયુતિમાં અણબનાવ? શિંદેના હૉર્ડિંગ્સ હટાવી નાયકના લગાવાયા!
ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને અજિત પવારની એનસીપી સાથે મળીને મહાયુતિ સરકાર રચાઈ છે. થાણેમાં જનતા દરબારની જાહેરાત માટે શહેરમાં કલેક્ટર ઑફિસ નજીક મોટા હૉર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. રાજકીય જાણકારોનું માનવું છે કે આ કાર્યક્રમ ભાજપની થાણેમાં હાજરીનો સંકેત છે. સૂત્રો મુજબ, થાણેમાં જ્યાં-જ્યાં એકનાથ શિંદેના હૉર્ડિંગ્સ અને બૅનર હતા, ત્યાં હવે ગણેશ નાયકના જનતા દરબારના હૉર્ડિંગ્સ દેખાયા હતા. આ ઘટનાઓ સંકેત આપે છે કે મહાયુતિમાં ગેરસમજ વધી રહી છે. બીજેપી-શિવસેના તણાવની વચ્ચે એકનાથ શિંદેએ તાજેતરમાં જ કહ્યું હતું, "મને હળવાશમાં ન લો. જેમણે મને હળવાશમાં લીધા, તેમની ગાડી ઊંધી વળી ગઈ છે!"
ADVERTISEMENT
ગણેશ નાયક Vs એકનાથ શિંદે: જૂની રાજકીય પ્રતિસ્પર્ધા
ગણેશ નાયક અને એકનાથ શિંદે વચ્ચે વર્ષો જૂની રાજકીય સ્પર્ધા છે. જ્યારે શિંદે પૂર્વ-વિભાજિત શિવસેના માટે થાણે જિલ્લા પ્રમુખ હતા, ત્યારે નાયક એનસીપીમાં પ્રભાવશાળી નેતા હતા. તેઓ નવી મુંબઈની રાજકીય દશા-દિશા નક્કી કરતા નેતા હતા.મુંબઈ મહાનગર વિસ્તારમાં પ્રભુત્વ માટે આ બંને નેતાઓ વચ્ચે હંમેશાં સ્પર્ધા રહી છે.
1990થી જનતા દરબાર યોજી રહ્યા છે ગણેશ નાયક
મહારાષ્ટ્રમાં ‘જનતા દરબાર’ ની સંકલ્પના 1990માં ગણેશ નાયકે શરૂ કરી હતી, જેનો હેતુ નાગરિકોને સીધા પ્રશાસન સાથે જોડવાનો હતો. તાજેતરમાં જ ત્રીજી ફેબ્રુઆરીએ વાશી અને 21 ફેબ્રુઆરીએ પાલઘરમાં આવા કાર્યક્રમો યોજાયા હતા. ગણેશ નાયકના પુત્ર અને પૂર્વ સાંસદ સંજીવ નાયક જનતા દરબારની તૈયારીઓમાં વ્યસ્ત છે. સંજીવે કહ્યું, "આ શિવસેના વિરુદ્ધ કોઈ શક્તિપ્રદર્શન નથી. મહાયુતિ એકસાથે છે." તેમણે સ્પષ્ટતા કરી કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સૂચન પર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકો સુધી પહોંચીને તેમની સમસ્યાઓ સાંભળવાનો છે.
શિવસેના તરફથી પ્રતિક્રિયા
એકનાથ શિંદેના ખાસ અને થાણેના સાંસદ નરેશ મસ્કેએ BJPના થાણે પ્રવેશ અંગે શંકાઓ નકારી હતી. તેમણે કહ્યું. "એકનાથ શિંદે જ્યાં જાય ત્યાં હજારો લોકો કામ માટે આવે છે. હું રોજ 400-500 લોકોના પ્રશ્નો સાંભળું છું. જનતા દરબાર માટે મહેલની જરૂર નથી!"

