BJPના હાઈ કમાન્ડે મહારાષ્ટ્રના નેતાઓને કહી દીધું
પ્રતીકાત્મક તસવીર
લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ એનાં કારણો જાણવા દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉચ્ચ નેતાઓએ મહારાષ્ટ્રની કોર કમિટીના સભ્યોની બેઠક બોલાવી હતી. એ બેઠકમાં સ્પષ્ટ રીતે કહી દેવામાં આવ્યું હતું કે રાજ્યમાં હવે કોઈ એક વ્યક્તિની મનમરજીથી પક્ષ નહીં ચાલે, કોર કમિટીને સાથે રાખીને કામ કરવું પડશે.
લોકસભાની ચૂંટણીમાં BJPને રાજ્યની ૪૮ બેઠકમાંથી ૪૫ બેઠક જીતવાની આશા હતી અને દેશભરમાં ૪૦૦ પારનો નારો ગુંજી રહ્યો હતો. જોકે ચૂંટણીનાં પરિણામો ચોંકાવનારાં રહ્યાં હતાં. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં પક્ષનો પર્ફોર્મન્સ બહુ જ નબળો રહ્યો હતો. મહારાષ્ટ્રમાં માત્ર ૯ બેઠકો જ BJPના ફાળે આવી હતી. એ પછી રાજ્યમાં થયેલી આ હારની જવાબદારી સ્વીકારીને દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના પદ પરથી રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હતી. જોકે એ વખતે દિલ્હીમાંથી કહેવાયું હતું કે હાલ રાજીનામું આપવાની જરૂર નથી, કામ ચાલુ રાખો. એ પછી દિલ્હીમાં અમિત શાહની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી નેતાઓની મીટિંગમાં રાજ્યની BJPની કોર કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. એમાં તેમને બહુ સ્પષ્ટપણે કહી દેવાયું હતું કે ‘કોઈ એક વ્યક્તિની મરજીથી રાજ્યમાં પક્ષ ચાલી શકે નહીં, કોર કમિટીને સાથે લઈને જ પક્ષ ચલાવવો પડે એમ છે. મહારાષ્ટ્રમાં જો મહાવિકાસ આઘાડીને રોકવી હોય તો BJPએ સાથે મળીને કામ કરવું પડશે, મહારાષ્ટ્રના બધા જ જૂના નેતાઓને સક્રિય કરવા પડશે. વિધાનસભાની તૈયારી ચાલુ કરી દો. અત્યારથી જ ઉમેદવારોને કહી દો કે તૈયારી કરવા માંડે. લોકસભાની ચૂંટણી વખતે જે ભૂલો થઈ એ વિધાનસભાની ચૂંટણી વખતે ફરી ન થાય. મહારાષ્ટ્રમાં BJPની સત્તા લાવવી છે.’
ADVERTISEMENT
સોશ્યલ મીડિયાનો બહોળો ઉપયોગ કરો
સોશ્યલ મીડિયામાં BJPના વિરોધીઓ દ્વારા જે મુદ્દા માંડવામાં આવ્યા એનો જવાબ આપવામાં BJPના નેતાઓ ક્યાં ઊણા ઊતર્યા એની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી. હવે વિધાનસભાની ચૂંટણી વખતે વિરોધીઓને જવાબ આપવા સોશ્લય મીડિયાનો બને એટલો વધુ ઉપયોગ કરવા કહેવાયું છે.