ગનમાંથી થયેલા ફાયરિંગમાં એક જણનું મોત થતાં ખુશીને બદલે ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો
પ્રતીકાત્મક તસવીર
પુણેમાં રોડ પર થઈ રહેલા બર્થ-ડે સેલિબ્રેશન વખતે થયેલી મચમચમાં ગનમાંથી થયેલા ફાયરિંગમાં એક જણનું મોત થતાં ખુશીને બદલે ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. દેહુ રોડ પોલીસે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘પિંપરી-ચિંચવડના દેહુ રોડ વિસ્તારમાં ગુરુવારે રાતે આ ઘટના બની હતી. આ કેસના ફરિયાદી નંદ કિશોર યાદવની ભત્રીજીનો બર્થ-ડે હતો અને રોડની સાઇડમાં તેઓ એને સેલિબ્રેટ કરી રહ્યાં હતાં ત્યારે બે બાઇક પર ચાર જણ ત્યાં આવી ચડ્યા હતા. તેમણે રોડ પર કેમ બર્થ-ડે સેલિબ્રેટ કરી રહ્યા છો એમ કહી વાંધો લીધો હતો. એ વખતે નંદ કિશોરે તેમને ત્યાંથી ચાલ્યા જવાનું કહેતાં તેમાંના એક આરોપીએ ત્યાં બાજુમાં રહેલી ખુરસી ઉપાડીને નંદ કિશોરના મોં પર મારી દીધી હતી. એ જોઈ નંદ કિશોરનો મિત્ર ગુરુ સ્વામી રેડ્ડી વચ્ચે પડ્યો હતો અને તેમને શાંત પાડવાની કોશિશ કરી હતી. એ વખતે અન્ય એક આરોપીએ તેની પાસેની ગન કાઢી ગુરુ સ્વામી પર જ ફાયરિંગ કર્યું હતું અને નીકળી ગયા હતા. ગોળી લાગતાં ગંભીર રીતે જખમી થયેલા ગુરુ સ્વામીને તરત જ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. અમે આરોપીઓને ઓળખી કાઢ્યા છે અને તેમને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.’

