Bill Gates Sips Tea : બિલ ગેટ્સે નાગપુરના ડૉલી ચાયવાલા સાથેનો વીડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો
બિલ ગેટ્સની ફાઇલ તસવીર
માઇક્રોસૉફ્ટ (Microsoft)ના સહ-સ્થાપક બિલ ગેટ્સ (Bill Gates) અત્યારે ભારત (India)માં છે. ભારત આવીને બિલ ગેટ્સ જાણે ભારતીય રંગમાં રંગાઈ ગયા છે. ભારતીયોની પ્રિય ચાએ બિલ ગેટ્સનું પણ મન મોહી લીધું છે. કારણકે બિલ ગેટ્સ તાજેતરમાં ચાની ચુસ્કી (Bill Gates Sips Tea) લેતા જોવા મળ્યા હતા. બિલ ગેટ્સે નાગપુર (Nagpur)ના સુપ્રસિદ્ધ ડૉલી ચાયવાલા (Dolly Chaiwala)ના સ્ટૉલ પર જઈને ચા પીધી હતી અને તેનો વીડિયો પણ શૅર કર્યો છે.
બિલ ગેટ્સ ભારત આવ્યા પછી જાણે ચાના દિવાના થઈ ગયા છે. તમેણે નાગપુરના ડૉલી ચાયવાલાની ચા પીધી હતી. જેનો વીડિયો બિલ ગેટ્સે પોતે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર શૅર કર્યો છે. ગેટ્સે તેની સાથે એક વીડિયો પણ શૅર કર્યો હતો અને ભારતના ઈનોવેશન કલ્ચરની પ્રશંસા કરી હતી. તમને જણાવી દઈએ કે, ડૉલી ચાયવાલા સોશ્યલ મીડિયા પર બહુ જ ફૅમસ છે. તેની ચા ઘણા લોકોની ફૅવરેટ છે. ભારતની મુલાકાતે આવેલા અમેરિકન અબજોપતિ બિઝનેસમેનનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
સોશ્યલ મીડિયા પર શૅર કરેલા વીડિયોમાં બિલ ગેટ્સ ડૉલી ચાયવાલા પાસેથી ચાનો ઓર્ડર આપતા જોવા મળે છે. જ્યારે ડૉલી ચાયવાલા પોતાની ખાસ સ્ટાઈલમાં ચા બનાવવા લાગે છે. થોડી જ વારમાં ચા તૈયાર થઈ જાય છે અને બિલ ગેટ્સને તેની ગરમ ચા ગ્લાસમાં આપવામાં આવે છે.
View this post on Instagram
આ વીડિયો પોસ્ટ કરતી વખતે બિલ ગેટ્સે ભારતના વખાણ પણ કર્યા હતા. તેમણે વીડિયોના કૅપ્શનમાં લખ્યું છે કે, ભારતમાં દરેક જગ્યાએ ઈનોવેશન જોવા મળે છે. તમે જ્યાં જાઓ ત્યાં નવીનતા છે. સાદી ચા પણ અહીં ઉત્તમ છે. બિલ ગેટ્સે વધુમાં કહ્યું કે, તેઓ ફરીથી ભારત આવવા માટે ઉત્સાહિત છે. ભારત વિવિધ નવીનતાઓનું ઘર છે, જ્યાં જીવન જીવવાની નવી રીતો છે.
તમને જણાવી દઈએ કે, નાગપુર શહેરના સદર વિસ્તારમાં જૂના વીસીએ સ્ટેડિયમ પાસે ડૉલી ચાયવાલાની રોડ કિનારે આવેલી ચાની દુકાન છે. સોશ્યલ મીડિયા પર લોકપ્રિય ચા વેચનારનું અસલી નામ કોઈ નથી જાણતું, પરંતુ તે ડૉલી ચાયવાલા તરીકે જ પ્રખ્યાત છે.
નોંધનીય છે કે, વહેલી સવારે માઇક્રોસૉફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે ભુવનેશ્વર (Bhubaneswar)ની એક ઝૂંપડપટ્ટીની મુલાકાત લીધી અને ત્યાં રહેતા લોકો સાથે વાત કરી હતી. આ સાથે તેમણે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે મા મંગળા બસ્તીમાં બિજુ આદર્શ કોલોનીની પણ મુલાકાત લીધી હતી. બિલ ગેટ્સે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની સુખાકારી વિશે પૂછપરછ કરી અને ત્યાં કામ કરતા મહિલા સ્વ-સહાય જૂથો (SHGs)ના સભ્યો સાથે પણ વાતચીત કરી હતી. તે જ સમયે ગેટ્સે હૈદરાબાદ (Hyderabad)માં કંપનીના ઈન્ડિયા ડેવલપમેન્ટ સેન્ટર (IDC)ની પણ મુલાકાત લીધી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંબંધિત તકો અંગે ચર્ચા કરી. માઇક્રોસૉફ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગેટ્સે મંગળવારે IDCની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે ભારતના કેટલાક પ્રતિભાશાળી એન્જિનિયરોને સંબોધિત કર્યા હતા. માઈક્રોસોફ્ટ IDCના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, ગેટ્સ એઆઈને કારણે ભારતમાં ઊભી થતી તકો વિશે આશાવાદી છે.