પુણેના પરિવારે નો એન્ટ્રીના બોર્ડને ધ્યાનમાં ન લીધું અને કરુણાંતિકા સર્જાઈ : બાકીના બે મૃતદેહ પણ મળ્યા
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
પુણેના હડપસરના સૈયદનગરમાં રહેતા ખાન અને અન્સારી પરિવારના ૧૭ સભ્યો રવિવારે લોનાવલાના ભુશી ડૅમના ઉપરવાસમાં આવેલા ધોધમાં મૉન્સૂન પિકનિક મનાવવા ગયા હતા. જોકે ભુશી ડૅમના એ ધોધ પાસે જવાના રસ્તા પર નો એન્ટ્રી છે અને ત્યાં જવાની મનાઈ છે છતાં એ ચેતવણીની અવગણના કરીને તેઓ ગયા અને આખરે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. એમાંથી ૧૦ જણ પાણીમાં ઊતર્યા હતા અને પાણીનો ફોર્સ અચાનક વધી જતાં એમાંના પાંચ સભ્યો ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા. જોકે પાંચ સભ્યો એ પહેલાં જ બહાર આવી ગયા હતા. ત્રણ જણના મૃતદેહ રવિવારે મળ્યા હતા, જ્યારે બે મૃતદેહ ગઈ કાલે મળ્યા હતા અને એ પછી રેસ્ક્યુ ઑપરેશન આટોપી લેવાયું હતું.
એક ઑફિસરે કહ્યું હતું કે ‘ખાન અને અન્સારી કુટુંબમાં ૨૭ જૂને લગ્ન હતાં અને એ પછી ૨૯ તારીખે રિસેપ્શન રાખ્યું હતું. ત્યાર બાદ થાક ઉતારવા પરિવાર લોનાવલા આવ્યો હતો. એ પછી તેઓ ટેમ્પો ટ્રાવેલરમાં પિકનિક મનાવવા ભુશી ડૅમના ઉપરવાસમાં ગયા હતા અને ધોધ પાસે પાણીમાં ઊતર્યા હતા. પાણીનો ફોર્સ અચાનક વધી જતાં તેઓ અધવચ્ચે એક પથ્થર પર અટકી ગયા હતા. તેમને બચાવવાની કોશિશ નિષ્ફળ ગઈ હતી. સ્થાનિક પોલીસ, નેવીના ડાઇવર્સ અને શિવદુર્ગ રેસ્ક્યુ ગ્રુપના સભ્યોએ મળીને તેમને શોધવાના પ્રયાસ કર્યા હતા.
ADVERTISEMENT
શિવદુર્ગ રેસ્ક્યુ ફોર્સના સુનીલ ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉપરવાસના એ વિસ્તારમાં થોડી વાર પણ વરસાદ પડે તો પાણીનો ફ્લો વધી જાય છે એ બાબતની જાણ એ પરિવારને નહોતી એટલે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ધોધનું પાણી આગળ જઈને ભુશી ડૅમના બૅકવૉટરને ભળે છે. અમને જ્યારે આ દુર્ઘટનાની જાણ થઈ ત્યારે અમારી એક ટીમ ભુશી ડૅમના બૅકવૉટર પાસે પહોંચી ગઈ હતી. ત્યાંથી અમને રવિવારે એક મહિલા અને બે બાળકોના મૃતદેહ મળ્યા હતા. ગઈ કાલે સવારે ૮ વાગ્યાથી ત્યાં સર્ચ કરતાં અમને વધુ એક બાળકનો મૃતદેહ મળ્યો હતો. સાંજે ૫.૧૫ વાગ્યે છેલ્લા બાળકનો પણ મૃતદેહ એ બૅકવૉટરમાંથી મળી આવ્યો હતો. અમે એ પોલીસને સોંપ્યો એ પછી રેસ્ક્યુ ઑપરેશન આટોપી લીધું હતું. ભુશી ડૅમના ઉપરવાસના વિસ્તારમાં ન જવા માટે ઠેર-ઠેર બોર્ડ લગાડેલાં છે છતાં લોકો એની અવગણના કરે છે અને આ રીતે જીવનું જોખમ વહોરી લે છે.’
આ દુર્ઘટનામાં ૩૬ વર્ષના સાહિસ્તા લિયાકત અલી અન્સારી, ૧૩ વર્ષની અમિષા આદિલ અન્સારી, ૭ વર્ષની ઉમેરા આદિલ અન્સારી, ૪ વર્ષનો અદનાન સબાહત અન્સારી અને પાંચ વર્ષની મારિયા અકિલ સૈયદનાં ડૂબી જતાં મૃત્યુ થયાં હતાં.
ફરવા આવેલા ડૉક્ટરોએ એક બાળકીને બચાવી લીધી
ભુશી ડૅમની આ ઘટનામાં પરિવારની એક બાળકી તણાઈને કિનારા પાસે આવતાં તેને બહાર કાઢી લેવામાં આવી હતી. જોકે પાણીમાં ડૂબવાથી તે બેભાન હતી. એ વખતે ત્યાં ફરવા આવેલા બે ડૉક્ટર સચિન વિટનોર અને શ્રીકાંત ગાંધારીએ તેનાં ફેફસાંમાંથી પાણી કાઢી તેને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન (CPR) આપીને બચાવી લીધી હતી. ડૉક્ટર સચિન વિટનોરે કહ્યું હતું કે ‘અમે જોયું કે ત્યાં ઘણા લોકો ભેગા થઈ ગયા હતા. એ વખતે કોઈકે એ બાળકીને બચાવીને પાણીની બહાર કાઢી હતી. અમે તરત જ તેને તપાસી હતી. તેની નાડી નહોતી ચાલતી, હૃદય પણ બંધ પડી ગયું હતું. અમે તરત જ તેને CPR આપ્યું અને માઉથ-ટુ-માઉથ શ્વાસોશ્વાસ આપ્યો હતો. ચાર-પાંચ વખત એવું કર્યા બાદ બાળકીના મોઢામાંથી પાણી બહાર આવી ગયું હતું અને તેણે જાતે શ્વાસ લેવાનું શરૂ કર્યું અને તે બચી ગઈ હતી.’
ભૂતપૂર્વ બૉક્સિંગ ચૅમ્પિયન તામ્હિણી ઘાટમાં ડૂબી ગયા
ભૂતપૂર્વ બૉક્સિંગ ચૅમ્પિયન અને ૧૮ વર્ષ સુધી આર્મીમાં રહ્યા બાદ નિવૃત્ત થનાર સ્વપ્નિલ ધાવડેનું તામ્હિણી ઘાટમાં ડૂબી જવાથી રવિવારે મૃત્યુ થયું હતું. સ્વપ્નિલ હાલ પુણેના ભોસરીમાં એક જિમ્નૅશ્યમમાં ટ્રેઇનરની જૉબ કરતા હતા. તામ્હિણી ઘાટ પર પ્લસ વૅલીમાં તેઓ તેમના ૩૨ સ્ટુડન્ટ્સ સાથે ગયા હતા. પ્લસ વૅલીમાં એકની નીચે એક એમ ત્રણ કુંડ છે. એક ધોધમાંનું પાણી પહેલા કુંડમાં, ત્યાર બાદ બીજા અને ત્રીજા કુંડમાં પડે છે. સ્વપ્નિલે એ કુંડમાં કઈ રીતે ઊતરીને તરી શકાય એનું ડેમોન્સ્ટ્રેશન આપવા ધોધમાંથી પહેલા કુંડમાં કૂદકો માર્યો હતો. જોકે એ વખતે પાણીની ઘૂમરી વધુ હતી એટલે કુંડની ફરતે રહેલા પથ્થરને પકડીને બચી ન શક્યા અને તેઓ સીધા બીજા કુંડમાં પટકાયા જેમાં તેમનું મૃત્યુ થયું હતું.
ભુશી ડૅમમાં પાંચ ડૂબ્યા બાદ મુખ્ય પ્રધાને આપ્યા આદેશ : પર્યટન સ્થળે લાઇફગાર્ડ તહેનાત કરો, કાર્ડિઍક ઍમ્બ્યુલન્સ અને એસડીઆરએફની ટુકડી રાખો
લોનાવલાના ભુશી ડૅમમાં રવિવારે પુણેના પાંચ લોકો ડૂબી જવાની આઘાતજનક ઘટના બની હતી. ચોમાસામાં મોટી સંખ્યામાં પર્યટકો લોનાવલા સહિતનાં સ્થળોએ એન્જૉય કરવા જાય છે. તેઓ મુશ્કેલીમાં મુકાય તો તાત્કાલિક મદદ મળી શકે એ માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યનાં તમામ પર્યટન સ્થળોએ લાઇફગાર્ડ અને કાર્ડિઍક ઍમ્બ્યુલન્સ ઉપરાંત સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ની ટીમ તહેનાત કરવા માટેની સૂચના રાજ્યનાં મુખ્ય સચિવ સુજાતા સૌનિકને આપી હોવાનું જાણવા મળ્યું હતું. મુખ્ય પ્રધાનના આદેશ બાદ મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં કલેક્ટરના માર્ગદર્શનમાં જોખમી પર્યટન સ્થળની ચકાસણી કરવામાં આવશે.
આ સિવાય મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર કમ ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીને પણ મુંબઈમાં ચોમાસામાં બીચ પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા છે એટલે પ્રશાસન અલર્ટ મોડમાં આવી ગયું હોવાનું જાણવા મળ્યું હતું.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પર્યટકોને આહ્વાન કર્યું છે કે પર્યટનનો આનંદ લો, પણ જીવના જોખમે નહીં. જોખમ હોય એવી જગ્યાએ જવાનું ટાળો.