બોરીવલીમાં પૂજાનાં કપડાંમાં ઘર-દેરાસરમાંથી ચોરી કરનારા ભુલેશ્વરના નરેશ જૈનની પોલીસે કરી ધરપકડ : તેની સામે આઠથી વધારે પોલીસ-સ્ટેશનમાં આ રીતે જ ચોરી કરવાના કેસ છે
નરેશ જૈન
બોરીવલી પોલીસે મુંબઈનાં દેરાસરોમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવા બદલ ભુલેશ્વરના ૪૪ વર્ષના નરેશ જૈન નામના રહેવાસીની ધરપકડ કરી છે. બોરીવલીના એક ઘર-દેરાસરમાં પ્રવેશીને આરોપીએ આશરે દોઢ તોલાની સોનાની ચેઇન ચોરી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ એક પ્રકારે હૅબિચ્યુઅલ ગુનેગાર છે અને તેણે મુંબઈનાં અમુક દેરાસરોને આ પહેલાં નિશાન બનાવ્યાં હતાં. તેની સામે ભાયખલા, આગ્રીપાડા, કાલાચૌકી, એલ. ટી. માર્ગ, આઝાદ મેદાન, અંધેરી, વડાલા અને ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં કેસ છે.
બોરીવલી-વેસ્ટની જાંબલી ગલીમાં ભક્તિ અપાર્ટમેન્ટમાં રહેતા અને બીકેસીનાં ડાયમન્ડ માર્કેટમાં નોકરી કરતા ૪૩ વર્ષના ગૌરવ શાહના ઘર-દેરાસરમાં પૂજાનાં કપડાંમાં પ્રવેશીને અજાણ્યા ચોરે વાસુપૂજ્ય ભગવાનને પહેરાવેલી ૧૨ ગ્રામ વજનની સોનાની ચેઇન ચોરી હતી. ત્યાર બાદ પ્રાથમિક માહિતીના આધારે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. દરમ્યાન પોલીસે સોસાયટીના ગેટ અને બહાર રોડ વિસ્તારના સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા જેમાં મળેલા ફોટોની વધુ માહિતી કાઢતાં તે રેકૉર્ડ પરનો આરોપી નરેશ જૈન હોવાની જાણ થઈ હતી. અંતે તેની માહિતી કાઢીને ધરપકડ કરવામાં આવી હતી. નરેશે આ પહેલાં ભાયખલા, આગ્રીપાડા, કાલાચૌકી, એલ. ટી. માર્ગ, આઝાદ મેદાન, અંધેરી, વડાલા અને ઘાટકોપર સાથે વસઈ-વિરાર વિસ્તારનાં કેટલાંક દેરાસરોમાં ચોરી કરી હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે.
ADVERTISEMENT
બોરીવલી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્દ્રજિત પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી રેકૉર્ડ પરનો હોવાની પ્રાથમિક માહિતી સીસીટીવી ફુટેજ પરથી મળી હતી. એના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી રિકવરી લેવાની પ્રોસેસ હાથ ધરવામાં આવી છે.’