ભાઈંદરમાં છ વર્ષના વિદ્યાર્થીને આ શબ્દોના સ્પેલિંગ નહોતા આવડતા એટલે પ્રાઇવેટ ટ્યુશન લઈ રહેલા ટીચરે ઢોરમાર માર્યો
ભાઈંદરમાં બાળકને રૉડથી માર મારવામાં આવ્યો હોવાથી ગંભીર ઈજા થઈ હતી
કાંદિવલીની એક પ્લેસ્કૂલમાં નાનાં બાળકોની મારઝૂડ અને ગેરવર્તન કરવા બદલ બે ટીચરોએ જેલમાં જવું પડ્યું હોવાનો કિસ્સો તાજેતરમાં બન્યો છે ત્યારે નાની બાબતમાં ભાઈંદરમાં છ વર્ષના એક વિદ્યાર્થીને ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં આ છોકરાને ફક્ત સ્પેલિંગ આવડતા ન હોવાને કારણે પ્રાઇવેટ ટ્યુશન લઈ રહેલા ટીચરે નિર્દયતાથી માર માર્યો હતો. તેને સરકારી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બાબતની ફરિયાદના આધારે ભાઈંદર પોલીસે આ શિક્ષક વિરુદ્ધ કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. ભાઈંદરમાં આવેલા દેવલનગર વિસ્તારમાં આ છોકરો રહે છે. તેનું અંગ્રેજી થોડું કાચું હોવાથી તેનાં માતા-પિતાએ તેને દેવલનગર વિસ્તારમાં આવેલાં પ્રતિમા પ્રજાપતિ પાસે અંગ્રેજી શીખવવા માટે મોકલ્યો હતો. ૧૧ મેએ સવારે નવ વાગ્યે તે રાબેતા મુજબ ટ્યુશન-ક્લાસમાં ગયો હતો, પરંતુ સાડાદસ વાગ્યે તે રડતો-રડતો ઘરે આવ્યો હતો.
ટીચરે બાળકને કહ્યું હતું કે સન્ડે અને મન્ડેના સ્પેલિંગ બોલ. જોકે બાળકને એ આવડતા ન હોવાથી તેના હાથમાં, કમરના ભાગમાં અને માથા પર લાકડી વડે ઢોરમાર મારવામાં આવ્યો હતો. તેને માથામાં માર્યું હોવાથી જખમ આવ્યા હતા. એથી બાળકની ભાઈંદરની ભીમસેન જોશી હૉસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. પોતાના બાળકના શરીર પર જખમ જોઈને માતા-પિતા ચિંતામાં આવી ગયાં હતાં. તેમણે આ વાત સામાજિક કાર્યકર અનીતા દીક્ષિતને જણાવી હતી. એથી તેમણે આ મામલે ભાઈંદર પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ શિક્ષક પ્રતિમા પ્રજાપતિ વિરુદ્ધ મારપીટ કરવા બદલ કલમ ૩૨૩, ૩૨૪ અને જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ભાઈંદર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર મુગુટરાવ પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ વિશે કેસ નોંધવામાં આવ્યો છે. જોકે આ કેસમાં સાત વર્ષથી ઓછી સજા હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.’
શિક્ષકો દ્વારા બાળકોની મારઝૂડના બનાવો
- ૭ માર્ચ ૨૦૨૩ : ભિવંડીમાં દીપા અગ્રવાલ નામની શિિક્ષકાએ બે બાળકોને માર માર્યો હતો. બાળકો ભણાવતી વખતે પુછાયેલા પ્રશ્નોના જવાબ આપી શક્યાં ન હોવાથી ટીચરે કથિત રીતે તેમને માર માર્યો હોવાનો આરોપ કરાયો હતો. આ મામલામાં નિઝામપુર પોલીસે શિક્ષિકા દીપા અગ્રવાલ સામે સગીર સુરક્ષા અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો હતો.
- ૭ એપ્રિલ ૨૦૨૩ : ભાઈંદરમાં પ્રાઇવેટ ટીચર દ્વારા ૧૨ વર્ષના છોકરાને માર મારવામાં આવ્યો હતો. બાળકના કાનમાં ઇજા થઈ હતી અને શિક્ષક વિરુદ્ધ ભાઈંદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
- ૨૭ એપ્રિલ ૨૦૨૩ : કાંદિવલીમાં એક પ્રાઇવેટ સ્કૂલમાં બે શિક્ષકો બાળકોને નિર્દયતાથી મારતાં હતાં. આ ઘટનાથી મુંબઈ હચમચી ગયું હતું. આ કેસમાં પોલીસે જિનલ છેડા અને ભક્તિ શાહની ધરપકડ કરી હતી.
- ૧૭ માર્ચ ૨૦૨૩ : થાણે જિલ્લાના શાહપુર તાલુકાના વાશિંદમાં શિક્ષકે આઠમા ધોરણના વિદ્યાર્થીને માર માર્યો હતો. આ મારઝૂડમાં બાળકના કાનમાં જખમ થયો હતો. આ મામલે વાશિંદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો
- ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ : કલ્યાણમાં પાંચ વર્ષના બાળકને શિક્ષકે માર્યો હોવાથી કેસ દાખલ થયો હતો.