શિવસેનાની નેતા અને અભિનેત્રીના પર્સનલ સેક્રેટરીએ તેના નીતિન ગડકરી અને રામદાસ આઠવલે સાથેના સારા સંબંધને લીધે કાર્યવાહી ન થતી હોવાનો આરોપ કર્યો
ફાઇલ તસવીર
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનાં સમર્થક મહિલા નેતા અને અભિનેત્રી દીપાલી સૈયદે ભારતના મોસ્ટ વૉન્ટેડ ડૉન દાઉદ ઇબ્રાહિમની પત્નીની મદદથી પાકિસ્તાનનું નાગરિકત્વ સ્વીકારવાની સાથે ત્યાંની બૅન્કમાં અકાઉન્ટ પણ ખોલાવ્યું હોવાનો ગંભીર આરોપ આ અભિનેત્રીના ભૂતપૂર્વ પર્સનલ સેક્રેટરીએ કર્યો છે.
મહિલા નેતા અને અભિનેત્રી દીપાલી સૈયદના ભૂતપૂર્વ સેક્રેટરી ભાઉસાહેબ શિંદેએ ગઈ કાલે પત્રકારો સાથે વાતચીત કરી હતી એમાં અભિનેત્રી પર ગંભીર આરોપ મૂક્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘દીપાલી સૈયદના સંબંધ પાકિસ્તાન સાથે છે. એટલું જ નહીં, તેણે પાકિસ્તાનનું નાગરિકત્વ સ્વીકાર્યું છે અને ત્યાંની બૅન્કમાં અકાઉન્ટ ખોલાવ્યું છે. આની માહિતી બીજેપીના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને રામદાસ આઠવલેને હોવાથી તેની સામે કાર્યવાહી નથી થઈ રહી.’
ADVERTISEMENT
ભાઉસાહેબ શિંદેએ આગળ કહ્યું હતું કે ‘અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની પત્ની મેહજબીન કાસકરની મદદથી દીપાલી સૈયદે પાકિસ્તાનનું નાગરિકત્વ મેળવ્યું છે. સોફિયા સૈયદના નામે દીપાલીએ પાકિસ્તાનમાં નાગરિકત્વ મેળવ્યું છે. આ સંબંધે તમામ પુરાવા રાજ્ય સરકારને આપવામાં આવ્યા છે, પણ દીપાલીના નીતિન ગડકરી અને રામદાસ આઠવલે સાથે આર્થિક સંબંધ છે એટલે સરકાર તેને છાવરી રહી છે. ભારતના દુશ્મનની મદદથી દીપાલીએ આપણા દુશ્મન દેશનું નાગરિકત્વ મેળવ્યું છે. આથી મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન તેની સામે કાર્યવાહી નહીં કરે તો બીજેપીની ઑફિસોની તોડફોડ કરવામાં આવશે અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને રાજ્યમાં ફરવા નહીં દેવાય.’
ભાઉસાહેબ શિંદેના ગંભીર આરોપથી ખળભળાટ મચી ગયો છે.
રિક્ષા-ડ્રાઇવરને શરદ પવાર મુખ્ય પ્રધાન બનાવવા નહોતા માગતા
બીજેપી સાથેની યુતિ તોડ્યા બાદ મહા વિકાસ આઘાડી બનાવવામાં આવી ત્યારે એનસીપીના ચીફ શરદ પવારે એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવા સામે વાંધો લીધો હોવાનો દાવો ઉદ્ધવ ઠાકરે જૂથના સંસદસભ્ય અરવિંદ સાવંતે ગઈ કાલે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘મહા વિકાસ આઘાડીમાં સામેલ પક્ષોમાં અનેક મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનો છે ત્યારે રિક્ષાવાળા એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાની શરદ પવારે ના પાડી દીધી હતી. એનસીપી અને કૉન્ગ્રેસના નેતાઓ અને ખુદ ઉદ્ધવ ઠાકરે એક રિક્ષાવાળાના હાથ નીચે કેવી રીતે કામ કરી શકે? શરદ પવારના આવા વાંધા બાદ ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા.’
જોકે પછીથી અરવિંદ સાવંતે સ્પષ્ટતા કરી હતી કે રિક્ષાવાળાનું વિશેષણ શરદ પવારે નહોતું વાપર્યું અને આ તેમના શબ્દો હતા.
પીએમની ડિગ્રી કરતાં બીજા મુદ્દાઓ પર ધ્યાન આપો : અજિત પવાર
એનસીપીના ચીફ શરદ પવારે અદાણી બાબતે જૉઇન્ટ પાર્લમેન્ટરી કમિટીની જરૂરિયાત બાબતે આડકતરી રીતે બે દિવસ પહેલાં કહ્યું હતું અને શનિવારે છત્રપતિ સંભાજીનગરની સભામાં ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીનો મુદ્દો ઉછાળ્યો હતો ત્યારે અજિત પવારે ગઈ કાલે અત્યારે ડિગ્રીના મુદ્દે બહુ ધ્યાન આપવાની જરૂર નથી એમ કહ્યું હતું. રાજ્યના વિરોધ પક્ષના નેતા અજિત પવારે કહ્યું હતું કે ‘અત્યારે મોંઘવારી, બેરોજગારી અને કથળી રહેલી કાયદો અને વ્યવસ્થા જેવા સળગતા મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે. નરેન્દ્ર મોદી ૯ વર્ષથી વડા પ્રધાનપદે છે એટલે તેમની ડિગ્રીનો મુદ્દો ઉછાળવાનો કોઈ અર્થ નથી. કૉલેજની ડિગ્રીથી તેઓ વડા પ્રધાન બન્યા છે? સામાન્ય જનતાની રોજબરોજની સમસ્યા પર ધ્યાન આપવું જોઈએ.’
સુરત જઈ રહેલા કૉન્ગ્રેસના કાર્યકરોને રોકવામાં આવ્યા?
રાહુલ ગાંધી ગઈ કાલે સુરતમાં તેમણે મોદી અટકવાળા ચોર હોવાના કરેલા નિવેદન માટે બદનક્ષી બદલ થયેલી બે વર્ષની સજાને પડકારવા માટે પહોંચ્યા હતા. આ સમયે મુંબઈથી પણ કેટલાક કૉન્ગ્રેસના કાર્યકરો સુરત જવા રવાના થયા હતા. તેમને ગુજરાતની પોલીસે રોક્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મુંબઈ કૉન્ગ્રેસના પ્રમુખ ભાઈ જગતાપ, બાળાસાહેબ થોરાત અને યશોમતી ઠાકુરે દાવો કર્યો હતો કે દેશભરમાંથી કૉન્ગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીને સપોર્ટ કરવા માટે સુરત તરફ રવાના થયા હતા ત્યારે તેમને રોકવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી લોકશાહી અને દેશ બચાવવા માટે લડી રહ્યા છે ત્યારે બીજેપીની સરકાર કૉન્ગ્રેસને રોકવાનો પ્રયાસ કરી રહી છે.