ગઈ કાલે એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં કાપડના વેપારીઓને હેરાન કરીને ખંડણી માગતા મહારાષ્ટ્ર માથાડી કર્મચારી કામગાર યુનિયન (રજિ.) - થાણેના સેક્રેટરી સુભાષ યાદવ સામે એફઆઇઆર નોંધાતાં ભારત મર્ચન્ટ્સ ચેમ્બરે દેવેન્દ્ર ફડણવીસ અને ‘મિડ-ડે’નો માન્યો આભાર
ફાઇલ તસવીર
મુંબઈ : કાલબાદેવીના કાપડના વેપારીઓના સંગઠન ભારત મર્ચન્ટ્સ ચેમ્બરે છેલ્લા ઘણા સમયથી તેમના વિસ્તારમાં માથાડી કામગાર યુનિયનના નામે અમુક યુનિયનના વર્કરો વેપારીઓ પાસેથી ખંડણીની માગણી કરી રહ્યા છે એવી ફરિયાદ ‘મિડ-ડે’ના માધ્યમથી મહારાટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને હોમ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે મેસેજ મોકલીને કર્યાના ૨૪ કલાકમાં જ એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશન ઍક્શનમાં આવી ગયું હતું. પોલીસ સ્ટેશનના અધિકારીએ ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના પદાધિકારીને કહ્યું હતું કે ‘આપને કહાં ફરિયાદ કર દિયા. આપ આજ આકે એફઆઇઆર કર દે.’ ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના ટ્રસ્ટી રાજીવ સિંઘલે પોલીસે શરૂ કરેલી કાર્યવાહી માટે હોમ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ અને ‘મિડ-ડે’નો આભાર માનતાં કહ્યું હતું કે યે સબ આપકે સપોર્ટ સે હુઆ હૈ.
ફડણવીસને પહેલાં ટ્વીટથી ફરિયાદ
ADVERTISEMENT
ભારત મર્ચન્ટ્સ ચેમ્બર તરફથી મહારાષ્ટ્ર માથાડી કર્મચારી કામગાર યુનિયન (રજિ.) - થાણેના સેક્રેટરી સુભાષ યાદવ અને તેના સાગરીતો સામે એક મહિના પહેલાં લેખિતમાં એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશન અને ભુલેશ્વરમાં આવેલા માથાડી બોર્ડનાં ચૅરમૅન સુનીતા મ્હેસકરને ફરિયાદ કરવામાં આવી હતી. જોકે ૧૫ જાન્યુઆરી સુધી પોલીસ તરફથી સુભાષ યાદવ અને તેના સાગરીતો સામે પોલીસ તરફથી કોઈ જ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. આથી ૧૬ જાન્યુઆરીએ ભારત મર્ચન્ટ્સ ચેમ્બર તરફથી મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસને ટ્વીટ કરીને આ સંદર્ભની ફરિયાદ કરીને તેમની સહાયની માગણી કરવામાં આવી હતી.
શુક્રવારે ‘મિડ-ડે’ને ફરિયાદ
હોમ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે પુણેમાં એક ફંક્શન દરમિયાન મહારાષ્ટ્ર પોલીસને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે આવા ખંડણીખોરો પર કડક કાર્યવાહી કરવામાં આવે અને જો પોલીસ એમાં નિષ્ફળ જશે તો તેઓ તેમની વિરુદ્ધ થનારી કાર્યવાહી માટે તૈયાર રહે. આ આદેશ પછી અમે ૧૬ જાન્યુઆરીએ દેવેન્દ્ર ફડણવીસને અમારી પોલીસ-ફરિયાદ અને ‘મિડ-ડે’ના અહેવાલની કૉપી ટ્વિટર દ્વારા મોકલીને તેમની સહાયની માગણી કરી હતી. આ વિશેની માહિતી આપતાં રાજીવ સિંઘલે કહ્યું હતું કે ‘અમે ટ્વીટમાં દેવેન્દ્ર ફડણવીસને કહ્યું હતું કે મુંબઈના ‘સી’ વૉર્ડના ટેક્સટાઇલના વેપારીઓ પાસેથી આ પ્રકારે ખંડણી માગવી એ સામાન્ય ઘટના બની ગઈ છે. માથાડી નેતાઓ અને અમુક રાજકીય પક્ષો સાથે સંલગ્ન આરટીઆઇ ઍક્ટિવિસ્ટો ‘સી’ વૉર્ડમાં વેપારીઓને ધમકી આપીને ખંડણી માગવાનું કાર્ય કરી રહ્યા છે. આ બાબતમાં પોલીસમાં ફરિયાદ કર્યા પછી પણ પોલીસ તરફથી આવા લેભાગુઓ સામે કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.’
રાજીવ સિંઘલે કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસને ફરિયાદ કર્યાના એક અઠવાડિયા પછી પણ અમને ન તો તેમના તરફથી કોઈ રિસ્પૉન્સ મળ્યો કે નથી પોલીસ તરફથી કોઈ કાર્યવાહી આગળ વધારવામાં આવી. એનાથી અમારા વેપારીવર્ગમાં નારાજગી પ્રવર્તી છે.’
ફરિયાદ સામે હોમ મિનિસ્ટરને કર્યો સવાલ
રાજીવ સિંઘલની ફરિયાદ પછી ‘મિડ-ડે’એ વૉટ્સઍપ અને મેસેજથી હોમ મિનિસ્ટરને સવાલ પૂછ્યો હતો કે ‘તમે આ બાબતમાં શું કહો છો?’ એની સામે થોડા જ સમયમાં દેવેન્દ્ર
ફડણવીસે જવાબ આપ્યો હતો કે તેમને ભારત મર્ચન્ટ્સ ચેમ્બરની કોઈ માહિતી મળી નથી.
માહિતી મોકલી અને પોલીસની ઍક્શન શરૂ
દેવેન્દ્ર ફડણવીસના આ જવાબ પછી ‘મિડ-ડે’એ તરત જ ભારત મર્ચન્ટ્સ ચેમ્બરની ટ્વીટ અને ‘મિડ-ડે’ના અહેવાલની કૉપી દેવેન્દ્ર ફડણવીસને વૉટ્સઍપથી મોકલી આપી હતી.
અમને જ્યારે ‘મિડ-ડે’ તરફથી જાણકારી મળી કે હોમ મિનિસ્ટરને અમારી ફરિયાદ મળી નથી એટલે તરત જ અમે પણ દેવેન્દ્ર ફડણવીસને આઇ-ફોનથી મેસેજ દ્વારા અમારી પોલીસ ફરિયાદ અને ‘મિડ-ડે’માં અમને થતી માથાડીઓની કનડગતના પ્રસિદ્ધ થયેલા અહેવાલની કૉપી મોકલી આપી હતી. એની સાથે અમે જણાવ્યું હતું કે ‘મુંબઈના ‘સી’ વૉર્ડના ટેક્સટાઇલના વેપારીઓ પાસેથી આ પ્રકારે ખંડણી માગવી એ સામાન્ય ઘટના બની ગઈ છે તથા માથાડીના નેતાઓ અને અમુક રાજકીય પક્ષો સાથે સંલગ્ન આરટીઆઇ ઍક્ટિવિસ્ટો ‘સી’ વૉર્ડમાં વેપારીઓને ધમકી આપીને ખંડણી માગવાનું કાર્ય કરી રહ્યા છે. આ બાબતમાં પોલીસમાં ફરિયાદ કર્યા પછી પણ પોલીસ તરફથી આ લેભાગુઓ સામે કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.’ એની સામે દેવેન્દ્રજીએ જવાબમાં ઓકે લખીને મોકલ્યું હતું.
એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
હોમ મિનિસ્ટરે અમને ઓકે મોકલ્યાના થોડા જ સમયમાં મને એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો એમ જણાવીને રાજીવ સિંઘલે કહ્યું હતું કે ‘એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીએ ફોન પર કહ્યું હતું કે આપને કિધર તક ફરિયાદ કર દિયા, હમ આપકે સાથ હૈંના, આપ આજ હી આકે માથાડીને સામને એફઆઇઆર કર કે જાઈએ. ગઈ કાલે સાંજના ભારત મર્ચન્ટ્સ ચેમ્બરની ફરિયાદના એક મહિના પછી અમારા કાપડના વેપારીઓની ઘણા મહિનાઓથી હેરાનગતિ કરીને ધાકધમકીથી ખંડણી વસૂલ કરી રહેલા મહારાષ્ટ્ર માથાડી કર્મચારી કામગાર યુનિયન (રજિ.) - થાણેના સેક્રેટરી સુભાષ યાદવ અને તેના સાગરીતો સામે એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશને એફઆઇઆર નોંધ્યો હતો. અમે પોલીસની આ કાર્યવાહી માટે હોમ મિનિસ્ટર દેવેન્દ્રજી અને ‘મિડ-ડે’નો આભાર માનીએ છીએ.’
ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના ટ્રસ્ટીએ ગઈ કાલે હોમ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસને કાલબાદેવીના ટેક્સટાઇલના વેપારીઓએ માથાડી યુનિયન લીડરો સામે કરેલી ફરિયાદના મેસેજનો સ્ક્રીન-શૉટ.
ફરિયાદમાં શું છે?
ગઈ કાલે એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ભારત મર્ચન્ટ્સ ચેમ્બર વતી ચેમ્બરના એક સભ્ય અને કફ પરેડમાં ઑફિસ ધરાવતા કાપડના વેપારી બાવન વર્ષના દીપક શાહે પોલીસમાં સુભાષ યાદવ સામે ફરિયાદ કરી હતી. એમાં તેમણે પોલીસને કહ્યું હતું કે ‘સુભાષ યાદવે ૨૨ જૂને મારી ઑફિસમાં આવીને મારાં અકાઉન્ટ્ન્સ જોવાની માગણી કરી હતી અને કહ્યું હતું કે તમારી ઑફિસ તમે મંડળમાં રજિસ્ટર્ડ કરાવી નથી. ત્યાર પછી તે ફરીથી ૭ જુલાઈએ મારી ઑફિસમાં આવ્યો હતો અને ધમકી આપી હતી કે જો તમે રજિસ્ટર્ડ નહીં કરો તો હું તમને જોઈ લઈશ. એમ કહીને તેણે મારી પાસે ૫,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. મને અમારા અસોસિએશનમાંથી કાપડના અન્ય વેપારી પાસેથી ખબર પડી હતી કે મારી જેમ સુભાષ યાદવે અનેક વેપારીઓને ધમકી આપી છે. આથી હું મારા અસોસિએશન અને મારા વતી સુભાષ યાદવ સામે ફરિયાદ કરી રહ્યો છું.’
લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશને આઇપીસી ધારા ૩૮૫ અને ૫૦૬ હેઠળ સુભાષ યાદવ સામે ગુનો નોંધ્યો હતો.