સરકાર પાસેથી લીઝ પર મળેલી જગ્યાએ બુર્સ બન્યું, પણ હવે એને જ ધંધો બનાવી દેવાયો છે એવા આક્ષેપ
BDBના કમ્પાઉન્ડમાં ભેગા થયેલા નાના વેપારીઓએ હાથમાં તેમની માગણીનાં સૂત્રો દેખાડીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું
મુંબઈના હીરાબજાર ગણાતા બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા ભારત ડાયમન્ડ બુર્સ (BDB)માં નાના વેપારીઓ જે નાની કૅબિન, ઑફિસ ભાડે રાખીને કામ કરે છે તેઓ BDB દ્વારા લેવાતા ઊંચા ભાડાના વિરોધમાં મંગળવારે મોટી સંખ્યામાં નીચે ઊતરી આવ્યા હતા અને વિરોધ-પ્રદર્શન કર્યા છતાં BDB આ સંદર્ભે કોઈ પગલાં લેવા માગતું ન હોવાનું બહાર આવતાં હવે નાના વેપારીઓ આ સંદર્ભે કાયદાકીય રીતે કઈ રીતે લડત ચલાવી શકાય એ માટેની શક્યતાઓ ચકાસી રહ્યા છે અને લીગલ એક્સપર્ટની મદદ લઈ આગળ વધવાનું વિચારી રહ્યા છે.
નાના વેપારીઓએ મંગળવારે કમ્પાઉન્ડમાં BDBની કમિટી સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો. તેમના પ્રતિનિધિ રાકેશ મહેતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘BDBની કમિટીને અમે ઑફિસનાં ભાડાં ઓછાં કરવા સહિતની અન્ય વાજબી માગણી મૂકી ઘટતું કરવા કહ્યું હતું, પણ BDBની કમિટી અમને ગણકારતી જ નથી. તેઓ પોતાનું આપખુદ વર્તન દાખવે છે અને ચોખ્ખું કહી દે છે કે ન ફાવતું હોય તો ઑફિસ છોડીને ચાલ્યા જાઓ. એટલે નાના વેપારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.’
ADVERTISEMENT
નાના વેપારીઓની રજૂઆત વિશે માહિતી આપતાં રાકેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘BDBના ૭ ટાવરમાં કુલ ૩૩૫ ઑફિસ છે. અમે જે નાના વેપારીઓ છીએ એ વર્ષોથી ભાડાની ઑફિસમાંથી અમારો વેપાર કરીએ છીએ. હાલ માર્કેટમાં ધંધો નથી એટલે BDB જે ભાડું લે છે એમાં ઘટાડો કરે એવી અમે માગણી કરી હતી. એ માટે અમે ૭ ટાવરના નાની ઑફિસના વેપારીઓના દરેક ટાવરમાંથી બે પ્રતિનિધિ મળી ૧૪ જણની ટીમ-કમિટી બનાવી અને એના મારફત અમે BDBની કમિટીને પત્ર લખીને રજૂઆત કરી હતી.’
રાકેશભાઈએ તેમની રજૂઆત શું છે એ વિશે ફોડ પાડતાં કહ્યું હતું કે ‘BKCમાં સ્ક્વેરફુટ દીઠ ૨૫૦ રૂપિયાના લેખે ભાડું લેવામાં આવે છે, પણ BDBમાં અમારી પાસેથી સ્ક્વેરફુટ દીઠ ૫૨૦થી લઈને ૭૫૦ રૂપિયા સુધીનું ભાડું વસૂલ કરવામાં આવે છે જે બહુ વધારે છે એટલું જ નહીં, ભાડૂતો પાસેથી પ્રૉપર્ટી-ટૅક્સ ન વસૂલી શકાય છતાં BDB અમારી પાસેથી પ્રૉપર્ટી-ટૅક્સ પણ લે છે. તેઓ ઑક્શન કરી ઑફિસનાં ભાડાં વધારે છે. ખરેખર તો વહેલો તે પહેલોના ધોરણે અથવા ડ્રૉ સિસ્ટમથી ઑફિસ ભાડે આપવી જોઈએ. અમને આ વધારાનું ભાડું હવે પરવડે એમ નથી. એટલે હવે જૂના કૉન્ટ્રૅક્ટ રદ કરીને સ્ક્વેરફુટ દીઠ ૨૦૦ રૂપિયાના નવા ભાડાના દરે કૉન્ટ્રૅક્ટ બનાવાય એવી અમે ૨૦ સપ્ટેમ્બરે પત્ર લખીને BDB કમિટીને રજૂઆત કરી હતી. જોકે તેમના તરફથી કોઈ જવાબ ન મળતાં અમે તેમને પહેલી ઑક્ટોબરે રિમાઇન્ડર લખ્યો હતો. હવે ૧૨ ઑક્ટોબરે તેમણે એનો જવાબ આપતાં અમને કહ્યું છે કે તમારી માગણી નામંજૂર થઈ છે. પત્રમાં તેમણે કહ્યું છે કે હાલ તમારું લીવ ઍન્ડ લાઇસન્સનું ઍગ્રીમેન્ટ ચાલુ છે એટલે એમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં, જોકે એમ છતાં જે ભાઈઓ જગ્યા પાછી આપવા માગતા હોય તેઓ ઍગ્રીમેન્ટના ત્રણ મહિના બાકી હોય એ પહેલાં લેખિતમાં આપી જગ્યા ખાલી કરી શકે છે, મેમ્બરોએ ઍગ્રીમેન્ટનું પાલન કરવાનું રહેશે.’
BDBની કમિટીના આવા વલણથી નાના વેપારીઓમાં નારાજગી ફેલાઈ ગઈ હતી અને તેઓ મંગળવારે મોટી સંખ્યામાં નીચે ઊતરી આવ્યા હતા અને જોરદાર નારાબાજી કરી વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તેમણે હાથમાં પ્લૅકાર્ડ રાખ્યાં હતાં જેમાં ‘અમારી માગણી પૂરી કરો’, ‘ઑક્શન સિસ્ટમ બંધ કરો’, ‘ઑફિસનાં ભાડાં ઓછાં કરો’ જેવાં સ્લોગન હતાં. આ વિરોધ-પ્રદર્શનનો વિડિયો પણ સોશ્યલ મીડિયા ફરતો થયો છે.
આ સંદર્ભે BDBના પ્રેસિડન્ટ અનુપ મહેતા અને કિરીટ ભણસાલીનો ‘મિડ-ડે’એ સંપર્ક કરવાની ઘણી કોશિશ કરી પણ તેઓ નહોતા મળ્યા.