થાણેમાં ફરી સંપૂર્ણ લૉકડાઉનની અફવાથી સાવધાન : પાલિકા
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને હૉટસ્પૉટ વિસ્તારમાં ૧૫ માર્ચથી લૉકડાઉન કરવાનો નિર્ણય સોમવારે લેવાયો હતો. અહીં ફરી સંપૂર્ણ લૉકડાઉન કરવા બાબતનો મેસેજ ગઈ કાલથી વાઇરલ થતાં પાલિકાએ લોકોને સાવધાન કરતાં કહ્યું છે કે જે ક્ષેત્રમાં કેસ વધારે આવી રહ્યા છે ત્યાં જ લૉકડાઉન કરાશે, જ્યારે બાકીના વિસ્તારોમાં અગાઉની જેમ જ કોવિડના નિયમો લાગુ રહેશે.
થાણે મહાનગરપાલિકા દ્વારા ગઈ કાલે જાહેર કરાયેલી માહિતી મુજબ જ્યાં કોરોનાના કેસ વધારે છે ત્યાં હૉટસ્પૉટ બનાવાઈ રહ્યા છે. અહીં જે સ્થળે વધુ કેસ સામે આવશે એ સ્થળ સહિત આસપાસનાં કેટલાંક ક્ષેત્રોમાં લૉકડાઉન કરાશે. આવી બિલ્ડિંગ, સોસાયટી અને ફ્લોરને ૩૧ માર્ચ સુધી સંપૂર્ણપણે બંધ કરાયાં છે. બાકીનાં સ્થળોએ બધું અગાઉની જેમ જ ચાલુ રહેશે.

