BEST વર્કર્સ યુનિયનની ડિમાન્ડે જોર પકડ્યું : ચીફ મિનિસ્ટરનું ધ્યાન ખેંચવા ૧૫ જાન્યુઆરીએ મંત્રાલય પર મોરચો
BEST બસની ફાઇલ તસવીર
કુર્લાની ગમખ્વાર દુર્ઘટના પછી BEST વર્કર્સ યુનિયને બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગે જલદીમાં જલદી પોતાની બસ ખરીદીને રોડ પર દોડાવવી જોઈએ એવી ભૂમિકા લઈને કૉન્ટ્રૅક્ટ પર ચાલતી બધી બસને તાત્કાલિક બંધ કરવી જોઈએ એવી પ્રશાસન પાસે માગણી કરી છે. જોકે હવે આ ડિમાન્ડ પ્રત્યે મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસનું ધ્યાન ખેંચવા BEST વર્કર્સ યુનિયન તરફથી ૧૫ જાન્યુઆરીએ મંત્રાલય પર મોરચો લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સંદર્ભમાં માહિતી આપતાં BEST વર્કર્સ યુનિયનના જનરલ સેક્રેટરી શશાંક રાવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે BESTની ફક્ત ૯૮૫ બસ જ રોડ પર દોડે છે. ૨૨૦૦ બસ કૉન્ટ્રૅક્ટ પર ચાલી રહી છે. ત્રણ મહિનામાં BESTની પોતાની ફક્ત ૫૦૦ બસ રોડ પર દોડતી હશે અને નવેમ્બર ૨૦૨૫ સુધીમાં ૨૫૧ બસ જ દોડશે. અમે BESTની સુરક્ષા માટે ૨૦૧૯માં જ મૅનેજમેન્ટ પાસે બધી જ બસ BESTની હોવી જોઈએ એવી માગણી કરી હતી. એ સમયે અમારી સાથે કરાર કર્યા મુજબ BEST મૅનેજમેન્ટે ૩૩૩૭ બસ પોતાની રાખવી જોઈએ એવું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે આજ સુધી એના પર અમલ કરવામાં આવ્યો નથી. કુર્લાની દુર્ઘટનાએ કૉન્ટ્રૅક્ટ પર દોડાવવામાં આવતી બસ કેટલી જોખમી છે એ પુરવાર કર્યું છે.’