જરૂર પડશે તો વધુ બસ દોડાવવામાં આવશે અને મુસાફરોની સુવિધા માટે વધારાનો સ્ટાફ તહેનાત કરવામાં આવશે
ફાઇલ તસવીર
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)એ નવા વર્ષની પૂર્વસંધ્યાએ મુંબઈકરોની સુવિધા માટે મુંબઈના વિવિધ બસરૂટ પર ૫૦ વિશેષ બસ ચલાવવાનો નિર્ણય લીધો છે. એમાં ઓપન ડબલ ડેકર બસ પણ દોડાવવામાં આવશે. આ બસસેવાઓ ગેટવે ઑફ ઇન્ડિયા, જુહુ ચોપાટી, ગોરાઈ બીચ અને મુંબઈના અન્ય બીચને આવરી લેશે. જો જરૂરી હશે તો વધુ બસ દોડાવવાની તૈયારી પણ બેસ્ટે રાખી છે. આ ઉપરાંત મુસાફરોની મદદ માટે સ્ટાફ પણ નિયુક્ત કરવામાં આવશે.
બેસ્ટના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ‘આ વર્ષે એક અઠવાડિયા પહેલાંથી જ પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને બેસ્ટે મુંબઈના વિવિધ ભાગોમાં ૩૧ ડિસેમ્બરે પાછલા વર્ષની સરખામણીમાં બમણી એટલે કે વધુ ૫૦ બસ દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત નવા વર્ષની પૂર્વસંધ્યાએ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂર પડશે તો વધુ બસ પણ ચલાવવામાં આવશે. મુસાફરોની મદદ માટે ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી ચોક, જુહુ ચોપાટી, ગોરાઈ બીચ, ચર્ચગેટ સ્ટેશન (પૂર્વ) અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) પર વધારાનો સ્ટાફ તહેનાત કરવામાં આવશે.’
ADVERTISEMENT
બેસ્ટ દ્વારા વધુમાં જણાવાયું હતું કે ‘બેસ્ટની ડબલ ડેકર બસ અને બેસ્ટની ઓપન ડબલ ડેકર બસ જે છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે એ મુસાફરોની માગ મુજબ ૩૧ ડિસેમ્બરની રાત્રિથી પહેલી જાન્યુઆરીની વહેલી સવાર સુધી ચલાવવામાં આવશે. એથી મુંબઈગરાને અને પ્રવાસીઓને નવા વર્ષને આવકારવાની અને બેસ્ટની ઓપન ડબલ ડેકર બસમાંથી નવા વર્ષનો સૂર્યોદય જોવાની સુવર્ણ તક મળશે.’
વિશેષ ટ્રેનો દોડશે
સેન્ટ્રલ રેલવેની સાથે વેસ્ટર્ન રેલવે દ્વારા પણ મુંબઈ ડિવિઝનમાં ૩૧ ડિસેમ્બરે મધ્યરાત બાદ આઠ વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે.
વેસ્ટર્નમાં રવિવારે કોઈ બ્લૉક નહીં
રવિવારે એટલે કે પહેલી જાન્યુઆરીએ વેસ્ટર્ન રેલવેમાં કોઈ જમ્બો બ્લૉક રહેશે નહીં, જ્યારે સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં પહેલી જાન્યુઆરીએ મેગા બ્લોક રહેશે. એમાં સવારે ૧૧.૦૫ વાગ્યાથી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી માટુંગા-મુલુંડ અપ અને ડાઉન સ્લો લાઇન પર બ્લૉક રહેશે. એથી સવારે ૧૦.૧૪ વાગ્યાથી બપોરે ૩.૧૮ વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ઊપડતી ડાઉન ધીમી લાઇનની સેવાઓને માટુંગા અને મુલુંડ સ્ટેશન વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે. એ સાયન, કુર્લા, ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ અને મુંલુડ સ્ટેશનો પર ઊભી રહેશે અને એને ફરીથી ડાઉન ધીમી લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે. ટ્રેનો સમય કરતાં ૧૫ મિનિટ મોડી પહોંચશે.