કુર્લાના અકસ્માત બાદ BESTએ ડ્રાઇવરો અને કન્ડક્ટરોનું કાઉન્સેલિંગ શરૂ કર્યું, ડેપો-મૅનેજરને પણ હવે વિશેષ સૂચનાઓ આપી દેવામાં આવી છે
કુર્લા બસ અકસ્માત
કુર્લા-વેસ્ટમાં સ્ટેશન નજીક સોમવારે રાતે થયેલા અકસ્માત બાદ ગઈ કાલથી બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય અને ટ્રાન્સપોર્ટ (BEST)એ તમામ ડ્રાઇવરો સહિત કન્ડક્ટરોનું કાઉન્સેલિંગ શરૂ કરી દીધું છે. આ ઉપરાંત તમામ ડેપો-મૅનેજરોને નવા ડ્રાઇવરોને ભીડવાળા વિસ્તારમાં મોકલવામાં આવે એ પહેલાં યોગ્ય તાલીમ લીધી છે કે કેમ એની તપાસ કરવા કહ્યું છે. જે બસ રૂટ પર ફરતી હોય છે એમની નિયમિત તપાસ કરવામાં આવી છે કે નહીં એની સાથે જ નિયમ અનુસાર ડ્રાઇવરોને અમુક ટ્રિપ બાદ રિલીફ આપવામાં આવે એવી સૂચનાઓ આપવામાં આવી છે.
બસના કન્ડક્ટરો અને ડ્રાઇવરોનું કાઉન્સેલિંગ ડેપોમાં કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે એમ જણાવતાં BESTના જનસંપર્ક અધિકારી સુદાસ સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કુર્લાના અકસ્માત પછી અમે ડ્રાઇવરોને થતી પરેશાની ઉપરાંત વર્કલોડ ન આવે એ માટે તેમનું કાઉન્સેલિંગ કરવાનું શરૂ કર્યું છે. એવી જ રીતે બસના કન્ડક્ટરોનું પણ એટલું જ મહત્ત્વ હોય છે એટલે તેમનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવશે. કુર્લામાં જે અકસ્માત થયો એ ભીડવાળો વિસ્તાર હતો એટલે નવી ટ્રેઇનિંગ લઈને આવેલા અધિકારીઓને ચોક્કસ તાલીમ અપાઈ ગઈ છે કે નહીં એની તપાસ ડેપો મૅનેજરે કરવાની રહેશે. અમુક સમયે એવું પણ જોવા મળે છે કે સ્ટાફની શૉર્ટેજને કારણે એક ડ્રાઇવર પાસે વધુ સમય કામ કરાવીને વધારે ટ્રિપ કરાવવામાં આવતી હોય છે. એને કારણે ડ્રાઇવર પર સ્ટ્રેસ આવતું હોય છે એટલે આ પણ ન થવું જોઈએ એવી સૂચના આપવામાં આવી છે.’