બેસ્ટનું કહેવું છે કે અમે આ સમસ્યાને જલદી ઉકેલી નાખીશું
દાદર સ્ટેશનની બહાર બેસ્ટની બસોની ફાઈલ તસવીર
રવિવારે સોશ્યલ મીડિયામાં મુકાયેલી એક પોસ્ટમાં એક પ્રવાસીએ એવો દાવો કર્યો હતો કે શહેરમાં કન્ડક્ટર વગરની બસોમાં મુંબઈકરો મફતમાં પ્રવાસ કરી રહ્યા છે.
સૅટિસ્ફાઇડ નામની પ્રોફાઇલ ધરાવતા ટ્વિટર યુઝરે લખ્યું છે કે ‘તેણે શનિવારે રાતે ચર્ચગેટથી કફ પરેડની ૧૩૮ નંબરની બસ પકડી હતી. બસની અંદર, બસસ્ટૉપ પર કે પછીનાં દસમાંથી એક પણ બસસ્ટૉપ પર કન્ડક્ટર નહોતો. ટિકિટ માટે ડ્રાઇવરને પૂછતાં તેણે કહ્યું હતું કે હું શું કરી શકું, આ મારું કામ નથી અને મારી ભૂલ પણ નથી; બધા ટિકિટ વગર જઈ રહ્યા છે, તમે પણ ઊતરી જાઓ.’
ટ્વિટર યુઝરે આગળ લખ્યું છે, ‘અંતે હું બૅકબે ડેપો સુધી ટિકિટ લેવા અને તપાસ કરવા ગયો. ત્યાં રાતે ૧૦.૧૬ વાગ્યે એમએચ૦૧-ડીઆર૦૯૩૪ નંબરની બસમાંથી ઊતર્યો. બધી ઑફિસો બંધ થઈ ગઈ હતી. સુરક્ષાકર્મીએ એવું વર્તન કર્યું જાણે આ રોજનું હોય. બસમાં ઓછામાં ઓછા ૨૫ લોકો હતા, જેમણે મફતમાં મુસાફરી કરી. મેં સાંભળ્યું છે કે બીઈએસટી ૨૦૦૦ કરોડ રૂપિયા જેટલા નુકસાનમાં ચાલે છે. એ માટે તાત્કાલિક આવી તકલીફો દૂર કરવાની જરૂર છે.’
આ અંગે બેસ્ટના અધિકારીએ જણાવ્યું હતું કે બૅકબે બસડેપોને આનો જવાબ આપવા કહ્યું છે. એક મુસાફર એચ. આર. મરાઠેએ કહ્યું હતું કે ‘સિટી બસોમાં કન્ડક્ટરની ખૂબ જરૂર છે. બસ દર કિલોમીટરે અટકે છે. તેથી કન્ડક્ટર વગર ધ્યાન ન રહે. એથી લોકો મફતમાં મુસાફરી કરી શકે છે.
બેસ્ટના જનરલ મૅનેજર લોકેશ ચન્દ્રાએ કહ્યું હતું કે ‘અમે આ સમસ્યાને જલદી ઉકેલી નાખીશું. વર્ષના અંત સુધીમાં સ્માર્ટકાર્ડ અને ડિજિટલ ટિકિટિંગ માટે મોબાઇલ ઍપ્લિકેશન લૉન્ચ થવાની છે. નૅશનલ કૉમન મોબિલિટી કાર્ડ સાથે એ સિસ્ટમ સંકળાયેલી હશે.’
એસટી કર્મચારીઓની હડતાળનો મુંબઈપ્રવેશ
ADVERTISEMENT
રવિવારે એમએસઆરટીસીના જુદાં-જુદાં યુનિયનો સાથે સંકળાયેલા કર્મચારીઓએ બસડેપો બંધ કરાવ્યા હતા. થાણે અને મુંબઈના ઘણા ડેપો બંધ રહેતાં અસુવિધા થઈ હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘સરકારના આશ્વાસન છતાં હડતાળ ચાલી રહી છે. મુખ્ય માગણી બસ કૉર્પોરેશનને રાજ્ય સરકાર સાથે જોડવાની છે, જેથી કર્મચારીઓને વ્યવસ્થિત પગારનો લાભ મળે.’