બાંદરા ટર્મિનસ પર બેસ્ટની બસ થોડી વાર થોભે ત્યારે એના ડ્રાઇવર-કન્ડક્ટરને ટૉઇલેટ્સના અભાવે જાહેરમાં પી-પી કરવાની ફરજ પડે છે
સ્ટાફ પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.
મુંબઈ: બાંદરા ટર્મિનસ ખાતે બેસ્ટના ડેપો પર ટૉઇલેટ્સના અભાવે સ્ટાફ અને નાગરિકોએ પણ પરેશાની ભોગવવી પડે છે.
એક બસ-ડ્રાઇવરે જણાવ્યું હતું કે ‘મોટા ભાગના બસ-પૅસેન્જર્સ બાંદરા સબર્બન રેલવે સ્ટેશનથી ચડે છે અને બહારગામની મુસાફરી ખેડી રહેલા પ્રવાસીઓ માટે બસ બાંદરા ટર્મિનસ પહોંચે છે. અહીં બસ થોડા વિરામ પછી અન્ય સ્થળો તરફ આગળ વધે છે. આથી અહીં બસ-ચોકી અને અન્ય સુવિધાઓ હોવી જરૂરી છે, કારણ કે અહીં મોટી સંખ્યામાં સ્ટાફ ભેગો થતો હોય છે.’
ADVERTISEMENT
બેસ્ટના અન્ય એક કર્મચારીએ જણાવ્યું હતું કે ‘અહીં બસ-સ્ટાફ માટેની સુવિધાઓ અને જાહેર ટૉઇલેટ્સનો અભાવ છે. જૂનાં પબ્લિક ટૉઇલેટ્સ સુધરાઈએ હટાવી દીધાં છે અને એને સ્થાને નવાં મૂકવાનાં હતાં, પણ એનો અમલ થયો જ નહીં. કૉર્પોરેશન અથવા બેસ્ટના તંત્રએ અહીં નવાં ટૉઇલેટ્સ મૂકવાં જોઈએ. અમે ટ્રેડ યુનિયન્સમાં આ મુદ્દો ઉઠાવ્યો છે.’
ટ્રેડ યુનિયનના નેતાના જણાવ્યા મુજબ ‘બસનો સ્ટાફ લાંબી મુસાફરી ખેડીને આવે છે અને બસ અહીં થોભ્યા પછી તેમણે જાહેરમાં પેશાબ કરવા જવું પડે છે.’