રેલવેમાં બહારગામ જતાં પહેલાં ત્યાં કોરોનાના શું નિયમ છે એ જાણી લેજો
રેલવેમાં બહારગામ જતાં પહેલાં ત્યાં કોરોનાના શું નિયમ છે એ જાણી લેજો
રેલવેનાં નિયંત્રણો ફરીથી પૅસેન્જરો માટે મુસીબતરૂપ બનવા માંડ્યાં છે. કોરોનાના કેસ વધતાં ઘણાં રાજ્યોએ મહારાષ્ટ્રમાંથી આવતા પૅસેન્જરો અને ટ્રેનની મુસાફરી પર માર્ગદર્શિકા અને નિયંત્રણ લાગુ કર્યાં છે. આ સપ્તાહે રેલવેએ પૅસેન્જરો માટે ગંતવ્ય રાજ્યોની હેલ્થ ઍડ્વાઇઝરી તપાસવા માટે નવા નિયમ જારી કર્યા હતા.
કેટલાંક રાજ્યોએ ફરજિયાત આરટી-પીસીઆર ટેસ્ટ અને કોરોના નેગેટિવ રિપોર્ટની માગણી કરી છે, તો વળી કેટલાંક રાજ્યો બહારથી આવતા પ્રવાસીઓના આગમન સમયે થર્મલ સ્ક્રીનિંગ કરાવી રહ્યા છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોએ મહારાષ્ટ્રથી આવતા ઉતારુઓ માટે માર્ગદર્શિકા બનાવી છે. દરેક ઉતારુએ એનું સખતાઇથી પાલન કરવાનું રહેશે.
એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાંક રાજ્યોએ ટ્રેનના આગમનના ૭૨થી ૯૬ કલાક પહેલાંના નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવ્યા છે. માર્ગદર્શિકાની જાણકારી ન હોવાથી પૅસેન્જરો અજાણ રહી જાય છે, જેને પરિણામે છેલ્લી ઘડીએ ગંતવ્ય સ્ટેશનો પર તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આથી પૅસેન્જરોને મુસાફરી હાથ ધરતાં પહેલાં ગંતવ્ય રાજ્યો દ્વારા જારી કરવામાં આવેલી હેલ્થ ઍડ્વાઇઝરી અને માર્ગદર્શિકા તપાસવાની વિનંતી કરવામાં આવે છે.

