બીડના પાલકપ્રધાન અજિત પવારને બનાવવામાં આવ્યા, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ગડચિરોલી અને એકનાથ શિંદેને મુંબઈ-થાણેના પાલકપ્રધાનની જવાબદારી સોંપવામાં આવી : મુંબઈ સબર્બ્સના પાલકપ્રધાન આશિષ શેલાર અને નાયબ પાલકપ્રધાન મંગલ પ્રભાત લોઢા
ધનંજય મુંડે
મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે પાલકપ્રધાનોની યાદી જાહેર કરી હતી, જેમાં બીડના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાનો વિવાદ સ્થાનિક નેતા ધનંજય મુંડેને ભારે પડ્યો હોવાનું જણાઈ આવ્યું છે. બીડમાંથી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને પાલકપ્રધાન જાહેર કરવામાં આવતાં ધનંજય મુંડેનું પત્તું કટ કરવામાં આવ્યું છે. અજિત પવારને પુણેની પાલકપ્રધાન તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને નક્સલગ્રસ્ત ગડચિરોલી તો નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને થાણે સહિત મુંબઈ શહેરના પાલકપ્રધાન બનાવવામાં આવ્યા છે. મુંબઈ સબર્બ્સ જિલ્લામાં આશિષ શેલાર પાલકપ્રધાન તો નાયબ પાલકપ્રધાન તરીકે મંગલ પ્રભાત લોઢાને બનાવવામાં આવ્યા છે. રાજ્યના પ્રધાનોમાં ધનંજય મુંડે સહિત દાદા ભુસે, માણિકરાવ કોકાટે અને દત્તાત્રય ભરણેને કોઈ પણ જિલ્લાના પાલકપ્રધાન તરીકેની જવાબદારી સોંપવામાં નથી આવી.
નાગપુર અને અમરાવતી જિલ્લાના પાલકપ્રધાન તરીકેની જવાબદારી ચંદ્રશેખર બાવનકુળે તો પંકજા મુંડેને જાલના અને છત્રપતિ સંભાજીનગરમાં સંજય શિરસાટને આ પદની જવાબદારી સોંપવામાં આવી છે. પાલઘરમાં ગણેશ નાઈકને અને રાયગડમાં અદિતિ તટકરેને પાલકપ્રધાન બનાવવામાં આવ્યાં છે. નાશિકના પાલકપ્રધાન ગિરીશ મહાજનને બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સિંધુદુર્ગ જિલ્લામાં નીતેશ રાણેને પાલકપ્રધાનની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ રાજ્ય સરકારે તમામ ૩૭ જિલ્લાના પાલકપ્રધાન જાહેર કરી દીધા છે.