પ્રાજક્તા માળીએ પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને BJPના વિધાનસભ્ય સુરેશ ધસ સામે નિશાન તાક્યું; કહ્યું કે વ્યક્તિગત રાજકારણ માટે મહિલા કલાકારોનાં નામ ન લો, જાહેરમાં માફી માગો
ગઈ કાલે મુંબઈ મરાઠી પત્રકાર સંઘમાં આયોજિત પ્રેસ-કૉન્ફરન્સમાં પ્રાજક્તા માળી. તસવીર : અતુલ કાંબળે
બીડના સરપંચ સંતોષ દેશમુખની હત્યા સંદર્ભે ધનંજય મુડે તરફ આંગળી ચીંધાઈ રહી છે ત્યારે એ બાબતે ટીકા કરતાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય સુરેશ ધસે કમેન્ટ કરતી વખતે રશ્મિકા મંદાના, સપના ચૌધરી અને પ્રાજક્તા માળીનાં નામ લીધાં હતાં. તેમણે કહ્યું હતું કે પ્રાજક્તાતાઈ માળી પણ અમારા પરળીમાં આવે છે, પરળીની આ પણ એક પૅટર્ન છે. તેમના એ સ્ટેટમેન્ટને લઈને પ્રાજક્તા માળીએ ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ લઈને તેમને જાહેરમાં માફી માગવા કહ્યું છે એટલું જ નહીં, આ બદલ તેમણે રાજ્ય મહિલા આયોગમાં પણ ફરિયાદ કરી છે.
મરાઠી ફિલ્મોની અભિનેત્રી અને મરાઠી કૉમેડી શો ‘મહારાષ્ટ્રાચી હાસ્યજત્રા’ની બહુ જાણીતી કૉમ્પેર પ્રાજક્તા માળીએ કહ્યું હતું કે ‘તમે એક રાજકારણી છો અને હું એક કલાકાર છું. તમારા રાજકારણ સાથે અમારે શું? શું પરળીમાં કોઈ પુરુષ કલાકારો પ્રોગ્રામ કરવા ગયા જ નથી? તો મહિલા કલાકારોનાં જ નામ કેમ લો છો? તેઓ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે મહિલાઓનાં નામ લઈ રહ્યા છે. અલગ-અલગ શહેરોમાં જઈને લોકોનું મનોરંજન કરવું એ અમારું કામ છે. મહારાષ્ટ્રના રાજકારણીને આ શોભતું નથી. આમ કરીને તમે મહિલા કલાકારોના ચારિત્ર્ય પર કાદવ ઉછાળો છો એટલું જ નહીં, તમે તેમના કર્તૃત્વ પર કાદવ ઉછાળો છો. એથી તમે જાહેરમાં માફી માગો. આ બાબતે મેં મહિલા આયોગમાં ફરિયાદ કરી છે. તેઓ પણ કાર્યવાહી કરશે જ.’
ADVERTISEMENT
બીજી બાજુ સુરશ ધસે કહ્યું હતું કે ‘પ્રાજક્તા માળી બદલ હું ખોટું કશું બોલ્યો નથી. મેં તો તેમને પ્રાજક્તાતાઈ કહ્યાં છે. વળી જે બોલ્યો એ પત્રકારોની સામે બોલ્યો છું. હું કંઈ પણ ખોટું બોલ્યો નથી. મને ખબર છે કે અચાનક આ મુદ્દો કેમ બહાર આવ્યો. સંતોષ દેશમુખની હત્યાની જે ચર્ચા ચાલે છે એમાંથી લોકોનું ધ્યાન બીજે વાળવાનો આ પ્રયાસ છે.’