ઘણા દુકાનદારોએ કાયદાનું ઉલ્લંઘન કરીને માળ ઉમેર્યા છે અને એવો દાવો કરે છે કે રોડને પહોળો કરવામાં આવતાં તેમની દુકાનો અસરગ્રસ્ત થઈ છે
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
મુંબઈ : ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ (જીએમએલઆર) પર અંદાજે ૫૦ જેટલી દુકાનો તેમ જ હૉલ દ્વારા રસ્તા પહોળા કરવાના કામને કારણે તેઓ અસરગ્રસ્ત થયા હોવાના બહાના હેઠળ ગેરકાયદે રીતે માળ વધારવામાં આવ્યા છે. આ દુકાનોમાં ગેરકાયદે પબ અને ફૂડ આઉટલેટ્સનો સમાવેશ પણ થાય છે. વળી વીક-એન્ડ દરમ્યાન અહીં ભારે ભીડ હોય છે. સુધરાઈએ એપ્રિલમાં નાહુરમાં આવેલી આ દુકાનો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો, પણ હજી સુધી કંઈ કરવામાં આવ્યું નથી એમ ગજેન્દ્ર પીપડા નામ એક કાર્યકરે જણાવ્યું હતું.
જીએમએલઆરને ૨૦૨૦માં પહોળો કરવામાં આવ્યો હતો. ત્યારે ‘ટી’ વૉર્ડમાં ઘણી દુકાનોને અસર થઈ હતી. અમુક દુકાનોને કુરાર પૅટર્ન મુજબ વધારાનો માળ બાંધવા માટે મંજૂરી આપવામાં આવી હતી. કુરાર પૅટર્ન મુજબ રોડ પહોળો કરવાના કારણસર જો કોઈ દુકાનના ૫૦ ટકાથી વધુ વિસ્તાર પર અસર થાય તો એ વધારાનો માળ બાંધી શકે છે.
ADVERTISEMENT
લોઅર પરેલના શંકરરાવ નરમ પથની અને બાંદરા લિન્કિંગ રોડ પરની દુકાનોને મંજૂરી આપવામાં આવી હતી. જોકે જીએમએલઆર પર ઘણી દુકાનો જેમણે માત્ર થોડોક વિસ્તાર જ ગુમાવ્યો હતો એમણે આ સ્કીમનો ખોટો લાભ લઈને એક માળ વધારી દીધો હતો. આરટીઆઇ મુજબ દુકાન નંબર ૩૦, ૩૬ અને ૪૬થી લઈને ૫૧ને કોઈ પણ વધારાના બાંધકામની પરવાનગી આપવામાં આવી નહોતી. એમઆરપી પબ, ફૂડ સ્ટુડિયો, રાજશ્રી માર્બલ, સ્વીટ હોમ્સ અને ફેસ્ટા બૅન્ક્વેટ્સ જેવાં જૉઇન્ટ્સમાં આવાં ગેરકાયદે બાંધકામ થયાં છે. ‘મિડ-ડે’એ એમનો સંપર્ક કર્યો હતો, પણ કોઈએ પ્રતિક્રિયા આપી નહોતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એપ્રિલ મહિનામાં બાંધકામ ગેરકાયદે હોવાનો દાવો કરીને એમને હટાવવાની જરૂર છે એમ જણાવાયું હતું, પણ પછી કંઈ થયું નથી.
‘મિડ-ડે’એ બે સપ્તાહ સુધી વૉર્ડ અધિકારીઓને ગેરકાયદે બાંધકામોની સ્થિતિ અંગે પ્રશ્નો પૂછ્યા હતા, પણ કોઈએ જવાબ આપ્યો નહોતો.