બે-બે લાખ રૂપિયાની ૧૨ એફડી હતી અને તમામની ડ્યુ ડેટ અલગ હોવાથી એક જ સમયે ડ્યુ ડેટ કરવા માટે આપી હતી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ચેમ્બુરમાં રહેતા કપડાંના કચ્છી વેપારીના પિતાએ વર્ષોથી ભેગી કરેલી જમાપૂંજી બૅન્કમાં એફડી સ્વરૂપે મૂકી હતી. જોકે તમામ અલગ-અલગ તારીખે મૂકી હોવાથી બધાનું વ્યાજ એક જ દિવસે આવે એ માટે બૅન્કના ક્લર્ક લેવલના અધિકારીને કહેવામાં આવ્યું હતું. જોકે બૅન્કમાં કામ કરતા કર્મચારીએ બે લાખ રૂપિયાની ૧૨ એફડી તોડાવી એ રકમ પોતે પડાવી લીધી હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે છેલ્લી એફડીની માહિતી લેવા વેપારી બૅન્કમાં ગયા હતા. ત્યારે એક પણ એફડી ન હોવાની માહિતી મળતાં આ ઘટનાની ફરિયાદ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. આ કેસમાં પોલીસે બૅન્કના ક્લર્કની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ચેમ્બુરમાં આર. સી. માર્ગ પરની એક સોસાયટીમાં રહેતા અને ચેમ્બુરના મૈત્રી પાર્ક વિસ્તારમાં કપડાંનો વ્યવસાય કરતા ૫૩ વર્ષના હસમુખ નાગજી છાડવાએ કરેલી ફરિયાદ અનુસાર તેમના પિતા નાગજીભાઈનો ટ્રક ભાડે આપવાનો વ્યવસાય હતો. નિવૃત્તિ લીધા બાદ એમાંથી બચાવેલા ૨૪ લાખ રૂપિયાની એફડી કૉસ્મોસ બૅન્કની ચેમ્બુર બ્રાન્ચમાં કરી હતી. જોકે તમામ એફડી બે-બે લાખ રૂપિયાની હતી અને તમામની ડ્યુ ડેટ અલગ હોવાથી એક જ સમયે ડ્યુ ડેટ કરવા માટે તેમણે કૉસ્મોસ બૅન્કના ક્લર્ક મહેશ ગંગારામ જાધવને તમામ એફડીના ડૉક્યુમેન્ટ્સ આપ્યા હતા. દરમ્યાન છેલ્લી એફડીની ડ્યુ ડેટ આવતી હોવાથી તેઓ બૅન્કમાં ગયા ત્યારે બૅન્કનો ક્લર્ક મહેશ હાજર ન હોવાથી તેમણે અન્ય કર્મચારીને પોતાની એફડી વિશે માહિતી આપી હતી. ત્યારે તેમની એફડી ન થઈ હોવાનું સામે આવ્યું હતું. તેમના તમામ પૈસા મહેશે તેના સંબંધીઓનાં અકાઉન્ટમાં ફેરવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. ત્યાર બાદ તેમણે ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
ચેમ્બુર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જયકુમાર સૂર્યવંશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી સામે ગઈ કાલે જ ફરિયાદ નોંધવામાં આવી છે અને મોડી રાત્રે આરોપીની અમે ધરપકડ કરી છે. તેણે આ પહેલાં પણ બૅન્કના બીજા ગ્રાહકો સાથે આવું કર્યું છે કે નહીં એ સાથે આ કેસમાં ફરિયાદીના પૈસા ક્યાં વાપર્યા એ વિશેની તપાસ હાથ ધરાઈ છે.’
હસમુખ છાડવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં મારી ફરિયાદ ગઈ કાલે પોલીસ પાસે નોંધાવી છે. તેઓ કેસ વિશેની તપાસ કરી રહ્યા છે.’