Bandra Terminus Stampede: બાંદ્રાથી ગોરખપુર જઈ રહેલી ટ્રેન નંબર 22921 પ્લેટફોર્મ નંબર 1 પર આવી હતી ત્યારે આ ટ્રેનમાં ચડવા માટે અસંખ્ય મુસાફરો દોડ્યા હતા
લોહીલુહાણ ઘાયલ સાથે જ પોલીસ કોન્ટેબલ અન્ય ઘાયલને ખભે ઊંચકીને દોડી રહ્યો છે તેમ જ એકને સ્ટ્રેચર પર લઈ જવામાં આવી રહ્યો છે- વાયરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મુંબઈના બાન્દ્રા રેલવે સ્ટેશન પરથી દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે. રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડના કારણે ભાગદોડ (Bandra Terminus Stampede) મચી જવા પામી હોવાના અહેવાલ સામે આવ્યા છે. એટલું જ નહીં આ ભાગદોડને કારણે ૯ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. અત્યારે આ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
કયા પ્લેટફોર્મ પર આ બીના બની?
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 1 પર આજએ સવારે આ ઘટના બની હતી. મુસાફરોની ભારે ભીડને કારણે યુપી, બિહાર અને અન્ય રાજ્યોમાં જવા માટે અનેક મુસાફરો આવ્યા હતા. તેમની વચ્ચે ભાગદોડ મચી હતી.
કઈ ટ્રેનમાં ચડવા માટે મુસાફરો વચ્ચે ભાગદોડ થઈ?
પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળીના વેકેશન માટે ગોરખપુર જતી ટ્રેનમાં ચડવાની લાહ્યમાં મુસાફરો વચ્ચે ભાગદોડ (Bandra Terminus Stampede) થઈ છે. અને આ ભાગદોડમાં ૯ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બાંદ્રાથી ગોરખપુર જઈ રહેલી ટ્રેન નંબર 22921 પ્લેટફોર્મ નંબર 1 પર આવી હતી ત્યારે આ ટ્રેનમાં વહેલો તે પહેલોના ધોરણે ચડવા માટે અસંખ્ય મુસાફરો દોડ્યા હતા. મુસાફરોએ ટ્રેનના જનરલ ડબ્બામાં ચડવા માટે રીતસરની ધક્કામૂકી અને મારામારી કરી હતી.
ઘાયલોના દર્દનાક દૃશ્યો સામે આવ્યા
આ બીના (Bandra Terminus Stampede)ના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓએ આ વિડીયો લીધા હતા, આ વિડિયોઝમાં ઘાયલોની અવસ્થા જોઈ શકાય છે. ઘાયલોને રેલવે પોલીસ અને અન્ય મુસાફરો સ્ટ્રેચર પર લઈને દોડતા પણ જોવા મળી રહ્યા છે. કોઈક વિડીયોમાં પોલીસકર્મી ઘાયલ મુસાફરને પોતાના ખભે ઊંચકીને દોડી રહ્યો છે તો કોઈ વિડિયોમાં ઘાયલ વ્યક્તિ લોહીલુહાણ થયેલો જોવા મળે છે.
ઘાયલોના નામ આ રહ્યા
બાંદ્રા ભાભા હોસ્પિટલના ડૉ. રિતેશ (એમઓ) તરફથી મળેલી માહિતી અનુસાર કુલ 9 દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જેમાં શબ્બીર અબ્દુલ રહેમાન (40 વર્ષ, પુરુષ), પરમેશ્વર સુખદર ગુપ્તા (28 વર્ષ, પુરુષ), રવિન્દ્ર હરિહર ચુમા (30 વર્ષ, પુરુષ), રામસેવક રવિન્દ્ર પ્રસાદ પ્રજાપતિ (29 વર્ષ, પુરુષ), સંજય તિલકરામ કાંગય (27 વર્ષ, પુરુષ), દિવ્યાંશુ યોગેન્દ્ર યાદવ (18 વર્ષ, પુરુષ), મોહમ્મદ શરીફ શેખ (25 વર્ષ, પુરુષ), ઇન્દ્રજિત સાહની (19 વર્ષ, પુરુષ), નૂર મોહમ્મદ શેખ (18 વર્ષ, પુરુષ) વગેરેનો સમાવેશ થાય છે.
Bandra Terminus Stampede: અત્યારે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે કયા કારણોસર આ ભાગદોડ થઈ હતી. અત્યારે વધુ અપડેટ્સ સામે આવશે એવી આશા છે. સૂત્રોએ જણાવ્યું કે આ ટ્રેન જનરલ કોચ સાથે ચાલે છે. એવાં પણ અહેવાલ છે કે જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર આવી ત્યારે તે સ્પીડમાં હતી અને આ જ વખતે લોકોએ તેમાં ચડવાનો પ્રયાસ કરતાં ભાગદોડ મચી જવા પામી હતી.