Bandra Terminus Stampede: બાંદરા ટર્મિનસ પર ગોરખપુર જતી ટ્રેન પકડવા થયેલા ધસારાને કારણે થયેલી નાસભાગમાં ૯ ઘાયલ, બે ગંભીર
ટ્રેન પ્લૅટફૉર્મ પર આવી ત્યારે એમાં ચડવા માટે ધક્કામુક્કી કરી રહેલા પ્રવાસીઓ. આ ભાગદોડમાં ઘાયલ થયેલો એક પ્રવાસી પ્લૅટફૉર્મ પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો.
જો GRP અને RPFએ ક્રાઉડ મૅનેજમેન્ટ કર્યું હોત તો આ દુર્ઘટના ન ઘટી હોત એવું કહેવું છે પૅસેન્જરોનુંઃ મોટી સંખ્યામાં હાજર મુસાફરોને કાબૂમાં રાખવા પ્લૅટફૉર્મ પર માત્ર ૧૦ પોલીસના જવાનો જ હતા હાજર?
વતનમાં દિવાળી મનાવવા જઈ રહેલા ઉત્તર ભારતીય પરિવારો અને ખાસ કરીને મુંબઈમાં રહીને કમાતા અને ગામમાં પરિવાર ધરાવતા યુવાનો કામધંધા અને નોકરી પરથી રજા લઈને ગામ જવા ગોરખપુરની ટ્રેન પકડવા બાંદરા ટર્મિનસ પર શનિવાર રાતથી જ પહોંચી તો ગયા હતા, પણ ટ્રેન પ્લૅટફૉર્મ પર લાગતાં જ જગ્યા મેળવવા થયેલા ધસારાને કારણે થયેલી નાસભાગમાં અનેક લોકો પડ્યા, અનેક અથડાયા અને કેટલાક તો પડેલા લોકો પર પગ મૂકીને આગળ નીકળી જતાં લોકોએ ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી. જોકે નવાઈની વાત એ હતી કે આટલી ભીડ દર વર્ષે તહેવારોમાં થતી જ હોય છે અને એટલે ક્રાઉડ મૅનેજમેન્ટ પર ખાસ ધ્યાન આપવામાં આવતું હોય છે, પણ ગઈ કાલે એવી કોઈ વ્યવસ્થા GRP (ગવર્નમેન્ટ રેલવે પોલીસ) અને RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ)એ બતાવી ન હોવાનું જણાઈ આવ્યું હતું. લોકો સવાલ કરી રહ્યા હતા કે પબ્લિક આટલી હેરાન થઈ ત્યારે પોલીસ શું ઊંઘી રહી હતી? ઘવાયેલા લોકો દ્વારા કહેવાયું હતું કે પ્લૅટફૉર્મ પર પોલીસ બહુ ઓછી હતી અને એના દ્વારા કોઈ પગલાં લેવાયાં નહોતાં. શનિવારે મઘરાત બાદ ૨.૪૪ વાગ્યે ટ્રેન જ્યારે પ્લેટફૉર્મ પર આવી રહી હતી ત્યારે એમાં જગ્યા પકડવા માટે ચાલુ ટ્રેનમાં ચડવા જતી વખતે આ ભાગદોડ થઈ હતી.
ADVERTISEMENT
બે ટ્રેનનું ક્રાઉડ ભેગું થયું
મૂળમાં ગોરખપુર જતી ૨૨ ડબ્બાની
ટ્રેન-નંબર ૨૨૯૨૧ બાંદરા-ગોરખપુર અંત્યોદય એક્સપ્રેસ અનરિઝર્વ્ડ ટ્રેન છે જે અઠવાડિયે એક વાર દોડે છે. એમાં પણ ગઈ કાલે એ પહેલાંની ગોરખપુર જતી એક દિવાળી સ્પેશ્યલ ટ્રેન ૧૬ કલાક લેટ થવાથી બાંદરા આવી જ નહોતી અને એ રીશિડ્યુલ કરવામાં આવી હતી. એ પણ અનરિઝર્વ્ડ ટ્રેન હતી. એથી એ ટ્રેન પકડવા આવેલા પૅસેન્જરોએ પણ બાંદરા-ગોરખપુર અંત્યોદય એક્સપ્રેસમાં ચડવા ધસારો કર્યો હતો. આમ એકસાથે બે ટ્રેનનો ધસારો થઈ જવાથી બધી વ્યવસ્થા પડી ભાંગી હતી.
દિવાળી હોવાથી સામાન પણ વધુ
અંત્યોદય એક્સપ્રેસ પરોઢિયે ૫.૧૦ વાગ્યે રીશિડ્યુલ કરવામાં આવી હતી. ટ્રેન મધરાત બાદ ત્રણ વાગ્યે પ્લૅટફૉર્મ-નંબર એક પર લાગી હતી. ટ્રેન ત્રણ વાગ્યે પ્લૅટફૉર્મ પર આવી ત્યારે સીટ મેળવવા લોકો ઘાંઘા થઈ ગયા હતા. એવામાં ૧૦૦૦થી વધારે પૅસેન્જરોએ સામાન સાથે જગ્યા મેળવવાની લાયમાં ધસારો કરતાં નાસભાગ થઈ હતી અને લોકો કચડાયા હતા. બીજું, વર્ષે એક વાર દિવાળી પર વતન જતા આ લોકો તેમના સંયુક્ત પરિવારના સભ્યો માટે કંઈક ને કંઈક ગિફ્ટ લઈ જવાની ભાવના રાખે છે એટલે તેમનો સામાન પણ વધુ હોય છે. એ સામાન સાથે તેઓ જગ્યા મેળવવા મરણિયા પ્રયાસ કરતા હોય છે. એની પાછળનું એક કારણ એ પણ છે કે બહુ લાંબો પ્રવાસ હોવાથી ઊભા-ઊભા પ્રવાસ કરવો પૉસિબલ નથી હોતું. એથી લોકો ચાલુ ટ્રેને પણ એમાં સીટ મેળવવા જોખમ લઈને ચડવાનો પ્રયાસ કરે છે. ગઈ કાલે પણ બે જણ તો ચાલુ ટ્રેન પકડવા જતાં પ્લૅટફૉર્મ પર પટકાયા હતા.
ક્રાઉડ મૅનેજમેન્ટનાં પગલાં લેવાયાં નહોતાં
તહેવારોની સીઝનમાં ગામમાં જતા લોકોની ભીડને મૅનેજ કરવા GRP અને RPF દ્વારા બૅરિકેડ્સ ગોઠવીને સિંગલ લાઇન બનાવવામાં આવતી હોય છે અને ટ્રેન આવે ત્યારે પોલીસની દેખરેખની હેઠળ તેમને એક-એક કોચ તરફ આગળ જવા દેવાય છે જેથી નાસભાગ ન થાય. ગઈ કાલે આવી કોઈ વ્યવસ્થા જોવા મળી નહોતી એમ ઘાયલ થયેલા પૅસેન્જરોએ જણાવ્યું હતું. આવી જ નાસભાગની ઘટના ગયા વર્ષે સુરતમાં થઈ હતી અને એમાં કેટલાક પૅસેન્જરોએ જીવ પણ ગુમાવ્યો હતો.
પોલીસનો લિમિટેડ સ્ટાફ ક્રાઉડ મૅનેજ કરવામાં ઊણો ઊતર્યો?
સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે બાંદરા ટર્મિનસ પર રાતના સમયે અંદાજે ૩૦ જણનો પોલીસ-સ્ટાફ (GRP અને RPF મળીને) હોય છે. એમાં પણ કેટલોક સ્ટાફ તો પોલીસ-સ્ટેશનમાં જ રૂટીન વર્કમાં અટવાયેલો હોય છે. બાકીનો સ્ટાફ પ્લૅટફૉર્મ પર પૅટ્રોલિંગ કરતો હોય છે. જોકે એક પ્લૅટફૉર્મ પર વધુમાં વધુ ૧૦ પોલીસો પૅટ્રોલિંગ કરતા હોય છે. ગઈ કાલના ૧૦૦૦ કરતાં વધુ પૅસેન્જરોના ધસારાને મૅનેજ કરવા એ ઊણો ઊતર્યો હતો.
ઘાયલોને ભાભા હૉસ્પિટલમાં પહોંચાડ્યા
નાસભાગ થયા બાદ પોલીસે ઘાયલ લોકોને ઉપાડીને સારવાર માટે બાંદરા-વેસ્ટની ભાભા હૉસ્પિટલમાં પહોંચાડ્યા હતા. એ વખતે પ્લૅટફૉર્મ પર મચેલી અંધાધૂંધીને કારણે સ્ટ્રેચર પણ પૂરતા પ્રમાણમાં નહોતાં એટલે ઘાયલોને લઈ જવા માટે પૅસેન્જરોએ પોતાની ચાદરો કાઢી આપી હતી અને એમાં તેમને નાખી ચાર જણે ઉપાડીને ઍમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા.
ભીડ ખાળવા માટે વેસ્ટર્ન રેલવેએ કેટલાંક સ્ટેશનો પર પ્લૅટફૉર્મ ટિકિટનું વેચાણ બંધ કર્યું
દિવાળીના તહેવારોમાં વતન જતા અને બહારગામ ફરવા જતા લોકો મોટી સંખ્યામાં હોય છે એટલે બહારગામની ટ્રેનો પકડવાના સમયે સ્ટેશનો પર બહુ ભીડ જોવા મળે છે. વળી બહારગામ જતા લોકોને મૂકવા તેમની સાથે ઘણાબધા લોકો આવતા હોય છે. એથી એ ભીડ ખાળવા અને બાંદરા જેવી સ્ટૅમ્પેડની ઘટના ફરી ન બને એ માટે રેલવેએ હાલ થોડો સમય એનાં કેટલાંક સ્ટેશનો પર પ્લૅટફૉર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દીધું છે. આ સ્ટેશનોમાં મુંબઈ સેન્ટ્રલ, દાદર, બાંદરા ટર્મિનસ, બોરીવલી, વસઈ રોડ, વાપી, વલસાડ, ઉધના અને સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે એમાં કેટલીક છૂટ આપવામાં આવી છે. સિનિયર સિટિઝનો અને જે લોકોને મેડિકલ અસિસ્ટન્સની જરૂર હોય તેમને એમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
રેલવે મિનિસ્ટર બુલેટ ટ્રેનમાં વ્યસ્ત છે, મુંબઈના પ્રવાસીઓની અવગણના: સંજય રાઉત
બાંદરા ટર્મિનસ પર થયેલી સ્ટૅમ્પીડની ઘટના બાદ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારને મુંબઈ સૌથી વધુ રેવન્યુ આપે છે. એની સરખામણીએ આપણા પૅસેન્જર્સને અહીં ભાગ્યે જ કોઈ સુવિધા મળે છે. રેલવે મિનિસ્ટર બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ઊંડા ઊતરી ગયા છે અને લોકોને નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મરવા છોડી દીધા છે. રેલવેપ્રધાને તેમની સમસ્યાઓને પોતાનાથી અળગી કરી દીધી છે. મુંબઈ શહેર માત્ર સૌથી વધુ રેવન્યુ જ નથી આપતું, પણ સાથે જ એ સૌથી વધુ પૅસેન્જર પણ ધરાવે છે. જોકે એમ છતાં રેલવેપ્રધાન તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા કોઈ પગલાં લેતા નથી.’