ભિવંડીના માનકોલી નાકા પાસેના ગ્રાઉન્ડમાં શનિવારે આયોજિત કાર્યક્રમમાં ભક્તોએ એકસાથે ધસારો કર્યો
મોટી સંખ્યામાં હાજર રહેલા ભક્તોએ સ્ટેજ તરફ ધસારો કર્યો હતો
બાગેશ્વરધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સત્સંગનું ગઈ કાલે ભિવંડીના માનકોલી નાકા પાસેના ઇન્ડિયન ઑઇલ કંપનીના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ ધાર્મિક કાર્યક્રમમાં ધાર્યા કરતાં વધુ ભક્તો પહોંચી ગયા હતા અને તેમણે મહારાજના હાથે ભભૂતી લેવા માટે એકસાથે ધસારો કર્યો હતો. એને લીધે ધક્કામુક્કી થઈ હતી અને એમાં ત્રણ મહિલાને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સ્ટેજ તરફ ધસી ગયેલા લોકોને પોલીસે હળવો લાઠીચાર્જ કરીને વિખેરવા પડ્યા હતા. જે મહિલાઓને ઈજા થઈ હતી તેમને કાર્યક્રમ-સ્થળની બહાર ઊભી રાખવામાં આવેલી ઍમ્બ્યુલન્સમાં લઈ જઈને પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ભિવંડી પોલીસના જણાવ્યા મુજબ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પ્રવચન પૂરું કર્યા બાદ ભક્તોને ભભૂતીની વહેંચણી કરવાની જાહેરાત કરી હતી. સ્ટેજ પર ભભૂતી લેવા માટે પહેલાં મહિલાઓને આવવાનું કહેવામાં આવ્યું હતું એટલે મહિલાઓ લાઇનમાં ઊભી હતી ત્યારે તેમની પાછળના ભાગમાં મોટી સંખ્યામાં હાજર રહેલા ભક્તોએ સ્ટેજ તરફ ધસારો કર્યો હતો. એને લીધે કેટલીક મહિલાઓ પડી ગઈ હતી અને તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ હતી. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ લોકોને ધસારો ન કરવાની વિનંતી કરી હોવા છતાં લોકોએ તેમની વાત નહોતી સાંભળી. પરિસ્થિતિ હાથમાંથી સરકી જતાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સ્ટેજ છોડીને નીકળી ગયા હતા. તેમના પ્રાઇવેટ સિક્યૉરિટી ગાર્ડ્સ અને પોલીસે લોકોને વિખેરવા માટેના પ્રયાસ કર્યા હતા. આમ છતાં સ્ટેજ તરફનો ધસારો કાયમ રહેતાં પોલીસે હળવો લાઠીચાર્જ કરીને લોકોને વિખેર્યા હતા. સદ્નસીબે આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા નથી થઈ.