૧૩ ઑગસ્ટની ઘટના, ૧૬ ઑગસ્ટે ફરિયાદ, સ્ટેટમેન્ટ ૨૨ ઑગસ્ટે રેકૉર્ડ થઈ રહ્યાં છે... યે ક્યા ચલ રહા હૈ? લોકો રસ્તા પર નહીં ઊતરે ત્યાં સુધી ગંભીરતાથી તપાસ નહીં કરો?
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
બદલાપુરની સ્કૂલમાં સાડાત્રણ વર્ષની બે બાળકીના વિનયભંગની ઘટનાની તપાસ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે એની સાથે બૉમ્બે હાઈ કોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુઓ મોટો એટલે કે સામે ચાલીને નોંધ લીધી છે. ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટનાં જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવાણની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી વખતે ખંડપીઠે બદલાપુરની ઘટનામાં પોલીસના વલણ પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘જો સ્કૂલ એક સુરક્ષિત જગ્યા નથી તો શિક્ષા અને અન્ય બાબતોના અધિકારની વાત કરવાનો કોઈ મતલબ નથી રહેતો. આવા મામલામાં પોલીસની બેદરકારી સામાન્ય બની ગઈ છે. જ્યાં સુધી મોટા પાયે વિરોધ ન થાય ત્યાં સુધી પોલીસની મશીનરી કામ નથી કરતી. લોકો સડક પર નહીં ઊતરે ત્યાં સુધી ગંભીરતાથી તપાસ નહીં કરો? યહ ચલ ક્યા રહા, બેહદ શૉકિંગ. ૧૩ ઑગસ્ટની ઘટના, ૧૬ ઑગસ્ટે ફરિયાદ નોંધી અને સ્ટેટમેન્ટ બાવીસ ઑગસ્ટે રેકૉર્ડ કરી રહ્યા છો. યે ક્યા ચલ રહા હૈ? અમને જરા પણ લાગશે કે મામલાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો અમે તમામ લોકો સામે ઍક્શન લેતાં અચકાઈશું નહીં.’
ખંડપીઠે સ્કૂલ સામે ફરિયાદ ન નોંધવા માટે પોલીસ અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. પોલીસે સ્કૂલની બીજી પીડિત સ્ટુડન્ટનું નિવેદન ન નોંધવા માટે પોલીસને ફટકારી હતી. આ મામલો હાઈ કોર્ટમાં પહોંચતાં પોલીસે ઉતાવળમાં બીજી બાળકીના પિતાનું નિવેદન નોંધ્યું હતું. આ મામલામાં અનેક સવાલ છે એના જવાબ ૨૭ ઑગસ્ટની સુનાવણીમાં ઍડ્વોકેટ જનરલે આપવા પડશે એમ કહીને ખંડપીઠે સુનાવણી મોકૂફ રાખી હતી.
ADVERTISEMENT
ગાયનેકોલૉજિસ્ટમાંથી IPS આૅફિસર બનેલાં આરતી સિંહ તપાસ કરશે આ કેસની
કેસની તપાસ કરવા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે અને ૨૦૦૬ના બૅચનાં IPS ઑફિસર આરતી સિંહને એનાં વડાં બનાવવામાં આવ્યાં છે. આરતી સિંહ હાલ રાજ્યના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (ઍડ્મિનિસ્ટ્રેશન)ના હોદ્દા પર ફરજ બજાવી રહ્યાં છે. આરતી સિંહને હાલમાં જ ફૉર્બ્સ એશિયાના પાવર બિઝનેસવુમન મૅગેઝિનમાં લિંગભેદના મુદ્દે લડત ચલાવી રહેલાં મહિલા તરીકે દર્શાવાયાં હતાં. આરતી સિંહ પહેલાં ગાયનેકોલૉજિસ્ટ ડૉક્ટર બન્યાં હતાં અને ત્યાર બાદ IPS ઑફિસર બન્યાં હતાં.