બદલાપુરની ઘટનાના વિરોધમાં વિરોધ પક્ષો આક્રમક થયા
કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે
બદલાપુરની સ્કૂલમાં સાડાત્રણ વર્ષની બે બાળકીઓનો વિનયભંગ કરવાના વિરોધમાં મંગળવારે બદલાપુરમાં આંદોલન કરવાની સાથે રેલરોકો કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ગઈ કાલે મંત્રાલયની બહાર કૉન્ગ્રેસ અને રાજ્યના જુદા-જુદા ભાગમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જૂથે વિરોધ-પ્રદર્શન કર્યાં હતાં. હવે વિરોધ પક્ષોની મહા વિકાસ આઘાડીએ ૨૪ ઑગસ્ટે એટલે કે શનિવારે મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે. કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ આ વિશે પત્રકારોને માહિતી આપી હતી કે ‘બદલાપુરની જે સ્કૂલમાં બાળકીઓનો વિનયભંગ કરવામાં આવ્યો છે એ સ્કૂલનો ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંબંધ છે. સ્કૂલની બદનામી ન થાય એ માટે વિનયભંગના મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આજે મહા વિકાસ આઘાડીની વિધાનસભાની ચૂંટણીમાં બેઠકોની સમજૂતી વિશે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં મહિલાઓની સુરક્ષા અને તેમના પર થઈ રહેલા અત્યાચાર બાબતે ચર્ચા કરવામાં આવી હતી. લાડકી બહિણ યોજનામાં ૧૫૦૦ રૂપિયા આપવા માટે મોટી ઇવેન્ટ કરવામાં આવી રહી છે, પણ બહેનોની સુરક્ષા પર સરકાર ધ્યાન નથી આપતી. આથી અમે આ મામલે ૨૪ ઑગસ્ટે મહારાષ્ટ્ર બંધ કરવાનો નિર્ણય લીધો હતો.’ ઉલ્લેખનીય છે કે ૨૪ ઑગસ્ટે મહિનાનો ચોથો શનિવાર છે. આથી સરકારી અને કૉર્પોરેટ કંપનીઓની ઑફિસો ઉપરાંત બૅન્કો પણ બંધ હશે. આથી બંધની કેવી અને કેટલી અસર થશે એ જોવું રહ્યું.