હાઈ કોર્ટમાં સુપરત કરવામાં આવેલા મૅજિસ્ટ્રેટ ઇન્ક્વાયરીના રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી આ શક્યતાઃ રિપોર્ટના આધારે અદાલતે ફરિયાદ નોંધીને તપાસ કરવાનો આદેશ આપ્યો
ફાઇલ તસવીર
બદલાપુરની સ્કૂલમાં બે નાની બાળકીઓ સાથે જાતીય અત્યાચાર કરવાના કેસમાં પકડાયેલા આરોપી અક્ષય શિંદેનું પોલીસે તેને તળોજા જેલમાંથી પૂછપરછ માટે લઈ જવાતો હતો ત્યારે એન્કાઉન્ટર કર્યું હતું. એ વખતે પોલીસે એવો દાવો કર્યો હતો કે અક્ષય શિંદેએ તેમના પર હુમલો કર્યો હોવાથી તેમણે સેલ્ફ-ડિફેન્સમાં કરેલા ફાયરિંગમાં અક્ષય શિંદેનું મોત થયું હતું. એ બાબતે ત્યાર બાદ હોબાળો મચ્યો હતો અને અક્ષય શિંદેનાં માતા-પિતાએ એ ફેક એન્કાઉન્ટર હોવાની શંકા વ્યક્ત કરી એ બદલ સ્વતંત્ર તપાસની માગણી કરતી યાચિકા હાઈ કોર્ટમાં કરી હતી. એથી એની તપાસ કરી રહેલી મૅજિસ્ટ્રેટની ટીમે બૉમ્બે હાઈ કોર્ટમાં ગઈ કાલે પોતાનો રિપોર્ટ સબમિટ કર્યો છે જેમાં એ એન્કાઉન્ટર બનાવટી હોઈ શકે એવી શક્યતાઓ વ્યક્ત કરી છે. એથી બૉમ્બે હાઈ કોર્ટની જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને જસ્ટિસ નીલા ગોખલેની બેન્ચે આ ઘટના સાથે સંકળાયેલા પાંચ પોલીસ-કર્મચારીઓ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરી તપાસ કરવા કહ્યું છે. કોર્ટે આ પોલીસ-કર્મચારીઓ સામે FIR નોંધાયા બાદ કઈ એજન્સી એની તપાસ કરશે એ પણ જણાવવા કહ્યું છે.
એ વખતે પોલીસે એમ કહ્યું હતું કે આરોપી અક્ષય શિંદેને તેઓ તપાસ માટે બદલાપુર લઈ જઈ રહ્યા હતા ત્યારે મુમ્બ્રા બાયપાસ પાસે તેણે પોલીસ વૅનમાં તેની સાથે બેસેલા અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર નીલેશ મોરેની ગન ઝૂંટવી લીધી હતી અને તેના પર ત્રણ ગોળી ફાયર કરી હતી જેમાંથી એક ગોળી નીલેશ મોરેને પગમાં લાગી હતી જ્યારે બીજી બે મિસફાયર થઈ હતી. એથી એ પછી સાથેના બીજા પોલીસ-કર્મચારીઓએ અક્ષય શિંદે પર સ્વબચાવમાં ગોળીબાર કર્યો. તેમણે બે ગોળી છોડી, જેમાંથી એક તેને માથામાં વાગી અને અન્ય એક શરીરના બીજા ભાગમાં વાગી હોવાથી તેનું મૃત્યુ થયું.
ADVERTISEMENT
અક્ષય શિંદે ફેક એન્કાઉન્ટરની આ તપાસના રિપોર્ટમાં જે વિગતો બહાર આવી છે એ મુજબ રિવૉલ્વર પર અક્ષય શિંદેની ફિંગરપ્રિન્ટ નથી. બીજું, એન્કાઉન્ટરની એ ઘટના પછી પોલીસે આપેલી વિગતો અને ફૉરેન્સિક લૅબોરેટરીનો રિપોર્ટ જોતાં એ બનાવટી એન્કાઉન્ટર હોવાનું લાગી રહ્યું છે. પોલીસ-કર્મચારીઓ આ બનાવટી એન્કાઉન્ટર માટે જવાબદાર હોઈ શકે એમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.