૧૨ ઑગસ્ટે એન્કાઉન્ટરમાં અક્ષય શિંદેએ સ્કૂલમાં બાળકીઓનું શારીરિક શોષણ કર્યું હતું
બદલાપુરની આદર્શ સ્કૂલના ટ્રસ્ટીઓ તુષાર આપ્ટે અને ઉદય કોતવાલ.
બદલાપુર-ઈસ્ટમાં આવેલી સ્કૂલમાં બે માસૂમ બાળકીના શારીરિક શોષણની ઘટનામાં આરોપી અક્ષય શિંદેનું પોલીસ-એન્કાઉન્ટમાં મૃત્યુ થયા બાદ સ્કૂલના ટ્રસ્ટીઓએ ધરપકડથી બચવા માટે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી, જે ફગાવી દેવામાં આવી હતી. આથી ગઈ કાલે થાણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કર્જતમાંથી ટ્રસ્ટીઓ તુષાર આપ્ટે અને ઉદય કોતવાલની ધરપકડ કરી હતી. બાદમાં તેમને કલ્યાણની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. બૉમ્બે હાઈ કોર્ટે પોલીસે આટલા દિવસ બાદ પણ ટ્રસ્ટીઓ સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરી એવો સવાલ કરીને તાત્કાલિક રીતે ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો હતો એટલે પોલીસે ગઈ કાલે સ્કૂલના બે ટ્રસ્ટીઓ સામે કાર્યવાહી કરી હતી. સ્કૂલના પ્રિન્સિપાલ સહિત ટ્રસ્ટીઓ સામે પણ પોલીસે ગુનો નોંધ્યો હતો એટલે પોલીસથી બચવા આ ટ્રસ્ટીઓ ઘણા દિવસથી છુપાતા ફરતા હતા. ૧૨ ઑગસ્ટે એન્કાઉન્ટરમાં અક્ષય શિંદેએ સ્કૂલમાં બાળકીઓનું શારીરિક શોષણ કર્યું હતું. આ ઘટનાના ૫૦ દિવસ બાદ સ્કૂલના ટ્રસ્ટીઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે.
અક્ષય શિંદેના એન્કાઉન્ટરની તપાસ નિવૃત્ત ચીફ જસ્ટિસ કરશે
ADVERTISEMENT
બદલાપુરમાં માસૂમ બાળકીનું શારીરિક શોષણ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા આરોપી અક્ષય શિંદેનું પોલીસ-એન્કાઉન્ટરમાં મૃત્યુ થવાની ઘટનાની તપાસ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે એક સભ્યનું કમિશન બનાવ્યું છે. મહારાષ્ટ્રના ગૃહ વિભાગે જાહેર કર્યું છે કે આ એન્કાઉન્ટરની તપાસ અલાહાબાદ હાઈ કોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ દિલીપ ભોસલે કરશે. તેઓ ત્રણ મહિનામાં આ સંબંધી રિપોર્ટ રજૂ કરશે. બદલાપુરની સ્કૂલની સાડાત્રણ વર્ષની બે બાળકીનું શારીરિક શોષણ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા અક્ષય શિંદેનું ૨૩ સપ્ટેમ્બરે પોલીસે કરેલા ફાયરિંગમાં મૃત્યુ થયું હતું. વિરોધી પક્ષોએ આ એન્કાઉન્ટરને બોગસ ગણાવ્યું છે અને એની તપાસ કરવાની માગણી કરી છે. આ સિવાય બૉમ્બે હાઈ કોર્ટે પણ પોલીસે અક્ષય શિંદેના માથામાં ગોળી મારવા સામે સવાલ કર્યો હતો એટલે મહારાષ્ટ્ર સરકારે એક સભ્યનું કમિશન બનાવીને તપાસ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.