અહીંના ખાડાવાળા રસ્તા, કચરાના ઢગલા અને બિસમાર ગટરોની ફરિયાદ થયા પછી મહારાષ્ટ્ર સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશને પાલિકાને નોટિસ મોકલીને કહ્યું કે તમારા પર ૧૬૬એ હેઠળ કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?
ભિવંડીના રસ્તાઓ
ભારતના મૅન્ચેસ્ટર સમાન ભિવંડીના રસ્તાઓની છેલ્લાં પાંચ વર્ષથી હાલત સાવ જ કથળી ગઈ છે. આ બાબતમાં ભારત મર્ચન્ટ્સ ચેમ્બરે ચાર વર્ષમાં ૧૦૦થી વધારે વાર સંબંધિત વિભાગો અને ભિવંડીના પાલક પ્રધાનને એને ફરીથી રોનકદાર બનાવવા માટે રસ્તાઓનું નૂતનીકરણ કરવાની માગણી કરી હોવા છતાં પ્રશાસન ભિવંડીમાંથી રોડનું નતૂનીકરણ કરવા જેટલી રેવન્યુની આવક આવતી નથી એમ કહીને રસ્તાઓના નૂતનીકરણને ટાળી રહ્યું છે. એને કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વેપારીઓમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ દરમિયાન સોસાયટી ફૉર પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ ઍનિમલ્સ - મહારાષ્ટ્રના સદસ્ય, બિઝનેસમૅન અને સ્થાનિક સામાજિક કાર્યકર અશોક જૈને આ મુદ્દે મહારાષ્ટ્ર સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનમાં પણ ફરિયાદ કરી હતી. એની સામે મહારાષ્ટ્ર સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનના જસ્ટિસ કે. કે. તાતેડે ભિવંડી-નિઝામપુર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર અજય વૈદ્યને નોટિસ મોકલીને ૧૪ ડિસેમ્બરે સવારે ૧૧ વાગ્યે કોર્ટમાં હાજર થવા કહ્યું છે. આ પહેલાં પણ અનેક વાર મહારાષ્ટ્ર સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન મહારાષ્ટ્ર રાજ્યના ચીફ સેક્રેટરી અને ભિવંડી-નિઝામપુર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશનને યોગ્ય કાર્યવાહી કરવાનો અનુરોધ કરી ચૂક્યું છે. આ વખતે માનવાધિકાર આયોગે કૉર્પોરેશન પાસે સ્પષ્ટતા માગતાં કહ્યું છે કે કૉર્પોરેશન પર આઇપીસી ધારા ૧૬૬એ અંતર્ગત કાર્યવાહી કેમ કરવામાં ન આવે? આ નોટિસથી ભિવંડી મહાનગરપાલિકાના અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે.
આ બાબતની માહિતી આપતાં ભિવંડીના સામાજિક કાર્યકર અશોક જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભિવંડી-નિઝામપુર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં અમર્યાદિત ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે. એને પરિણામે ભિવંડી શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ઠેર-ઠેર ખાડાવાળા રોડ અને કચરાના ઢગલાઓ જોવા મળે છે. એટલું જ નહીં, ગેરકાયદે બાંધકામોનો પણ રાફડો ફાટ્યો છે. આમ છતાં ભિવંડી-નિઝામપુર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર અને સંબંધિત વિભાગોના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવને કારણે ભિવંડી જેવી ઐતિહાસિક સિટી અને એશિયાના પાવરલૂમ મૅન્ચેસ્ટરનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. આથી ભિવંડીનો પાવરલૂમ બિઝનેસ અન્ય રાજ્યો અને શહેરોમાં સ્થળાંતર થઈ રહ્યો છે. બિસમાર અને કથળેલા રસ્તાઓ અને ગટરોને કારણે અહીંના રહેવાસીઓ નરકની જિંદગી જીવી રહ્યા છે એમ કહેવું સહેજ પણ અતિશયોક્તિભર્યું નથી. આમ છતાં કૉર્પોરેશનના અધિકારીઓની ઊંઘ ઊડતી નથી.’
ADVERTISEMENT
બિસમાર અને કથળેલા રસ્તાઓને કારણે ભિવંડી અને આસપાસના વિસ્તારોમાં રોડ-અકસ્માતના બનાવોમાં વૃદ્ધિ થઈ છે એમ જણાવીને અશોક જૈને કહ્યું હતું કે ‘ખાડાવાળા રસ્તા રોડ-અકસ્માતની સાથે બીમારીને પણ નોતરે છે. એને કારણે અનેક લોકોનાં મોત થયાં છે. જોકે કૉર્પોરેશન ફન્ડનો અભાવ બતાવીને એના હાથ ઊંચા કરી દે છે, જ્યારે એને રાજ્ય સરકાર તરફથી પણ કરોડો રૂપિયાનું ફન્ડ મળે છે. આમ છતાં તેમણે રોડ અને ગટરોનું નૂતનીકરણ કરવામાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં ઠાગાઠૈયા કરવા છે.’
આજે ભિવંડીમાં એક પણ સારી હૉસ્પિટલ કે મનોરંજન પાર્ક નથી એમ જણાવીને અશોક જૈને કહ્યું હતું કે ‘અહીં ભ્રષ્ટાચાર એટલો બધો વ્યાપક છે કે લોકોની સુવિધા માટે ખાલી પડેલાં મેદાનો, જગ્યાઓ, મનોરંજન માટેની જગ્યાઓ બધે જ મહાનગરપાલિકાના અધિકારીઓની સાઠગાંઠને પરિણામે અસામાજિક તત્ત્વો કબજો કરીને બેસી ગયાં છે. એના પર ગેરકાયદે બાંધકામો ઊભાં થઈ ગયાં છે. આવી તો અનેક ફરિયાદો હોવા છતાં મહાનગરપાલિકા અમારી ફરિયાદો સામે આંખ આડા કાન કરતી હોવાથી આખા મામલાને મહારાષ્ટ્ર સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનની કોર્ટમાં લઈ જવામાં આવ્યા બાદ કમિશને આ બધા જ વિભાગોને નોટિસ મોકલીને કાર્યવાહી કરવા તાકીદ કરી છે.’
ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં થતા વિલંબને કારણે આજે પાવરલૂમોની હાલત પણ કફોડી થતી જાય છે એમ જણાવીને ૧૧૦૦થી વધુ મેમ્બરોના સંગઠન ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના અધ્યક્ષ રાજીવ સિંઘલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભિવંડીમાં પંદર લાખ પાવરલૂમ્સ અને કપડાંની ફૅક્ટરીઓ છે જેઓ એક કરોડથી વધુ લોકોને રોજગાર પૂરો પાડે છે. ખેતીવાડી પછી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રોજગાર પૂરો પાડવામાં બીજા નંબરે આવે છે અને દેશમાં સૌથી મોટું વિદેશી હૂંડિયામણ રળી આપતી ઇન્ડસ્ટ્રી છે. ટેક્સટાઇલ ભારતના ધ મિનિસ્ટ્રી ઑફ માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ અને ઇન્ડસ્ટ્રિયલનું બૅકબોન છે. આપણા દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ (જીડીપી)માં ટેક્સટાઇલનું બહુ મોટું યોગદાન રહ્યું છે. મુંબઈ, ભિવંડી અને માલેગાંવ ટેક્સટાઇલનાં મેઇન હબ રહ્યાં છે. આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જૂના હાઇવે સામે નવા હાઇવેનું બાંધકામ કરાવીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા માટે પૂરા પ્રયાસો કરી રહ્યા છે. આવા જ પ્રયાસો ભિવંડી-નિઝામપુર સિટી મહાનગરપાલિકાએ એના ઇન્ટરનલ રોડના નૂતનીકરણ માટે કરવાની ખૂબ જ જરૂર છે. વર્ષોથી બિસમાર અને ખાડાવાળા રોડને કારણે ભિવંડી પાવરલૂમની રાજધાનીમાંથી ખાડાઓના આશ્રયસ્થાનમાં પરિવર્તિત થઈ રહ્યું છે.’
છેલ્લાં પાંચ વર્ષમાં ભિવંડીની અંદરના રસ્તાઓની હાલત દિનપ્રતિદિન કથળી રહી છે એમ જણાવતાં ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના સેક્રેટરી અજયકુમાર સિંઘાણિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભિવંડીના રસ્તાઓની કથળી રહેલી હાલતને કારણે એની રોનક ઝાંખી પડી રહી છે. એક લાખ પાવરલૂમ્સ ધરાવતા ભિવંડીને ફરીથી ભારતનું મૅન્ચેસ્ટર બનાવવા માટે આ શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા પર ગંભીર રીતે વિચારણા કરવાની અને એના પર અમલીકરણ કરવાની જરૂર છે. ભિવંડીના રસ્તાઓનું નૂતનીકરણ થવાથી ભિવંડીની જૂની ઐતિહાસિક યાદો પુનઃજીવિત થશે. સાથે દેશવિદેશના ટેક્સટાઇલના ખરીદદારો ભિવંડીની ઇન્ડસ્ટ્રીની મુલાકાત યાદગાર બનાવીને જશે. જોકે દુઃખની વાત એ છે કે અમે અનેક વાર ભિવંડીના પાલક પ્રધાન અને ભિવંડી-નિઝામપુર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઍડ્મિનિસ્ટ્રેટર અને કમિશનર લેખિતમાં વારંવાર ફરિયાદ કરવા અને તેમની સાથે મીટિંગ કરવા છતાં આજ સુધી રસ્તાઓના નૂતનીકરણ માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. એને બદલે અધિકારીઓ કહે છે કે ભિવંડીમાંથી રેવન્યુની કોઈ આવક ન હોવાથી અમે રસ્તાનું નૂતનીકરણ કરવા માટે અસમર્થ છીએ. એને કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વેપારીઓમાં નારાજગી પ્રવર્તી રહી છે.’
મહાપાલિકાએ ગણેશોત્સવ દરમિયાન દોઢ કરોડથી વધુ રૂપિયા ખર્ચ કરીને રસ્તાઓના ખાડા પૂર્યા હતા એમ જણાવતાં અશોક જૈને કહ્યું હતું કે ‘જોકે ફરીથી વરસાદ પડતાં રસ્તા પર ફરીથી ખાડા પડી જતાં જનતાના ટૅક્સના પૈસા પાણીમાં ડૂબી ગયા હતા અને રોડ ફરીથી ખાડાવાળા અને જોખમી બની ગયા હતા. જનતાને અને વેપારીઓને આશા હતી કે મહાનગરપાલિકા ફરી ખાડા પૂરીને રોડનું નૂતનીકરણ કરશે, પણ એ આશા નિરાશામાં ફેરવાઈ ગઈ હતી. ખાડાને કારણે ટ્રાફિક-જૅમની સમસ્યા પણ વકરી છે.’
કમિશનર શું કહે છે?
ખાડાવાળા રસ્તાઓમાંથી ભિવંડીને મુક્ત કરવાનો એક જ માર્ગ છે અને તે એ કે ભિવંડીના બધા જ રસ્તાઓને સિમેન્ટ-કૉન્ક્રીટના બનાવવામાં આવે, પણ કૉર્પોરેશન પાસે એના માટે જરૂરી ફન્ડ નથી એમ જણાવીને ભિવંડી-નિઝામપુર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઍડ્મિનિસ્ટ્રેટર અને કમિશનર અજય વૈદ્યએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ગણેશોત્સવ અને નવરાત્રોત્સવ પહેલાં જ લાખો રૂપિયા રસ્તાના ખાડા પૂરવામાં વેડફી નાખ્યા છે. ખાડા પૂર્યા પછી વરસાદ આવવાથી ખાડા ફરીથી ખૂલી જાય છે. આના માટે અમારી પાસે એક જ રસ્તો છે કે ભિવંડીના બધા જ રસ્તાઓને સિમેન્ટ-કૉન્ક્રીટના બનાવવામાં આવે. અત્યારે સંબંધિત વિભાગો એમની પાસે જેટલું ફન્ડ છે એમાંથી રસ્તાઓનું નૂતનીકરણ કરી રહ્યા છે. આ સિવાય જ્યાં સુધી રિંગ રોડનું બાંધકામ પૂરું નહીં થાય ત્યાં સુધી સિટીના ઇન્ટરનલ રોડ પર વાહનવ્યવહારનું હેવી લોડિંગ છે. એને કારણે પણ રસ્તાઓ રિપેર કર્યા પછી ફરીથી ખાડાવાળા બની જાય છે.’
અજય વૈદ્યએ વધુમાં કહ્યું હતું કે ‘ભિવંડી કૉર્પોરેશન સામે રહેવાસીઓ અને વેપારીઓએ ફરિયાદ કરવી છે, પણ સમયસર ટૅક્સ ભરવાની તૈયારી કોઈની નથી. અહીંના લોકો અને વેપારીઓ સમયસર પ્રૉપર્ટી-ટૅક્સ, વૉટર-ટૅક્સ ભરતા જ નથી. તેમને અનેક વાર નોટિસ આપ્યા પછી પણ તેઓ આ મુદ્દે ગંભીર થતા જ નથી. અભય યોજના જાહેર કરવા છતાં ૧૦ ટકા જ કલેક્શન આવે છે. આમ છતાં આ વખતે અમને સારો રિસ્પૉન્સ મળ્યો હતો. અમે પંદર જ દિવસમાં બાર કરોડ રૂપિયા જમા કર્યા હતા, જે ખરેખર સંતોષજનક ન હોવાથી હવે અમે જે લોકો હવે પ્રૉપર્ટી-ટૅક્સ ભરવામાં નિષ્ફળ ગયા છે તેમની પ્રૉપર્ટી જપ્ત કરવાની શરૂઆત કરી છે. અમને અને ગ્રામીણ વિભાગને તેમ જ અન્ય વિભાગોને મહારાષ્ટ્ર સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનમાંથી નોટિસની સામે અમે જે કામ કર્યાં છે એના ફોટો સાથે જવાબ મોકલી દીધા છે. આમ છતાં અમે લોકોની ફરિયાદ દૂર કરવા કટિબદ્ધ છીએ. અમારા રસ્તા અને રોડનાં ડેવલપમેન્ટ શરૂ થઈ ગયાં છે. ગટરો-કચરાની સમસ્યાના નિરાકરણ માટે અમે માર્શલની નિમણૂક કરી દીધી છે.’
આઇપીસી ધારા ૧૬૬એ શું છે?
ભારતીય દંડસંહિતાની કલમ ૧૬૬એ અનુસાર જો કોઈ જાહેર સેવક કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચાડવાના ઇરાદાથી કાયદાના નિર્દેશનો અનાદર કરે તો તે જાહેર સેવકને એક વર્ષની સાદી કેદ અથવા દંડ અથવા બંને સજા કરવામાં આવે છે.