બાબા સિદ્દીકી મર્ડર કેસમાં તપાસ દરમ્યાન નવી માહિતી બહાર આવી છે. બાબા સિદ્દીકી પર હુમલો કરતાં પહેલાં હત્યારાઓએ તેમને આપેલી ગન ચલાવવાની પ્રૅક્ટિસ કરી હતી.
ગુરમેલ સિંહ, ધર્મરાજ કશ્યપ, શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવા
બાબા સિદ્દીકી મર્ડર કેસમાં તપાસ દરમ્યાન નવી માહિતી બહાર આવી છે. બાબા સિદ્દીકી પર હુમલો કરતાં પહેલાં હત્યારાઓએ તેમને આપેલી ગન ચલાવવાની પ્રૅક્ટિસ કરી હતી. કર્જત પાસેના જંગલ વિસ્તારમાં ઝાડ પર ગોળીઓ ફાયર કરીને તેમણે પ્રૅક્ટિસ કરી હોવાનું હવે બહાર આવ્યું છે.
એક પોલીસ-ઑફિસરના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપીઓ ગુરમેલ સિંહ, ધર્મરાજ કશ્યપ અને પોલીસથી નાસતા ફરતા તેમના સાગરીત શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવા સપ્ટેમ્બર મહિનામાં કુર્લાથી ટ્રેન પકડી કર્જત-ખોપોલી લાઇન પર આવેલા લૌજી સ્ટેશન પર ઊતર્યા હતા. ત્યાંથી તેમણે રિક્ષા કરી હતી અને રિક્ષા-ડ્રાઇવરને કહ્યું હતું કે જ્યાં જંગલ, ઝાડી અને લોકોથી દૂર હોય એવી જગ્યાએ અમને લઈ જા, અમે અહીં ફરવા આવ્યા છીએ. એથી રિક્ષા-ડ્રાઇવર તેમને લૌજી સ્ટેશનેથી આઠ કિલોમીટર દૂર આવેલા પલસદરી ગામથી દૂર આવેલા ધોધ પાસેના જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો અને ત્યાં છોડી દીધા હતા. એ પછી તેમણે ત્યાં જંગલમાં એક ઝાડ પર પાંચથી છ ગોળીઓ ચલાવી પ્રૅક્ટિસ કરી હતી. તેમનું માનવું હતું કે ધોધના અવાજમાં તેમણે કરેલા ફાયરિંગનો અવાજ દબાઈ જશે.