એક હત્યારાને બનાવટી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ આપવાનું પ્રૉમિસ આપવામાં આવ્યું હતું
બાબા સિદ્દીકી
બાબા સિદ્દીકીની હત્યાની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચને હવે નવી જાણકારી મળી છે. બાબા સિદ્દીકીની હત્યાનું પ્લાનિંગ જૂન મહિનાના બીજા પખવાડિયામાં જ કરી દેવાયું હતું એમ તપાસ દરમ્યાન જણાઈ આવ્યું છે. આ ઉપરાંત ત્રણ શૂટરોમાંના એક ગુરમેલ સિંહને આ ષડ્યંત્રના માસ્ટરમાઇન્ડે એવું પ્રૉમિસ આપ્યું હતું કે તેને બનાવટી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવી અપાશે અને એથી તે વિદેશ નાસી જઈ શકશે. એ સિવાય તેને આ હત્યા માટે ૫૦,૦૦૦ રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા હતા.
ગુરમેલ સિંહ સામે ૨૦૧૯માં હત્યાનો ગુનો નોંધાયો હતો. તેને ડર હતો કે એ કેસમાં તેને દોષી ઠેરવવામાં આવી શકે છે એટલે તે વિદેશ નાસી જવા માગતો હતો. બાબા સિદ્દીકી હત્યાકેસના માસ્ટરમાઇન્ડે એથી તેને બનાવટી દસ્તાવેજો પર પાસપોર્ટ બનાવી આપશે એમ કહ્યું હતું.
ADVERTISEMENT
દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચે હવે આ કેસમાં ઝીશાનનું ઑફિશ્યલ સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરવાનું ચાલુ કર્યું છે. ક્રૉફર્ડ માર્કેટ પાસે આવેલી પોલીસ કમિશનરેટની ઑફિસમાં સ્ટેટમેન્ટ નોંધવામાં આવી રહ્યું છે. એમાં તેણે સ્લમ રીહૅબિલિટેશન ઓથૉરિટી (SRA)ના એક પ્રોજેક્ટને લઈને બાબા સિદ્દીકીની હત્યા થઈ હોઈ શકે એવું જણાવ્યું હોવાનું એક ઑફિસરે કહ્યું છે.
બાબા સિદ્દીકી હત્યાકાંડમાં વપરાયેલી ગન ડ્રોન દ્વારા પાકિસ્તાને ઇન્ડિયા મોકલેલી?
બાબા સિદ્દીકી મર્ડરકેસની તપાસમાં હવે એવું જાણવા મળ્યું છે કે તેમની હત્યા કરવા ત્રણ નહીં પણ કુલ ચાર ગન મગાવાઈ હતી અને એમાં ચોથી ગન ઑસ્ટ્રેલિયાની બ્રેટા કંપનીની હતી. એથી ક્રાઇમ બ્રાન્ચે એની માહિતી મેળવવા રાજસ્થાન પોલીસને બ્રેટા ગનના ફોટો મોકલ્યા હતા. ત્યારે સામે રાજસ્થાન પોલીસે દાવો કરતાં કહ્યું છે કે આ પ્રકારની ગન પાકિસ્તાન ડ્રોન દ્વારા ભારતમાં મોકલે છે.