કુર્લામાં ૧૪,૦૦૦ રૂપિયાના ભાડે રૂમ લઈને બે મહિનાથી રહેતા હતા
ત્રણ શૂટરોનો જૂહુ બીચ પરનો ફોટો.
બાબા સિદ્દીકીની હત્યા કરનારા ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. એમાં ૨૩ વર્ષનો ગુરમેલ સિંહ બલજીત સિંહ મૂળ હરિયાણાનો છે, જ્યારે ૧૯ વર્ષનો ધર્મરાજ કશ્યપ ઉત્તર પ્રદેશનો છે. તેમના ત્રીજા સાગરીત શિવાનંદ કુમારની શોધ ચાલુ છે. ચોથો આરોપી મોહમ્મદ ઝીશાનને પણ પોલીસ શોધી રહી છે, જેણે આ ત્રણેયને મદદ કરી હોવાનું કહેવાય છે.
પોલીસે કરેલી તેમની પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવ્યા મુજબ ગુરમેલ સિંહ મૂળ હરિયાણાના નરાર ગામનો છે. તેનાં માતા–પિતા મૃત્યુ પામ્યાં છે. ૨૦૧૯માં થયેલી એક હત્યાના કેસમાં તે પકડાયો હતો અને હરિયાણાની કૈથલમાં આવેલી જેલમાં તે બંધ હતો. કહેવાય છે કે તે ત્યાં જ બિશ્નોઈ ગૅન્ગના સભ્ય સાથે સંપર્કમાં આવ્યો હતો અને જેલમાં જ બાબા સિદ્દીકીની હત્યાનો પ્લાન આંકવામાં આવ્યો હતો. થોડા વખત પહેલાં જ તે જામીન પર છૂટ્યો હતો અને તેની સાથે જેલમાં જ રહેતા આરોપી શિવાનંદને એ પ્લાનમાં સામેલ કરવામાં આવ્યો હતો.
પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ ત્રણેય આરોપીઓ કુર્લામાં બીજી સપ્ટેમ્બરથી એક રૂમ ભાડે રાખીને રહેતા હતા. ગયા મહિને તેઓ જુહુ-ચોપાટી પણ ગયા હતા અને મુંબઈની યાદગીરી રૂપે તેમણે સાથે એક ફોટો પણ પાડ્યો હતો. છેલ્લા થોડા વખતથી તેઓ બાબા સિદ્દીકી પર નજર રાખી રહ્યા હતા. તેમને બાબા સિદ્દીકીની હત્યા કરવા માટે ઘટનાના થોડા દિવસ પહેલાં જ એક આર્મ્સ ડીલર દ્વારા કુરિયર એજન્ટ મારફત ગન સપ્લાય કરવામાં આવી હતી.
ADVERTISEMENT
કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચ હવે તેમને એ ગન કોણે મોકલાવી? ક્યાંથી મોકલાવી? એ રૂમ કોણે ભાડે લઈ આપી? રેકી કરવા માટે કોણ સાથે ગયું હતું? તેમને લૉજિસ્ટિક સપોર્ટ કોણે આપ્યો હતો? એવા સવાલોના જવાબ શોધી રહી છે.
ત્રીજા આરોપી શિવકુમાર ઉર્ફે શિવાને પકડવા પોલીસની ૧૫ ટીમની દોડાદોડી
બાબા સિદ્દીકીની હત્યાના હાઈ પ્રોફાઇલ કેસમાં બે આરોપીઓને તો પોલીસે પકડી લીધા છે પણ ત્રીજા આરોપી શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવાને પકડવા પોલીસની ૧૫ ટીમ આકાશપાતળ એક કરી રહી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, મધ્ય પ્રદેશના ઉજ્જૈન અને અન્ય સ્થળો પર એની શોધ ચલાવાઈ રહી છે.
શિવા બાબા સિદ્દીકીની હત્યા કર્યા બાદ ત્યાંથી નાસી ગયો હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ઝડપી તપાસ કરી એ વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલવિઝિન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસી તે કઈ રીતે ભાગ્યો એ શોધી કાઢ્યું છે. તે બાંદરાથી રિક્ષા પકડીને કુર્લા પહોચ્યો હતો. ત્યાંથી તેણે હાર્બર લાઇનની પનવેલ જતી ટ્રેન પકડી હતી. પોલીસે ત્યાર બાદ પનવેલ જતી ટ્રેનના દરેક સ્ટેશનનાં CCTV ફુટેજ ચેક કર્યાં હતાં અને આખરે તે પનવેલ ઊતર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યાંથી તેણે બહારગામની ટ્રેન પકડી લીધી હોવાની પોલીસને શંકા છે. એથી તેને પકડવા ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્ય પ્રદેશ એમ અલગ-અલગ જગ્યાએ પોલીસ ટીમ મોકલવામાં આવી છે.
શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવા ઉત્તર પ્રદેશના બહરાઇચનો છે. એ જ પ્રમાણે આ કેસમાં પકડાયેલો ધર્મરાજ કશ્યપ પણ બહરાઇચનો છે. શિવાની મમ્મીએ તેને ત્યાં તપાસ કરવા ગયેલી પોલીસને કહ્યું છે કે ‘શિવા પાંચ-છ વર્ષથી પુણેના સ્ક્રૅપયાર્ડમાં કામ કરતો હતો. તે છેલ્લે હોળી પર ઘરે આવ્યો હતો. એ પછી તે ફોન પર પણ બહુ વાત કરતો નહીં. હત્યાની ઘટના વિશે અમને કાંઈ જાણ નથી. તે પુણેમાં હતો એ ખબર હતી પણ એ પછી તે મુંબઈ ક્યારે ગયો, શા માટે ગયો, એની કાંઈ ખબર નથી. તે જ્યારે અમારી સાથે ગામમાં રહેતો હતો ત્યારે ઈંટો ઉપાડવાનું કામ કરતો હતો. એ પછી તેણે કહ્યું હતું કે જો બહારગામ જઈશ તો સારી કમાણી થશે એથી તે પુણે ચાલ્યો ગયો હતો. મારી દીકરી બીમાર હતી ત્યારે તેણે ૩૦૦૦ રૂપિયા મોકલાવ્યા હતા, પણ એ પછી તેણે ક્યારેય પૈસા મોકલાવ્યા નથી.’ પોલીસને તપાસ દરમ્યાન એવું જાણવા મળ્યું હતું કે થોડા વખત પહેલાં શિવાએ જ ધર્મરાજને પુણે સ્ક્રૅપયાર્ડમાં કામ કરવા બોલાવ્યો હતો.
આરોપી ધર્મરાજની ઉંમર વિશે મતમતાંતર, કોર્ટે આધાર કાર્ડ માગ્યું
બાબા સિદ્દીકીની હત્યા કર્યા બાદ હત્યારો શિવકુમાર ત્યાંથી નાસી ગયો હતો, પણ બાબા સિદ્દીકીના સિક્યૉરિટી સ્ટાફે ગુરમેલ સિંહ અને ધર્મરાજને ઝડપી લીધા હતા અને પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે બન્ને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી અને શનિવારે રાતે તેમને એન. એમ. જોશી માર્ગ પોલીસ-સ્ટેશનના લૉકઅપમાં રાખ્યા હતા. ગઈ કાલે સવારે કસ્ટડી મેળવવા હૉલિડે કોર્ટ, એસ્પ્લેનેડ કોર્ટ (કિલ્લા કોર્ટ)માં તેમને હાજર કર્યા હતા.
કોર્ટે ગુરમેલ સિંહને ૨૧ ઑક્ટોબર સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી, જ્યારે ધર્મરાજ કશ્યપના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તે સગીર વયનો (૧૭ વર્ષનો) હોવાથી તેની સામે એ મુજબ કાર્યવાહી કરવામાં આવે. એથી કોર્ટે ધર્મરાજ કશ્યપનું આધાર કાર્ડ રજૂ કરવા કહ્યું હતું અને સાથે તેની પર્ફેક્ટ ઉંમર જાણવા બોન ઓસિફિકેશનની ટેસ્ટ કરાવવા કહ્યું છે.
અમે તો તેને ૧૧ વર્ષ પહેલાં જ ઘરમાંથી બેદખલ કરી દીધો છે
હરિયાણાના કૈથલ નજીકના નાનર ગામના ગુરમેલ સિંહનાં ૬૦ વર્ષનાં દાદી ફુલી દેવીએ કહ્યું હતું કે ‘તેની વર્તણૂક બરાબર ન હોવાથી પરિવારે તેને ૧૧ વર્ષ પહેલાં જ ઘરમાંથી બેદખલ કરી દીધો હતો. આમ તો તે મારો પૌત્ર છે, પણ હવે તે અમારો કોઈ નથી લાગતો. હવે કોઈ તેને મારે કે છોડે, અમારે એની સાથે કંઈ પણ લાગેવળગે નહીં. છેલ્લા ચાર-પાંચ મહિનાથી તેનો કોઈ અતોપતો નથી, ત્યારથી ન તો તેનો કોઈ ફોન આવ્યો છે કે ન તે ઘરે આવ્યો છે.’
બાબા સિદ્દીકીની હત્યાની અઢીથી ત્રણ લાખ રૂપિયાની સુપારી આરોપીઓને આપવામાં આવી હતી, જેમાં દરેકને ૫૦,૦૦૦ એટલે બે લાખ અને ઉપરના પૈસા તેમને અન્ય ખર્ચ માટે આપવામાં આવ્યા હોવાનું પોલીસ-સૂત્રોએ જણાવ્યું હતું.