Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાબા સિદ્દીકી પર ફાયરિંગ કરીને ભાગેલો શિવા થોડી વાર પછી ક્યાં પહોંચેલો?

બાબા સિદ્દીકી પર ફાયરિંગ કરીને ભાગેલો શિવા થોડી વાર પછી ક્યાં પહોંચેલો?

Published : 15 November, 2024 11:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાબા સિદ્દીકી પર ફાયરિંગ કરીને ભાગેલો શિવા થોડી વાર પછી શર્ટ બદલીને ઘટનાસ્થળે અને ત્યાર બાદ લીલાવતી હૉસ્પિટલ પહોંચેલો, મિશન સફળ થઈ ગયું છે એની ખાતરી થયા પછી ત્યાંથી સરકી ગયેલો

બાબા સિદ્દીકી અને તેમની હત્યા કરનાર શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવા

બાબા સિદ્દીકી અને તેમની હત્યા કરનાર શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવા


બાબા સિદ્દીકીની હત્યા કરનાર શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવાની પૂછપરછમાં ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. શિવાએ કહ્યું કે ફાયરિંગ કર્યા બાદ તે ગિરદીમાં ભળીને ભાગી ગયો હતો અને એ પછી તેણે શર્ટ બદલી નાખ્યું હતું. તેણે એ શર્ટ અને ગન ત્યાં ભંગારમાં પડેલી એક કારમાં નાખી દીધાં હતાં. એ પછી તે ફરી જ્યાં બાબા સિદ્દીકી પર ફાયરિંગ કર્યું હતું  ત્યાં ગયો હતો, પણ એ વખતે ત્યાં પોલીસ હતી. એ પછી તે લીલાવતી હૉસ્પિટલ ગયો હતો અને બાબા સિદ્દીકીના સમર્થકો સાથે ત્યાં જ ઊભો રહ્યો હતો. અડધા-પોણા કલાક બાદ જ્યારે એવા ન્યુઝ આવ્યા કે બાબા સિદ્દીકી મૃત્યુ પામ્યા છે ત્યાર બાદ તે ત્યાંથી સરકી ગયો હતો.


સાત દિવસ પુણેમાં રહ્યો



ત્યાર બાદ શિવા રિક્ષા પકડીને કુર્લા ગયો હતો. ત્યાંથી થાણે જઈને પુણે પહોંચ્યો હતો. તે પુણેમાં ૭ દિવસ રહ્યો એ પછી તે ઉત્તર પ્રેદશના બહરાઇચ જવા ટ્રેન પકડીને ઉત્તર પ્રદેશ ગયો હતો. તેણે તેનો મોબાઇલ પુણેમાં હતો ત્યારે જ ડિસ્પોઝ કરી નાખ્યો હતો. તેણે નવો મોબાઇલ લખનઉથી ખરીદ્યો હતો.’


ફોન કરવાની ભૂલ ભારે પડી

મૂળ પ્લાન મુજબ શિવા અને તેના સાગરીતો ધર્મરાજ કશ્યપ અને ગુરમૈલ સિંહ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મળવાના હતા અને ત્યાં તેમને બિશ્નોઈ ગૅન્ગનો માણસ મળવાનો હતો જે તેમને વૈષ્ણોદેવી લઈ જવાનો હતો. જોકે હત્યાના દિવસે જ ગુરમૈલ અને ધર્મરાજ પકડાઈ ગયા હતા એથી શિવાએ પ્લાન બદલાવવો પડ્યો. તેણે તેના એક મિત્ર આકાશ શ્રીવાસ્તવના ભાઈને ફોન કરીને મદદ માગી અને તેની એ જ ભૂલે તેને પકડાવી દેવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ બાજુ પોલીસે ગુરમૈલ અને ધર્મરાજની પૂછપરછમાં શિવાની વિગતો કઢાવી લીધી હતી અને તેના નંબર પરનો કૉલ ડિટેઇલ રેકૉર્ડ કઢાવીને એમાંથી કરવામાં આવેલા ફોન-નંબર પર વૉચ ગોઠવી હતી. શિવાએ જેની પાસે મદદ માગી એ તેના મિત્ર આકાશ શ્રીવાસ્તવ અને બીજા ત્રણ મિત્રો અનુરાગ કશ્યપ, જ્ઞાનપ્રકાશ ​ત્રિપાઠી અને અખિલેન્દ્ર પ્રતાપ સિંહની મદદ લઈને તે નેપાલ નાસી જવાનો હતો. આ ચોકડીએ તેને માટે બીજાં કપડાં અને તેને ત્યાંથી નાસી જવા માટે અન્ય સપોર્ટ પૂરો પાડ્યો હતો. જોકે તેની શોધખોળ કરી રહેલી પોલીસને આકાશ શ્રીવાસ્તાવના નંબર પરથી મોડી રાતે થતા ફોન પર શંકા જતાં સર્વેલન્સ પર મૂકી ખાતરી કરી કે શિવાને ભગાવવાની તૈયારી ચાલી રહી છે.


નેપાલ જાય એ પહેલાં જ અટક

પાકી માહિતી મળ્યા બાદ ઝડપી ઍક્શન લઈ મુંબઈ પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી ગઈ હતી અને શિવાને નેપાલ બૉર્ડરની નજીકના નાનપુરા ગામમાંથી ઝડપી લીધો હતો. ૧૦-૧૫ ઘરના નાના એવા વિસ્તારમાં તે સેફ હાઉસમાં રહેતો હતો એ પછી તેના મિત્રોને પણ ઝડપી લેવાયા હતા. એવું જાણવા મળ્યું હતું કે જો બે-ચાર કલાક પણ મુંબઈ પોલીસ મોડી પહોંચી હોત તો શિવા નેપાલ સરકી ગયો હોત.

 

Whatsapp-channel Whatsapp-channel

15 November, 2024 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK