હરિયાણાથી ૨૯ વર્ષના અમિત કુમારની ધરપકડ : આ કેસમાં અત્યાર સુધીમાં ૧૧ આરોપીઓની થઈ અરેસ્ટ
બાબા સિદ્દીકી
બાબા સિદ્દીકીની હત્યાના કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે સાંજે વધુ એક આરોપી હરિયાણાના કૈથલ જિલ્લાના રહેવાસી ૨૯ વર્ષના અમિત હિસમસિંહ કુમારની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૧૧ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં બે શૂટર્સ હરિયાણાના રહેવાસી ગુરમેલ સિંહ અને ઉત્તર પ્રદેશના રહેવાસી ધર્મરાજ કશ્યપનો પણ સમાવેશ છે, જ્યારે બીજા આરોપીઓની પોલીસ તપાસ કરી રહી છે.
બાબા સિદ્દીકીની હત્યા બાદ તેમની હત્યા પાછળનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી. બાબા સિદ્દીકીની હત્યા શા માટે કરવામાં આવી એની ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે, પરંતુ હજી સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે આ હત્યાની જવાબદારી લીધી હતી, પરંતુ હજી પણ પોલીસે અલગ-અલગ ઍન્ગલથી એની તપાસ ચાલુ રાખી છે. આ હત્યા પાછળ કોણ છે અને અસલી સૂત્રધાર કોણ છે એની શોધ ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે મંગળવારે સાંજે અમિતને પકડી લીધો હતો અને ગઈ કાલે સવારે તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો. કોર્ટે તેને ચોથી નવેમ્બર સુધી પોલીસકસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે અમિતના અન્ય આરોપીઓ સાથેના કેટલાક શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત કસ્ટડીમાં રહેલો એક શૂટર ગુરમેલ સિંહ અને માસ્ટરમાઇન્ડ મોહમ્મદ ઝીશાન અખ્તર વચ્ચે અમિત મહત્ત્વની કડી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.