ઑટો અને ટૅક્સીના મિનિમમ ભાડામાં ૩ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેને મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા ઘણા સમયથી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં ઑટો અને ટૅક્સીનાં ભાડાંમાં વધારો કરવાની માગણી આખરે મંજૂર કરવામાં આવી છે. આ બાબતે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ટ્રાન્સપોર્ટ ઑથોરિટી (MMRTA)ની ગુરુવારે બેઠક મળી હતી, જેમાં ઑટો અને ટૅક્સીના મિનિમમ ભાડામાં ૩ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેને મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યો હતો. ગઈ કાલે એની પરવાનગી મળી જતાં હવે આ ભાડાવધારો ૧ ફેબ્રુઆરીથી અમલમાં મૂકવામાં આવશે. ૧ ફેબ્રુઆરીથી અત્યારના ઑટોના દોઢ કિલોમીટર સુધીના અંતર માટે મિનિમમ ૨૩ રૂપિયાને બદલે ૨૬ રૂપિયા, કાળી-પીળી ટૅક્સીના ૨૮ રૂપિયાથી ૩૧ રૂપિયા કરવામાં આવ્યા છે. બ્લુ અને સિલ્વર ઍર-કન્ડિશન્ડ કૂલ કૅબના અત્યારના મિનિમમ ૪૦ રૂપિયાના ભાડામાં ૮ રૂપિયાના વધારા સાથે ૪૮ રૂપિયા કરવામાં આવ્યા છે. ઑટો, ટૅક્સી અને કૂલ કૅબના મીટરમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ નવા દર પ્રમાણે ભાડું લઈ શકાશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના પરિવહન વિભાગે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસનાં ભાડાંમાં પણ ૧૪.૯૫ ટકાનો વધારો કર્યો છે, જે આજથી અમલમાં આવશે.