ઔરંગઝેબ પર એટલો પ્રેમ હોય તો તેમની પાસે મોકલી દેવાની ટિપ્પણી બીજેપીના વિધાનસભ્યએ કરતાં સમાજવાદી પક્ષના વિધાનસભ્ય ભડક્યા
ફાઇલ તસવીર
ઔરંગઝેબના મુદ્દે ગઈ કાલે રાજ્યની વિધાનસભામાં જોરદાર હંગામો થયો હતો. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા બાબતે બીજેપીના વિધાનસભ્ય નીતેશ રાણેએ સમાજવાદી પક્ષના વિધાનસભ્ય અબુ આઝમીને નિશાના પર લીધા હતા. તેમણે કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજના એક નંબરના દુશ્મન ઔરંગઝેબનો ફોટો સ્ટેટસમાં રાખવામાં આવી રહ્યો છે. તેમના પર એટલો પ્રેમ હોય તો તેમને ઔરંગઝેબ પાસે મોકલી દેવા જોઈએ.’
નીતેશ રાણેએ વિધાનસભામાં કહ્યું હતું કે ‘ધર્મવીર સંભાજી રાજેના વિરોધમાં કાવતરું ઘડનારા ઔરંગઝેબનું સ્ટેટસ રાખીને વાતાવરણ બગાડવામાં આવી રહ્યું છે. પોલીસે આ સંદર્ભે કાર્યવાહી કરી છે. વંદે માતરમ્ બોલતા નથી, પણ જ્યારે સરઘસ કાઢવામાં આવે છે ત્યારે ઔરંગઝેબ મારો બાપ છે એમ કહેનારા કેટલાક લોકો છે. આ ગદ્દાર લોકો છે. આ લોકો સ્પષ્ટ કહે છે કે ઔરંગઝેબ અમારો બાપ છે. રાજ્યના અનેક જિલ્લામાં આવું ચાલી રહ્યું છે. આ લોકોને વંદે માતરમ્ બોલવું નથી. રાજ્યના જિલ્લામાં સર તન સે જુદા એવી જાહેરાત કરવામાં આવે છે. તેમણે રાજ્યનું વાતાવરણ ખરાબ કરવું છે. આવા લોકોને શિવરાયના મહારાષ્ટ્રમાં રહેવાનો અધિકાર નથી. આવા લોકોએ પાકિસ્તાન જતું રહેવું જોઈએ. ગૃહપ્રધાનને વિનંતી છે કે તેઓ આ મામલે તપાસ કરે.’
નીતેશ રાણેના સવાલના જવાબમાં ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જવાબ આપ્યો હતો કે ‘આ દેશમાં ઔરંગઝેબ કોઈનો નેતા ન બની શકે. ઔરંગઝેબ મુસલમાન લોકોનો નેતા પણ ન થઈ શકે. તેણે આ દેશ પર આક્રમણ કર્યું હતું. આપણા દેશના મુસલમાનો આ દેશમાં જન્મેલા છે. ભારતના મુસલમાનો ઔરંગઝેબના વંશજ નથી. તે હીરો ન બની શકે. હીરો માત્ર શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ અને એપીજે અબ્દુલ કલામ જ બની શકે. આ મામલે એસઆઇટી નીમવામાં આવી છે અને કેટલાક મામલામાં એટીએસ તપાસ કરી રહી છે તો કેટલીક તપાસ આરબી કરે છે.’
ADVERTISEMENT
સમાજવાદી પક્ષના વિધાનસભ્ય અબુ આઝમીએ કહ્યું હતું કે ‘કેટલાક મુસ્લિમ યુવાનો ઔરંગઝેબનું સ્ટેટસ રાખે છે. તેમની સામે પોલીસ ગુનો દાખલ કરે છે, પણ બાદમાં ડૉ. પ્રકાશ આંબેડકર ઔરંગઝેબની કબર પર ગઈને માથું ટેકવે છે તેમની સામે કેમ કોઈ ફરિયાદ નથી નોંધાતી? તમારામાં હિંમત હોય તો મારી સામે ગુનો નોંધીને બતાવો. એક દેશમાં બે કાયદા ચાલી ન શકે.’
એના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ઔરંગઝેબની કબર પર માથુ નમાવવું એ કોઈ ગુનો નથી. તેનું સ્ટેટસ રાખવું એ ગુનો બને છે એટલે પોલીસે કાર્યવાહી કરી છે.’
ભિડે બોગસ માણસ, તેમની ડિગ્રી શું? : પૃથ્વીરાજ ચવાણ
સંભાજી ભિડેએ અમરાવતીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાબતે વાંધાજનક નિવેદન આપ્યા બાદ તેઓ વિરોધીઓના નિશાના પર આવી ગયા છે. કૉન્ગ્રેસે તેમના નિવેદનને વખોડતું આંદોલન છેડ્યું છે અને તેમની તાત્કાલિક ધરપડ કરવાની માગણી કરી છે. ભિડે બોગસ માણસ છે, તેમની ડિગ્રી શું છે? તેમણે ક્યાં શિક્ષણ લીધું? તેઓ ક્યાં શિક્ષક હતા? આ માણસ સોનું એકત્રિત કરી રહ્યો છે. કાયદા પ્રમાણે કોઈ પણ સંસ્થાએ દાન મેળવવું હોય તો કલેક્ટર પાસે સંસ્થાની નોંધણી કરવી જરૂરી છે અને મેળવેલા દાનનો હિસાબ આપવો પડે છે. આ માણસે કેટલું સોનું એકત્રિત કર્યું છે? એક ગ્રામ સોનું તે દરેક વ્યક્તિ પાસેથી લઈ રહ્યો છે. તે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે એવો આરોપ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવાણે ગઈ કાલે વિધાનસભામાં કર્યો હતો.
સંભાજી ભિડે ગુરુજી જ, પણ તમારું નામ પૃથ્વીરાજ બાબા કેમ?
કૉન્ગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવાણે ગઈ કાલે વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસે સંભાજી ભિડેને ગુરુજી કહ્યા એની સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ફડણવીસે કહ્યું હતું કે ભિડે અમને ગુરુજી લાગે છે, તમને શું વાંધો છે? આ સાંભળીને તમતમી ગયેલા પૃથ્વીરાજ ચવાણે તાત્કાલિક ધોરણે સંભાજી ભિડેની ધરપકડ કરવાની માગણી સરકારને કરી હતી. એ પહેલાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે સંભાજી ભિડેને જ્યાંથી મળે ત્યાંથી ઊંચકી લાવવાનું કહ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસે પૃથ્વીરાજ ચવાણને જવાબ આપતાં કહ્યું હતું કે ‘તેમના નામમાં જ ગુરુજી છે. હવે તેમનું નામ પૃથ્વીરાજ બાબા છે. તો તેઓ નામથી બાબા કેવી રીતે બની ગયા? એનો પુરાવો માગું? આવો પુરાવો માગી શકાય કે? તેમનું નામ જ ભિડે ગુરુજી છે. સંભાજી ભિડેને કોઈ પણ પ્રકારનું પોલીસ-સંરક્ષણ નથી આપવામાં આવ્યું.’