૫૪ વર્ષના અતુલ લિમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જૉઇન્ટ જનરલ સેક્રેટરી છે અને તેમનું માઇક્રોપ્લાનિંગ મહત્ત્વનું ઠર્યું છે
અતુલ લિમયે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રણિત નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ને બમ્પર જીત મળી છે, પણ આ ભવ્ય જીત પાછળ એક નામ હવે ચર્ચામાં આવી રહ્યું છે અને એ નામ છે ૫૪ વર્ષના અતુલ લિમયેનું. તેમને આ વિજયના શિલ્પકાર, સૂત્રધાર અને કુશળ રણનીતિકાર માનવામાં આવે છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના જૉઇન્ટ જનરલ સેક્રેટરી છે અને તેમને મહારાષ્ટ્રની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી હતી.
અતુલ લિમયે અને તેમની ટીમે રાત-દિવસ જોયા વિના સતત કામ કર્યું છે અને આ નેત્રદીપક વિજય મેળવ્યો છે. આ રિઝલ્ટ માટે RSSનું માઇક્રો-પ્લાનિંગ મહત્ત્વનું ઠર્યું છે અને તેથી એવું લાગી રહ્યું છે કે આ એકતરફી રિઝલ્ટ છે. BJPને ૧૩૨, એકનાથ શિંદેની શિવસેનાને ૫૭ અને અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીને ૪૧ બેઠક પર વિજય મળ્યો છે.
ADVERTISEMENT
યુવા વયે પ્રચારક બન્યા
અતુલ લિમયે મૂળ નાશિકના રહેવાસી છે અને ત્રણ દાયકાથી RSSમાં કાર્યરત છે. વ્યવસાયે તેઓ એન્જિનિયર છે. તેઓ એક મલ્ટિનૅશનલ કંપનીમાં કામ કરતા હતા, પણ ૩૦ વર્ષ પહેલાં તેમણે આ નોકરી છોડી હતી અને RSSમાં જોડાયા હતા.
સોશ્યલ એન્જિનિયરિંગ કર્યું
અતુલ લિમયે RSSમાં એક એવા મોટા જૂથનું નેતૃત્વ કરે છે જેમાં યુવાનો અને યુવતીઓની સંખ્યા મોટી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિવિધ સામાજિક ઘટકો વિશે રિસર્ચ કરવું, તેમની સમસ્યાઓ જાણવી અને એનો ઉકેલ લાવવો એના પર ભાર મૂકવામાં આવે છે. આ દ્વારા તેઓ એક થિન્ક ટૅન્ક તૈયાર કરે છે. મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજના પ્રશ્નો, તેમની મુશ્કેલીઓ અને એના ઉપાયો વિશે પણ આ જૂથ કામ કરે છે. આ બે સમાજ માટે સરકારી ધોરણ શું હોવું જોઈએ એના પર પણ આ જૂથ કામ કરે છે.
મરાઠા આંદોલન અને અર્બન નક્સલ
૨૦૧૭માં મરાઠા આંદોલન અને ૨૦૧૮ના અર્બન નક્સલ જેવા સામાજિક મુદ્દા પર સરકારે કેવી રીતે કામકાજ લેવું જોઈએ એના મહત્ત્વનાં ઇનપુટ્સ તેમણે આપ્યાં હોવાનું જાણવા મળે છે. મરાઠાઓનો ટેકો BJPને મળે એ માટે તેમણે ખાસ પ્રયાસ કર્યા હતા. આ મુદ્દે તેઓ મરાઠા આરક્ષણના નેતાઓને મળ્યા હતા અને ખાતરી અપાવી હતી કે તેમને અનામત મેળવવામાં મદદ કરશે અને એ અનામત અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ના ક્વોટામાંથી નહીં હોય. આ માટે સુપ્રીમ કોર્ટમાં યોગ્ય રીતની રજૂઆત કરવાની અને કેન્દ્ર સરકારમાં પણ વાતચીત કરવાની ખાતરી આપી હતી.
ગ્રામીણ અર્થવ્યવસ્થા સમજી
અતુલ લિમયે શરૂઆતમાં પશ્ચિમ મહારાષ્ટ્ર, રાયગડ અને કોંકણમાં કામ કરતા હતા. ત્યાર બાદ તેમને દેવગિરિ પ્રાંત હેઠળ મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રની કામગીરી સોંપવામાં આવી હતી. તેઓ સહપ્રાંતપ્રચારક હતા. ગ્રામીણ અર્થવ્યવસ્થા અને
સામાજિક-રાજકીય બાબતોનો તેમણે ખૂબ નજીકથી અભ્યાસ કર્યો હતો.
૨૦૧૪માં ક્ષેત્ર પ્રચારક
૨૦૧૪માં લોકસભાની ચૂંટણી વખતે તેમણે પશ્ચિમ મહારાષ્ટ્રમાં પ્રચારની જવાબદારી સંભાળી હતી અને સફળતા મેળવી હતી. એ પછી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ તેમને પશ્ચિમ મહારાષ્ટ્ર સહિત ગુજરાત અને ગોવાની વ્યાપક જવાબદારી સોંપવામાં આવી. આ સમયગાળામાં તેમણે વિરોધ પક્ષોની નબળાઈઓ બાબતે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
સમન્વય સાધ્યો
અતુલ લિમયેએ આ વખતના ચૂંટણીપ્રચારની દિશાની કમાન સંભાળી હતી અને મરાઠા અનામતનો મુદ્દો હોય કે સંઘની હિન્દુત્વવાદી વિચારધારા હોય કે તમામ મુદ્દે તેમણે યોગ્ય માર્ગદર્શન કર્યું હતું.
આ વખતે તેમણે BJPના રાજ્યના અને કેન્દ્રના નેતાઓ જેવા કે નીતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસ સાથે સમન્વયની ભૂમિકા નિભાવી હતી. આ વખતના ચૂંટણીપ્રચારમાં તેમને RSS બીજા નેતાઓ જેવા કે નૅશનલ ઑર્ગેનાઇઝિંગ સેક્રેટરી બી. એલ. સંતોષ અને RSS તથા BJPના કો-ઑર્ડિનેટર અરુણકુમારનો પણ સહયોગ મળ્યો હતો.
સજાગ રહો
RSSના સજાગ રહો કૅમ્પેનની પાછળ પણ તેમની ભૂમિકા હતી. આ કૅમ્પેનમાં સંઘના કાર્યકરો એકેએક મતદાર સુધી પહોંચ્યા હતા અને તેમને BJPની તરફેણમાં મતદાન કરવાનો આગ્રહ કર્યો હતો. OBCના અન્ય સમાજ જેવા કે તેલી, માળી, સુતાર અને બંજારા ગ્રુપના લોકોને પણ સંઘના કાર્યકરો મળ્યા હતા અને તમામને સરકારમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળશે એની ખાતરી
આપી હતી.