ગયા વર્ષે ઉદ્ઘાટન થયું ત્યારથી મિનિમમ ૫૦૦ રૂપિયાને બદલે ૨૫૦ રૂપિયા વન-વે ટોલ લેવામાં આવે છે
અટલ સેતુ
મુંબઈ અને નવી મુંબઈને જોડતા ભારતના ૨૧.૮ કિલોમીટરના સૌથી લાંબા સી-બ્રિજ અટલ સેતુનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ૧૨ જાન્યુઆરીએ લોકાર્પણ કર્યું હતું. અટલ સેતુ શરૂ થયો હતો ત્યારે સરકારે એક વર્ષ સુધી મિનિમમ ૫૦૦ રૂપિયાને બદલે ૨૫૦ રૂપિયા ટોલ લેવાની જાહેરાત કરી હતી. અટલ સેતુ શરૂ થયાને એક વર્ષ થઈ ગયું છે એટલે ટોલ બાબતે ગઈ કાલે રાજ્ય સરકારની કૅબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
મુંબઈથી નવી મુંબઈ ઝડપથી માત્ર ૨૦ મિનિટમાં પહોંચવા માટે અટલ સેતુ મહત્ત્વનો પુરવાર થઈ રહ્યો છે અને વધુ ને વધુ લોકો આ છ લેનના સી-બ્રિજનો ઉપયોગ કરે એ માટે ટોલમાં પચાસ ટકા કન્સેશન આપવામાં આવ્યું છે એને આ વર્ષના અંત સુધી કાયમ રાખવાનો નિર્ણય મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં આયોજિત કૅબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બ્રિજ પર સિંગલ પ્રવાસ કરવા માટે મિનિમમ ૨૫૦ રૂપિયા અને રિટર્ન પ્રવાસ માટે ૩૭૫ રૂપિયા ટોલ લેવામાં આવે છે.

