CSMTથી ગોરેગામ માટેની ટ્રેન ૧૦.૫૪ વાગ્યે રવાના થઈ હતી જે ૧૧.૧૫ વાગ્યે વડાલા પહોંચી હતી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
શનિવારે સવારે ૧૧.૧૫ વાગ્યાની આસપાસ વડાલા રોડ રેલવે-સ્ટેશન પર ગોરેગામ જતી ટ્રેનને વાશી તરફ જતી લાઇનનું સિગ્નલ મળતાં ગોટાળો સર્જાયો હતો અને એને કારણે હાર્બર લાઇનની ટ્રેનો ૩૦ મિનિટ મોડી પડી હતી.
વડાલામાં હાર્બર લાઇનમાં બે વિભાગ પડે છે જેમાં એક લાઇન વેસ્ટર્ન રેલવે તરફ જાય છે અને બીજી વાશી તરફ જાય છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી ગોરેગામ માટેની ટ્રેન ૧૦.૫૪ વાગ્યે રવાના થઈ હતી જે ૧૧.૧૫ વાગ્યે વડાલા પહોંચી હતી. આ ટ્રેનને ગોરેગામ તરફ જતું સિગ્નલ આપવાનું હતું, પણ સ્ટેશન-માસ્ટરે એને ભૂલથી વાશી તરફ જતી લાઇનનું સિગ્નલ આપ્યું હતું. મોટરમૅને પણ ટ્રેન શરૂ કરીને વાશી તરફ લીધી હતી. જોકે ગાર્ડને આ મિક્સ-અપનો ખ્યાલ આવતાં તેણે ઇમર્જન્સી બ્રેક મારીને ટ્રેન રોકી દીધી હતી. ગાર્ડે અને મોટરમૅને કન્ટ્રોલ રૂમને જાણ કરતાં રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ટ્રેનને રિવર્સમાં લેવામાં આવી હતી અને ગોરેગામ લાઇન તરફ વાળવામાં આવી હતી. આ બધામાં ૩૦ મિનિટનો સમય ગયો હતો.
વળી આ ગોટાળાને પગલે વાશી જતી એક ટ્રેનને વડાલા સ્ટેશન પર કૅન્સલ કરવામાં આવી હતી. આથી CSMTથી વડાલા વચ્ચે હાર્બર લાઇનની ટ્રેનો એકની પાછળ એક ઊભી રહી ગઈ હતી.
વડાલાના સ્ટેશન-માસ્ટરને મેમો આપવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સ્ટેશન-માસ્ટર પાસે યોગ્ય ટાઇમટેબલ ન હોવાથી તેણે ખોટું સિગ્નલ આપ્યું હતું. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે આમાં મોટરમૅનની પણ ભૂલ છે, કારણ કે તેને ખબર હોવી જોઈતી હતી કે તેને ખોટી લાઇનનું સિગ્નલ મળ્યું છે. આ ઘટનામાં રેલવે-તપાસનો પણ આદેશ આપવામાં આવ્યો છે.