Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નામ બડે, દર્શન છોટે

નામ બડે, દર્શન છોટે

Published : 26 April, 2023 09:57 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

આવા હાલ છે કલંબોલી સ્ટીલ માર્કેટમાં : એશિયાની સૌથી મોટી આ માર્કેટમાં ૪૩ વર્ષે પણ સુવિધાના નામે તો માત્ર મીંડું જ છે અને ટૅક્સમાં બેફામ વધારો કરાયો છે : આખરે ભ્રષ્ટાચાર અને સમસ્યાઓથી કંટાળીને પ્લૉટઓનર્સે કરી વડા પ્રધાનને અપીલ

કલંબોલીના રસ્તાઓની બિસમાર હાલત

કલંબોલીના રસ્તાઓની બિસમાર હાલત


એશિયાની સૌથી મોટી નવી મુંબઈના પનવેલમાં આવેલી કલંબોલી સ્ટીલ માર્કેટને ૪૩ વર્ષ પછી પણ પાયાની મૂળભૂત સુવિધાઓ મળી નથી. આમ છતાં પ્રશાસન દ્વારા પ્રૉપર્ટી ટૅક્સમાં કરવામાં આવેલો બેફામ વધારો અને પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશનના પ્રશાસનમાં વધી ગયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા આઇપીએસ અધિકારીની નિમણૂક કરવાની માગણી કરતો એક પત્ર કલંબોલી સ્ટીલ માર્કેટ પ્લૉટઓનર્સ સર્વિસ કો-ઑપરેટિવ સોસાયટી લિમિટેડ (પ્રપોઝ્ડ) દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખવામાં આવ્યો છે. આ ઓનરો કહે છે કે અમે અધધધ ટૅક્સ ભર્યા પછી પણ છેલ્લાં ૪૩ વર્ષમાં સેવા અને સુવિધાના નામે અમને મીંડું મળ્યું છે.  


આ માહિતી આપતાં સ્ટીલ માર્કેટ પ્લૉટઓનર્સ સર્વિસ કો-ઑપરેટિવ સોસાયટી લિમિટેડ (પ્રપોઝ્ડ)ના ચીફ પ્રમોટર ભરત કાણકિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કલંબોલીમાં ૧૯૮૧માં સ્ટીલ માર્કેટ બનાવવામાં આવી હતી. આ માર્કેટ લોખંડ અને સ્ટીલના વેપારીઓની સાથે સંકળાયેલાં બૉમ્બે આયર્ન મર્ચન્ટ્સ અસોસિએશન, દારૂખાના આયર્ન ઍન્ડ સ્ટીલ મર્ચન્ટ્સ અસોસિએશન અને સ્ટીલ ચૅમ્બર્સના પદાધિકારીઓ તથા સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ઑફ મહારાષ્ટ્ર લિમિટેડના સહયોગથી મહારાષ્ટ્ર સરકારે વિસ્થાપિત કરી હતી. આ માર્કેટ નાના-મોટા લગભગ ૧,૯૦૦ પ્લૉટો, સેઇલ, તાતા અને વીએસપી યાર્ડ સાથે ૩૦૨ હેક્ટરમાં ફેલાયેલી છે. આ માર્કેટને નિયં‌િત્રત કરવા માટે ૧૯૮૯માં ધ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટીએ એક નવો વિભાગ શરૂ કરીને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન આયર્ન ઍન્ડ સ્ટીલ માર્કેટ કમિ‌ટીની રચના કરી હતી. આ કમિટી ઘણાં વર્ષો સુધી દરેક પ્લૉટઓનર્સ પાસેથી ૪૫ રૂપિયા સ્ક્વેર મીટર પ્રમાણે ટૅક્સ/માર્કેટ-ફી વસૂલ કરતી રહી છે. એની સામે આ કમિટીએ લોખંડના વેપારીઓ અને પ્લૉટઓનર્સને કોઈ જ સેવા કે સુવિધા આપી નથી. એણે ફક્ત એના કર્મચારીઓને મોટા પગાર ચૂકવવા અને ભ્રષ્ટાચાર કરવા સિવાય કોઈ જ સેવા આપી નથી. હવે રોડના નૂતનીકરણના નામે પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશને પ્લૉટઓનર્સ પાસેથી પ્લૉટદીઠ ૧,૦૦૦ રૂપિયા સ્ક્વેર મીટર પર વસૂલ કરવાની શરૂઆત કરી છે. કૉર્પોરેશનની જેમ જ મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ પણ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે. મહિનામાં ત્રણ-ચાર વાર બ્રેકડાઉન થતું હોવા છતાં ઇલેક્ટ્રિસિટી બોર્ડ પણ ઇલેક્ટ્રિક કેબલો માટે અલગ પૈસા વસૂલ કરી રહ્યું છે. કલંબોલીમાં એક પણ કામ પૈસા વગર થતું નથી. અમને તો લાગે છે કે સિડકોનું નામ બદલીને ભ્રષ્ટાચાર વિભાગ કરવું જોઈએ. આ બધા વચ્ચે બાકી હતું તો હવે મહારાષ્ટ્ર સરકારે નવેમ્બર ૨૦૨૨માં સિડકોની સત્તા પનવેલ મહાનગરપાલિકાને સોંપી છે. પનવેલ મહાનગરપાલિકા અત્યારે પ્લૉટઓનરો પાસેથી અનાપ-સનાપ પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરી રહી છે. મહાનગરપાલિકાએ સત્તા પર આવતાં જ એનાં લક્ષણો બતાવવાની શરૂઆત કરી દીધી છે. એણે ૨૦૧૬થી ૨૦૨૨ સુધીના લાખો રૂપિયાના પ્રૉપટી ટૅક્સનાં બિલો પ્લૉટઓનરોના માથે ઠોકી દીધાં છે. વર્ષો પહેલાં અમે બનાવેલા લોખંડ મૂકવાના શેડને મહાનગરપાલિકાએ ગેરકાયદે જાહેર કરીને વેપારીઓને એ તોડવા માટેની નોટિસ મોકલી દીધી છે. મહાનગરપાલિકા તો સિડકો અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન આયર્ન ઍન્ડ સ્ટીલ માર્કેટ કમિ‌ટીથી પણ એકદમ આગળ વધી ગઈ છે. કોઈ સેવા અને સુવિધા આપવાની વાત તો બાજુ પર રહી, એને બદલે નોટિસો મોકલીને કલંબોલીની સ્ટીલ માર્કેટમાં તબાહી મચાવી દીધી છે.’



લોખંડ અને સ્ટીલબજારના બધાં જ અસોસિએશનો આ મુદ્દે મહારાષ્ટ્ર સરકાર સામે લડી રહ્યાં છે. જોકે સરકાર પણ આંખમીંચામણાં કરી રહી હોવાથી કલંબોલી સ્ટીલ માર્કેટ પ્લૉટઓનર્સ સર્વિસ કો-ઑપરેટિવ સોસાયટી લિમિટેડ (પ્રપોઝ્ડ)એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સીધો પત્ર લખીને કલંબોલીના વેપારીઓને ન્યાય આપવાની માગણી કરી છે. આ જાણકારી આપતાં ભરત કાણકિયાએ કહ્યું હતું કે ‘અમારો મહારાષ્ટ્ર સરકાર અને નરેન્દ્ર મોદીને એક જ સવાલ છે કે વેપારીઓનો ગુનો શું છે? અમારી સાથે ચોરો જેવો વ્યવહાર કેમ કરવામાં આવે છે? લોખંડ અને સ્ટીલના વેપારીઓ કરોડો રૂપિયાનો ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ ભરે છે. દેશના વિકાસમાં વેપારીઓનું જબરદસ્ત યોગદાન રહેલું છે. આ સંજોગોમાં અમારી વિનંતી છે કે કલંબોલીના મુદ્દે આપ અને કેન્દ્ર સરકાર એક ઈમાનદાર આઇપીએસ અધિકારીને નિયુક્ત કરો. આ અધિકારી નવી મુંબઈની કલંબોલી સ્ટીલ માર્કેટમાં આવીને કલંબોલીના વેપારીઓની સમસ્યાઓનો અભ્યાસ કરે અને એને સમજીને દેશના હિતમાં સાચો નિર્ણય લે.’


સોસાયટીની રચના માટે યોજાયેલી કલંબોલીના પ્લૉટ-ઓનર્સની મીટિંગ


લોખંડના વેપારી ભરત કાણકિયાનો પરિવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે વર્ષોથી સંકળાયેલો છે અને નરેન્દ્ર મોદીની સાથે આ પરિવારનો ઘરોબો છે. આ પહેલાં ભરત કાણકિયાએ નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખીને મુંબઈ પોર્ટ ટ્રસ્ટ જે મનસ્વી રીતે શિવડીથી કોલાબા સુધીના વેપારીઓ અને રહેવાસીઓને બેઘર કરવા માટે સક્રિય બન્યું હતું એને રોકવાની અપીલ કરી હતી. એની સામે વડા પ્રધાનની ઑફિસ તરફથી તેમને રિસ્પૉન્સ પણ આપવામાં આવ્યો હતો. ત્યાર પછી મુંબઈ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને વેપારીઓની સાથે વાટાઘાટ કરવા તૈયાર થયા હતા.

કલંબોલીની સમસ્યાઓ અને પ્રશાસનના ભ્રષ્ટાચાર અધિકારીઓ સામે લડવા માટે અમે કલંબોલીના પ્લૉટઓનર્સની સોસાયટીની ‍રચના કરી રહ્યા છે એમ જણાવતાં ભરત કાણકિયાએ કહ્યું હતું કે આ સોસાયટી જરૂર પડશે ત્યારે કાયદાકીય લડત પણ લડશે.

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2023 09:57 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK