સુરેખા યાદવ શેડ્યુલ કરતાં પાંચ મિનિટ વહેલી ટ્રેનને સોલાપુરથી સીએસએમટી લઈ આવ્યાં
હાઈસ્પીડ ધરાવતી વંદે ભારતને એશિયાની પ્રથમ મહિલા લોકો પાઇલટ સુરેખા યાદવે ગઈ કાલે દોડાવી હતી
ભારતની શાન ગણાતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નરૂપી હાઈસ્પીડ વંદે ભારતને એશિયાની પ્રથમ મહિલા લોકો પાઇલટ સુરેખા યાદવે ગઈ કાલે દોડાવી હતી. વંદે ભારત એક્સપ્રેસને તેમણે સોલાપુરથી સીએસએમટી સુધી પાઇલટ કરી હતી. વંદે ભારત એક્સપ્રેસને ચલાવવાનો તેમનો અનુભવ કેવો રહ્યો એ વિશે ‘મિડ-ડે’એ તેમની સાથે વાત કરી હતી.
સોલાપુર-સીએસએમટી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ગઈ કાલે પ્રથમ મહિલા લોકો પાઇલટ બનીને સુરેખા યાદવે ચલાવી અને સેન્ટ્રલ રેલવેના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેર્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લૅટફૉર્મ નંબર-૮ પર ટ્રેન આવી ત્યારે સુરેખા યાદવનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના સતારામાં રહેતાં સુરેખા યાદવ ૧૯૮૮માં ભારતનાં પ્રથમ મહિલા ટ્રેન-ડ્રાઇવર બન્યાં હતાં અને તેમની સિદ્ધિઓ માટે તેમને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
વંદે ભારત ચલાવીને ખૂબ ગર્વ અનુભવ્યો
આ વિશે ૩૪ વર્ષથી લોકલ, મેલ ટ્રેનો ચલાવતાં અને થાણેમાં રહેતાં ૫૭ વર્ષનાં સુરેખા યાદવે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વંદે ભારત ચલાવવાનો એક અનોખો અનુભવ રહ્યો છે. અન્ય ટ્રેનોની સરખામણીમાં આ ટ્રેન ખૂબ અલગ, સ્મૂધ હોવાની સાથે એને હૉલ્ટ પણ ઓછાં છે. હૉલ્ટ ઓછાં અને સ્પીડ વધુ હોવાથી પ્રવાસીઓ પણ જલદી પહોંચી શકે છે. એ ઉપરાંત ભારતમાં આવી ટ્રેન બની હોવાથી આ ટ્રેન ચલાવતી વખતે ખૂબ ગર્વનો અનુભવ કર્યો હતો. નવા યુગની અત્યાધુનિક ટેક્નૉલૉજીથી સજ્જ વંદે ભારત ટ્રેન ચલાવવાની તક આપવા બદલ હું આભાર વ્યક્ત કરું છું. ટ્રેન સમયસર સોલાપુરથી નીકળી અને સમયના પાંચ મિનિટ પહેલાં સીએસએમટી પહોંચી હતી. ટ્રેન ચલાવવાના હેતુ શીખવાની પ્રક્રિયામાં સિગ્નલોનું પાલન કરવું, નવાં સાધનોની આદત પાડવી, અન્ય ક્રૂ મેમ્બરો સાથે કો-ઑર્ડિનેશન, ટ્રેન ચલાવવા માટેનાં તમામ પરિમાણોને અનુસરવાનો સમાવેશ થાય છે.’