બે વખતના મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવાણે બીજેપીમાં પ્રવેશ કર્યા બાદ આવું કહ્યું : નાંદેડ સહિત આસપાસની નવ વિધાનસભા અને એક લોકસભા બેઠક પર મહાયુતિને ફાયદો થવાની શક્યતા : બીજેપીમાં ભરતીની આ તો શરૂઆત છે, આગામી સમયમાં અનેક નેતાઓ જોડાશે
ગઈ કાલે બીજેપીમાં પ્રવેશ કર્યા બાદ અશોક ચવાણ પત્રકારોની સામે જ પૈસા ભરીને પાર્ટીના પ્રાથમિક સભ્ય બન્યા હતા. (સૈયદ સમીર અબેદી)
મહારાષ્ટ્રના બે વખત મુખ્ય પ્રધાન રહી ચૂકેલા નાંદેડના દિગ્ગજ કૉન્ગ્રેસી નેતા અશોક ચવાણે ગઈ કાલે પંજાને છોડીને બીજેપીમાં પ્રવેશ કર્યો હતો. પરમદિવસે તેમણે કૉન્ગ્રેસ તેમ જ વિધાનસભ્યપદેથી રાજીનામું આપ્યું ત્યારે લાગતું હતું કે તેઓ બે-ત્રણ દિવસ બાદ બીજેપીમાં જોડાશે. જોકે તેમણે બીજા જ દિવસે બીજેપીમાં પ્રવેશ કર્યો હતો. રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવાની છે એટલે બીજેપીએ અશોક ચવાણના પ્રવેશમાં ઉતાવળ કરી હોવાનું કહેવાય છે. બીજેપી મહારાષ્ટ્રની રાજ્યસભાની ખાલી થઈ રહેલી છ બેઠક માટે એકાદ-બે દિવસમાં ઉમેદવારો જાહેર કરી શકે છે, જેમાં મોટા ભાગે અશોક ચવાણનું નામ સામેલ થવાની શક્યતા છે. બીજેપીમાં પ્રવેશ કર્યા બાદ અશોક ચવાણે કહ્યું હતું કે ૩૮ વર્ષ બાદ પાર્ટી બદલવાનું બહુ અઘરું હતું, પણ નાછૂટકે નિર્ણય લેવો પડ્યો છે. જોકે તેમણે આ સમયે કૉન્ગ્રેસ છોડવા માટેનું કોઈ કારણ જાહેર નહોતું કર્યું.



