MNSએ વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કર્યા બાદ આશિષ શેલાર મળવા ગયા અેને પગલે નવા રાજકીય સમીકરણની ચર્ચા
આશિષ શેલાર અને રાજ ઠાકરેની તસવીરોનો કૉલાજ
MNSએ વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કર્યા બાદ આશિષ શેલાર મળવા ગયા એને પગલે નવા રાજકીય સમીકરણની ચર્ચા
મુંબઈ ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ ઍડ. આશિષ શેલારે ગઈ કાલે સવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેની તેમના શિવાજી પાર્કમાં આવેલા શિવતીર્થ નિવાસસ્થાને મુલાકાત કરી હતી. રાજ ઠાકરેએ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાની સાથે ઉમેદવારો પણ જાહેર કર્યા છે. રાજ ઠાકરેએ લોકસભાની ચૂંટણીની જેમ વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ કે મહા વિકાસ આઘાડી બન્નેમાંથી કોઈની સાથે હાથ મિલાવ્યા વિના ચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે એવામાં આશિષ શેલાર રાજ ઠાકરેને મળ્યા હોવાથી તેમની વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચા ગઈ કાલે શરૂ થઈ હતી. રાજ ઠાકરેને મળીને આશિષ શેલાર શિવતીર્થ બંગલામાંથી બહાર નીકળ્યા હતા ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય એ પહેલાં આ બન્ને નેતાની મુલાકાતને મહત્ત્વની માનવામાં આવી રહી છે.