કાંદિવલી રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ પર મોટો અકસ્માત થાય તો નવાઈ નહીં : અહીં કામ હાથ ધરાયું હોવાથી પાર્ટિશન મૂકવામાં આવ્યાં છે, પરંતુ એેને કારણે પ્લૅટફૉર્મ પર ચાલવાની જગ્યા એકદમ ઓછી થઈ ગઈ હોવાથી એ જોખમી બની જતાં પાછળથી આવતી ફાસ્ટ ટ્રેનના અડફેટમાં...
કાંદિવલીના પ્લૅટફૉર્મ-નંબર એક, બે અને ત્રણ પર કામ ચાલુ હોવાથી પાર્ટિશનનું અંતર વધુ હોવાથી પ્રવાસીઓનો જીવ જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
મુંબઈ ઃ વેસ્ટર્ન રેલવેના પ્રસ્તાવિત ફુટ ઓવરબ્રિજ (એફઓબી)નું અનેક સ્ટેશનો પર કામ ચાલી રહ્યું છે. પ્રવાસીઓની સુવિધા માટે કરવામાં આવી રહેલું કામ તેમના માટે જોખમી ન બને એવી ચિંતા કાંદિવલીના પ્રવાસીઓને થઈ રહી છે, કારણ કે કાંદિવલી સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૧, ૨ અને ૩ પર કામ ચાલી રહ્યું છે. આ કામ કરવા માટે પ્લૅટફૉર્મ પર બૅરિકેડ્સ એટલે કે પાર્ટિશન મૂકવામાં આવ્યાં છે, પરંતુ આ પાર્ટિશન અડધું પ્લૅટફૉર્મ કવર કરી લે એ રીતે મૂકવામાં આવ્યાં હોવાથી ટ્રેન અને એની વચ્ચે અંતર ખૂબ જ ઓછું હોવાથી પ્રવાસીઓ પીક-અવર્સમાં એકબીજા સાથે અથડાતા હોવાની સાથે પ્લૅટફૉર્મ-નંબર ૩ પર પાછળથી આવતી ફાસ્ટ ટ્રેન પ્રવાસીઓને અડફેટમાં લે એવી શક્યતા પણ દેખાઈ રહી છે.
કાંદિવલીનાં પ્લૅટફૉર્મ-નંબર ૧, ૨, ૩ પર વર્કપ્લેસ પાર્ટિશન અને બૉર્ડર લાઇન વચ્ચે અમુક જ ફુટનું અંતર જોવા મળી રહ્યું છે. જો પ્રવાસીઓ પુલ પરથી નીચે ઊતરીને અથવા પ્લૅટફૉર્મ પરથી ચાલતા હોય અને પાછળથી ટ્રેન આવે તો એ ખૂબ જોખમી બની શકે એમ છે. એની સાથે પ્લૅટફૉર્મ પરથી પીક-અવર્સમાં પસાર થવું ખૂબ મુશ્કેલ થવાની સાથે પ્રવાસીઓ માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે.
મોતનો કૂવો
કાંદિવલીના અભય શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કાંદિવલીના પ્લૅટફૉર્મ-નંબર બે પર ઊતરીને પુલ તરફ જઈએ ત્યારે કામને કારણે બ્લૉક કરી દેવામાં આવ્યું હોવાથી ચાલવામાં ઘણી મુશ્કેલી થતી હોય છે. પ્લૅટફૉર્મ-નંબર ૩ પર બ્રિમજ ઊતરીને આવીએ ત્યારે પ્લૅટફૉર્મ પર જરા પણ ધ્યાન ન રહ્યું અથવા અન્ય પ્રવાસીનો ધક્કો લાગ્યો તો સીધા ટ્રૅક પર પડી શકાય છે. આ ઉપરાંત ૩ નંબરના ટ્રૅક પરથી વિરાર જતી ફાસ્ટ લોકલ પસાર થતી હોય છે અને બ્રિજ ઊતરતાં જ પાછળથી ફાસ્ટ ટ્રેન આવતી હોય છે ત્યારે એ ખૂબ જ જોખમી બની જાય છે. એક વખત ટ્રેન ત્યાં આવીને ઊભી રહી જાય તો કદાચ વધુ જોખમી ન રહે, પણ ફાસ્ટ સ્પીડે જતી ટ્રેનની અડફેટમાં આવી શકાય છે એટલે આ મોતના કૂવા સમાન છે.’
પાર્ટિશનનું અંતર ઓછું કરો
કાંદિવલીના રેલવે પ્રવાસી પ્રકાશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેકેશનનો સમય હોવાથી પ્રવાસીઓની ભીડ ખૂબ જ હોય છે. એવામાં પાર્ટિશનનું અંતર ખૂબ વધુ હોવાથી અડચણ અને જોખમ ઊભું થાય છે. પ્રવાસીઓની સુવિધા માટે કામ કરાઈ રહ્યું છે એટલે કામ ભલે ચાલતું રહે, એનાથી અમને કોઈ સમસ્યા નથી; પરંતુ સુરક્ષાની દૃષ્ટિએ આ અંતર ઓછું કરવું જરૂરી છે.’
મહિલાઓને પીક-અવર્સમાં મુશ્કેલી
દરરોજ ટ્રેનમાં પ્રવાસ કરતી મહિલા પ્રવાસી મીનાક્ષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્લૅટફૉર્મ પર જગ્યા ઓછી હોવાથી પીક-અવર્સમાં ચાલવું મુશ્કેલ થાય છે. એવામાં બૅગ ચોરાઈ જવાની ચિંતા રહે છે. પ્લૅટફૉર્મ-નંબર ૧ પર તો પીક-અવર્સમાં સાંજના સમયે ટ્રેન પકડવી મુશ્કેલ થાય છે. એક બાજુ પ્રવાસીઓ ટ્રેનમાંથી ઊતરીને સ્ટેશનની બહાર જતા હોય છે અને બીજી બાજુ મહિલા પ્રવાસીઓ ટ્રેન પકડવા જતી હોય અથવા ઊભી હોય છે. મહિલાઓની કમર પર હાથ લગાવવાના કે બૅગ ખેંચવાના કિસ્સા પણ બને છે.’
રેલવેનું શું કહેવું છે?
વેસ્ટર્ન રેલવેના પ્રવક્તા નીતિનકુમાર ડેવિડે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કાંદિવલી પ્લૅટફૉર્મ પર ચાલી રહેલું કામ એ સાઉથ બાજુના એફઓબી એક્સટેન્શનનું કામ એમઆરવીસી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જોકે કામ કરતી વખતે જણાવેલું મિનિમમ અઢી મીટરનું અંતર પ્લૅટફૉર્મ સુધી રાખવામાં આવ્યું છે. કામ પ્રગતિ પર હોવાથી એ પૂરું થતાં જ પાર્ટિશનને દૂર કરવામાં આવશે.’