બિલ્ડિંગના હેવી સ્લૅબનો મોટો ટુકડો એક માણસ પર પડ્યો હોવાથી લોકોએ ભેગા મળીને સ્લૅબ ઊંચક્યો અને તેને બહાર ખેંચીને જીવ બચાવ્યો : આ હોનારતમાં એક મહિલાનું મૃત્યુ અને ચાર જણ ઘાયલ
ગ્રાન્ટ રોડના રુબિનિસ્સા મંઝિલનો સ્લૅબ પડવાથી એની નીચે દબાઈ ગયેલી વ્યક્તિને બહાર કાઢી રહેલા મુંબઈગરાઓ.
મુંબઈમાં ગઈ કાલે પરોઢિયેથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે સવારે ૧૧ વાગ્યે ગ્રાન્ટ રોડ-વેસ્ટમાં સ્ટેશનની સામે જ આવેલા સ્લેટર રોડ પરના વર્ષો જૂના ચાર માળના રુબિનિસ્સા મંઝિલ નામના બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળની ગૅલરીનો ભાગ તૂટી પડ્યો હતો. બિલ્ડિંગના સ્લૅબના મોટા-મોટા ટુકડા નીચે પડ્યા હતા જેને કારણે રસ્તે ચાલતા લોકો પણ એનો ભોગ બન્યા હતા. જોકે એ ઘટના બનતાંની સાથે જ ત્યાં હાજર લોકો મદદે દોડ્યા હતા. એક વ્યક્તિના પગ પર હેવી સ્લૅબનો ટુકડો પડ્યો હતો. લોકોએ ભેગા મળીને એ સ્લૅબનો હેવી ટુકડો દૂર કર્યો હતો અને ઘાયલ માણસને બહાર કાઢ્યો હતો. એ ટુકડો બહુ ભારે હતો, પણ એક જણે પહેલ કરતાં બીજા બધા લોકો જોડાયા હતા અને એકસાથે જોર લગાવીને વરસતા વરસાદમાં એ સ્લૅબ હટાવીને તે માણસને એની નીચેથી બહાર ખેંચી કાઢ્યો હતો. એટલું જ નહીં, લોકોએ કાટમાળ નીચે બીજું કોઈ ફસાયું છે કે કેમ એની પણ તપાસ કરી હતી. સાથે જ એ મકાનના કેટલાક લોકો એ અવાજ સાંભળીને શું થયું એ જોવા તેમના ઘરની ગૅલરીના દરવાજામાં આવી રહ્યા હતા ત્યારે નીચેથી જ લોકોએ તેમને આગળ ન આવવાની બૂમો પાડીને ચેતવ્યા હતા, કારણ કે ત્યાંનો નીચેનો પૉર્શન બહુ જોખમી રીતે લટકી રહ્યો હતો અને ગમે ત્યારે તૂટી પડે એવી શક્યતા હતા. આમ ફાયર-બ્રિગેડ કે પોલીસ આવે એ પહેલાં જ મુંબઈગરાઓએ બચાવકાર્ય ચાલુ કરીને લોકોને હૉસ્પિટલ ભેગા કર્યા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા પંચાવન વર્ષના અતુલ શાહ, ૨૬ વર્ષના નિકેત શાહ અને ૨૫ વર્ષના વિજયકુમાર નિષાદ સહિત એક સિનિયર સિટિઝિન મહિલાને ભાટિયા હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં. જ્યારે સિદ્ધેશ પાલીજાને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.