જુહી ચાવલાએ ગઈ કાલે આર્યનની જામીન માટેના એક લાખ રૂપિયાના બેલ-બૉન્ડ પર સહી કર્યા બાદ આપી હતી પ્રતિક્રિયા
આર્યનને જામીન મળતાં જ મન્નતમાં રોશની કરાઈ હતી (તસવીર : પ્રદીપ ધિવાર)
બૉમ્બે હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ નીતિન સાંબરેએ ગઈ કાલે આર્યન ખાન અને બીજા બે આરોપીઓની જામીનનો ડીટેઇલ-ઑર્ડર સહી કર્યા બાદ આર્યનના વકીલોની ટીમે પોતાના અસીલનો ગઈ કાલે જ જેલમાંથી છુટકારો થાય એ માટે શક્ય બધી કોશિશ કરી હોવા છતાં એ શક્ય નહોતું બન્યું. નોંધનીય વાત એ છે કે આર્યનની સાથે જેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે એ અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના જામીનનો આદેશ ગઈ કાલે તૈયાર નહોતો થયો.
શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને એક લાખ રૂપિયાના પર્સનલ બૉન્ડ અને સમાન રકમની એક કે બે શ્યૉરિટી સાથે છોડવામાં આવશે એમ કોર્ટે આદેશમાં જણાવ્યા બાદ શાહરુખ ખાને બૉલીવુડમાં જે પહેલી ફિલ્મ સાઇન કરી હતી એ ‘રાજુ બન ગયા જેન્ટલમૅન’ની તેની હિરોઇન જુહી ચાવલાએ આર્યનને જામીન માટેના એક લાખ રૂપિયાના બેલ-બૉન્ડ પર સહી કરી હતી. ત્યાર બાદ તેણે કહ્યું હતું, ‘અબ બચ્ચા ઘર આ જાએગા.’
ગઈ કાલે કોર્ટના આદેશની સર્ટિફાઇડ કૉપી વકીલોએ મેળવી લીધા બાદ બપોરે ૩.૪૦ વાગ્યે શાહરુખ ખાન પોતાના બંગલા ‘મન્નત’થી આર્યનને લેવા માટે નીકળ્યો હતો, પણ સાંજે સાડાપાંચ વાગ્યા સુધી બેલ-બૉક્સમાં કોર્ટનો મેમો સુપરત ન કરી શકાતાં ગઈ કાલે તે આર્થર રોડ જેલમાંથી બહાર નહોતો આવી શક્યો. આજે સવારે બેલ-બૉક્સ ખૂલ્યા બાદ આર્યન જેલમાંથી બહાર નીકળશે. આર્યનને જામીન મળ્યા બાદ ગઈ કાલે ‘મન્નત’ બંગલામાં લાઇટિંગ કરવામાં આવી હતી.

