હાઈ કોર્ટમાંથી સોમવાર સુધીની રાહત મેળવનાર સમીર વાનખેડેએ આજે કૉર્ટમાં આપેલી પોતાની શાહરુખ ખાન સાથેની ચૅટમાં બૉલીવુડનો પઠાન વાનખેડે સામે રીતસરનો કરગર્યો હતો
શાહરુખ ખાન, સમીર વાનખેડે
બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને સંડોવતા કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસના સંદર્ભે એનસીબીના એ વખતના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ આર્યનને કેસમાંથી છોડવા માટે ૨૫ કરોડ રૂપિયાની લાંચ માગી હોવાનો આક્ષેપ થતાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ સમીર વાનખેડે સામે આ બાબતે કાર્યવાહી કરી છે અને હાલમાં જ ૧૯ જગ્યાએ સર્ચ ઑપરેશન પણ હાથ ધરાયું હતું. હવે સમીર વાનખેડેએ સીબીઆઇની એ કાર્યવાહી સામે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરીને તેમની સામે કરાયેલો એફઆઇઆર રદ કરવાની અને તેમને વચગાળાની રાહત આપવાની માગ કરી હતી. સીબીઆઇએ તેમની આ અરજી સાંભળવામાં જ ન આવે એમ કહીને વિરોધ દર્શાવ્યો હતો. જોકે બૉમ્બે હાઈ કોર્ટે હાલ તેમને વચગાળાની રાહત આપીને સીબીઆઇને તેમની ૨૨ મે સુધી ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો હતો અને શનિવાર સુધીમાં સીબીઆઇ ઑફિસમાં જઈને તેમનો જવાબ નોંધાવવા અને તપાસમાં સહકાર આપવા કહ્યું છે. સામે પક્ષે સીબીઆઇને સોમવાર સુધીમાં સામે તેમનો જવાબ ઍફિડેવિટ દ્વારા નોંધાવવા કહ્યું છે.
સમીર વાનખેડેએ કહ્યું હતું કે ‘આ પહેલાં પણ મારી સામે કરપ્શનના આરોપ થયા છે. એ વખતે એની તપાસ કરનાર મુંબઈ પોલીસને કશું મળ્યું નહોતું. આ વખતે પણ સીબીઆઇને કશું નહીં મળે.’
ADVERTISEMENT
સમીર વાનખેડે અને શાહરુખ વચ્ચે શું વાતચીત થઈ હતી?
સમીર વાનેખેડેએ તેમની અરજી સાથે તેમની અને શાહરુખ ખાન સાથે થયેલી વાતચીત (ચૅટ)ના સ્ક્રીન-શૉટ મૂક્યા છે. એમાં શાહરુખ દ્વારા આર્યનની કાળજી રાખવાનું કહેવાયું છે, જ્યારે વાનખેડે તેમની ડ્યુટી બજાવતા હોવાનું જણાઈ આવે છે. એ ચૅટ ૩ ઑક્ટૉબર ૨૦૨૧ના સવારના ૧૦.૩૭ વાગ્યાની છે.
શાહરુખ : સમીરસાહેબ, હું તમારી સાથે એક મિનિટ વાત કરી શકું? મને જાણ છે કે આ રીતે વાત કરવી એ કદાચ પૂર્ણપણે ખોટું હશે, પણ એક પિતા તરીકે તમારી સાથે વાત કરી શકું?
સમીર વાનખેડે : પ્લીઝ કૉલ.
શાહરુખ : ફોન કરવા આ સમય શું બરોબર કહેવાય? થૅન્ક્સ.
૪ ઑક્ટોબર ૨૦૨૧
શાહરુખ ખાન : તમે મારા વિશે વ્યક્ત કરેલા વિચાર અને વ્યક્તિગત માહિતી માટે હું તમારો આભાર માની શકતો નથી. તે (આર્યન) એવી વ્યક્તિ બનશે જેનું તમને અને મને બંનેને અભિમાન થાય. આ ઘટના તેની જિંદગીમાં બહુ મહત્ત્વની બની રહેશે. હું વચન આપુ છું કે દેશને સારા માર્ગે આગળ લઈ જવા પ્રામાણિક અને મહેનતુ યુવાનોની જરૂર છે. તમે અને મેં આજે આપણી ભૂમિકા નિભાવી છે. હવે એ આવનારી પેઢી પર અવલંબે છે. તેમને ભવિષ્ય માટે તૈયાર કરો. તમારા દયાભાવ અને સમર્થન માટે ફરી એક વાર તમારો આભાર. -એસઆરકે
સમીર વાનખેડે : નક્કી, ચિંતા ન કરો.
શાહરુખ : ભગવાન તમારું ભલું કરે... તમે કહો ત્યારે, તમે મને કહેજો... મારે તમને મળીને ભેટવું છે. તમારા માટે જ્યારે શક્ય હોય ત્યારે મને પ્લીઝ કહેજો. તમારા કામ બદલ મને કાયમ આદર છે અને આદર રહેશે. બિગ રિસ્પેક્ટ.
સમીર વાનખેડે : ચોક્કસ આપણે મળીશું. પહેલાં આ પ્રકરણ પૂરું થવા દો.
૧૩ ઑક્ટોબર ૨૦૨૧
શાહરુખ ખાન : હું તમારી પાસે ભીખ માગું છું. થોડી દયા રાખો. લવ. - એસઆરકે
એક પિતા તરીકે હું તમારી સામે હાથ જોડું છું, ભીખ માગું છું.
સમીર વાનખેડે : શાહરુખ, એક ઝોન ડિરેક્ટર તરીકે નહીં, એક મિત્ર તરીકે હું હાલની સ્થિતિ જણાવવા માગીશ, પણ કેટલાક લોકોએ જે કંઈ ચાલુ કર્યું છે એના કારણે એ શક્ય નથી થઈ રહ્યું.
શાહરુખ ખાન : મારા દીકરાનો આની સાથે કોઈ સંબંધ નથી એની તમને જાણ છે. આર્યનથી નાની ભૂલ થઈ હશે, પણ તેણે મોટો ગુનો કર્યો નથી એની પણ તમને જાણ છે. હું હાથ જોડીને તમને વિનવણી કરું છું કે મારા દીકરાને રાજકારણમાં ન ઘસડો. મારા દીકરા પર આટલા ગંભીર આરોપ ન લગાવો. હું પિતા તરીકે માત્ર તમને વિનવણી કરી શકું. તમારું હિત સાધવા મારા દીકરાનો ઉપયોગ ન કરો. તેણે નથી કર્યો એવા ગુનાની શિક્ષા તેને ન આપો. હું તમારા બધા સામે હાથ જોડું છું. આર્યનને જેલમાં ન મોકલો. હું હાથ જોડું છું. એક વ્યક્તિ તરીકે તેની જિંદગી ખલાસ થઈ જશે. તમે વચન આપ્યું હતું કે મારા દીકરાને સુધરવાની તક મળશે, પણ તમે તેને એવી જગ્યાએ મોકલી રહ્યા છો કે જ્યાં તેની જિંદગી ધૂળધાણી થઈ જશે. પ્લીઝ, મારા દીકરાને ઘરે મોકલી દો. તમને પણ ખબર છે કે તેની સાથે બધું ખોટું થઈ રહ્યું છે. પ્લીઝ, પ્લીઝ, એક પિતાની વિનંતી માન્ય રાખો. તમારી સાથે સિસ્ટમ પર મને વિશ્વાસ છે. મહેરબાની કરીને એ વિશ્વાસ તૂટે એવું ન કરો. મારું આખું કુટુંબ વેરવિખેર થઈ જશે. તમારો ખૂબ-ખૂબ આભારી છું. - લવ શાહરુખ ખાન
સમીર વાનખેડે : પ્રિય શાહરુખ, હાલની પરિસ્થિતિને કારણે મારું હૃદય વલોવાય છે. મારી સાથેના દરેકની આ જ ભાવના છે.
હવે હું લડીશ, બરાબરનો લડીશ
કોર્ટે આપેલી રાહત બાદ સમીર વાનખેડેએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે હું તપાસમાં પૂરતો સહકાર આપીશ. તેમણે કહ્યું હતું કે ‘હું એમ કહેવા માગીશ કે મને સીબીઆઇ, કેન્દ્ર શાસન અને ન્યાયવ્યવસ્થા પર પૂરતો વિશ્વાસ છે કે મને ન્યાય મળશે. એસસી કમિશનમાં ફરિયાદ થઈ એ પછી જ આ કાર્યવાહી થઈ છે, પણ મને સીબીઆઇ સામે કોઈ ફરિયાદ નથી. તેઓ ભલે તેમની રીતે તપાસ કરે. દોઢ વર્ષ પહેલાંના કરપ્શનના આરોપ છે. તેમને તપાસ કરવા દો, હું પૂર્ણ સહકાર આપીશ. મને ખુશી થશે, કારણ કે ત્યાં પણ હું જીતીશ, કારણ કે સત્યમેવ જયતે. કેટલાક ગંદા લોકોએ મારા પર આરોપ કર્યા હતા અને કેટલાક ગંદા અધિકારીઓ પણ છે. તેમની સામે હવે હું લડીશ, બરાબરનો લડીશ. હું સીબીઆઇને તપાસમાં સહકાર આપીશ અને આ લડાઈ ચોક્કસ જીતીશ.’